- મોઢ વણિક મહાજન-રાજકોટ નિર્મિત યુવીએમસી પાર્ટી લોન્સનું ધમાકેદાર લોકાર્પણ
- ભક્તિ સંધ્યા, દાતાઓનું સન્માન અને જ્ઞાતિ ભોજન સહિતના ત્રિવિધ સેવાકાર્ય યોજાયા
- પૈસાના અભાવે કોઇ બાળકનું ભણતર નહીં અટકે કે કોઇ બિમાર વ્યક્તિ મોતના મુખમાં નહીં ધકેલાય: ભાગ્યેશ વોરાની ઐતિહાસિક ઘોષણા
રાજકોટ જેવા વિકસીત શહેરમાં અત્યાધુનીક સુવિધાઓથી સજ્જ વિશાળ પાર્ટી પ્લોટ માત્ર રૂ.21 હજારમાં ભાડે આપવામાં આવશે. આ વાત કોઇ વ્યક્તિ કરે તો પ્રથમ દ્રષ્ટિએ વિશ્ર્વાસ ન આવે પણ આ વાત અક્ષરશ: સાચી છે. શહેરની 150 વર્ષ જૂની સંસ્થા શ્રી મોઢ વણિક મહાજન-રાજકોટ દ્વારા ન્યારી ડેમ પાસે ઉજમશીભાઇ વોરા પાર્ટી લોન્સનું નિર્માણ કરવામાં આવ્યું છે. જેનું ગઇકાલે જગદ્ગુરૂ શ્રીમદ વલ્લભાચાર્ય પ્રાગટ્ય પીઠાધીસ્વર સોમયાજી દિક્ષિત અનંત શ્રી વિભૂષિત પૂ.પા.ગો.108 શ્રી દ્વારકેશલાલજી મહાદેવ ચંપારણ્યના હસ્તે કરવામાં આવ્યું હતું. આ ઐતિહાસિક અવસરે “ભક્તિ કે રંગ શ્રીજી કે સંગ” દાતાઓનું સન્માન અને વિરાટ જ્ઞાતિ ભોજન સહિતના ત્રિવિધ કાર્યક્રમો યોજાયા હતા.
આ પાવન અવસરે મોઢવણિક મહાજનના યુવા પ્રમુખ ભાગ્યેશભાઇ વોરાએ ઉજમશીભાઇ વોરા પાર્ટી લોન્સના નિર્માણ માટે છેલ્લા આઠ વર્ષ કરવામાં આવેલી મહેનત અને વેઠેલી મુશ્કેલીઓ અંગે જ્ઞાતિજનોને માહિતગાર કરવામાં આવ્યા હતા. સાથોસાથ એવી ઘોષણા કરવામાં આવી હતી કે મોઢ વણિક સમાજના લોકોને માત્ર 21 હજારમાં આ પાર્ટી પ્લોટ સામાજીક પ્રસંગો માટે ભાડે આપવામાં આવશે. જ્યારે ઇત્તર જ્ઞાતિના લોકોને માત્ર 51 હજારમાં પાર્ટી પ્લોટ ભાડે આપવામાં આવશે. જ્ઞાતિબંધુઓ માટે તેઓએ અન્ય એક મહત્વપૂર્ણ ઘોષણા કરી હતી કે હવે મોઢ વણિક મહાજનનું અભિયાન શિક્ષણ અને આરોગ્ય ક્ષેત્રે હશે. પૈસાના વાંકે કોઇપણ બાળકોનું ભણતર નહીં અટકે જ્યારે કોઇ બિમાર વ્યક્તિ નાણાના અભાવે મોતના મુખમાં નહીં ધકેલાય મહાજન દ્વારા શક્ય તેટલી મદદ કરવામાં આવશે.
પૂ.દ્વારકેશલાલજી મહોદયે મોઢ વણિક મહાજનની યુવા ટીમની કામગીરીની સરાહના કરી હતી. પાર્ટી પ્લોટના નિર્માણના તેઓના વિઝનને બિરદાવ્યું હતું. જ્યારે વ્રજરાજકુમાર મહોદયે સોશિયલ મીડિયાના માધ્યમથી આર્શિવચન પાઠવ્યા હતા. યુવીએમસી પાર્ટી લોન્સના લોકાર્પણ પ્રસંગે યોજાયેલા “ભક્તિ કે રંગ શ્રીજી કે સંગ” પૃષ્ટીમાર્ગીય ભક્તિ ગીતોના કાર્યક્રમને પણ જ્ઞાતિજનોએ મનભરીને માણ્યો હતો.
જ્ઞાતિના વિકાસ માટે હમેંશા પોતાના ખજાના ખૂલ્લા મૂકી દેતા સમાજના દાતાઓનું પણ અદકેરૂં સન્માન કરવામાં આવ્યું હતું. અન્ન ભેગા તેના મન ભેગા તે કહેવતને સાર્થક કરતા જ્ઞાતિજનો માટે ભોજન સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં હજ્જારો જ્ઞાતિજનોએ એક જ પંગતે હરિહર કર્યું હતું.
મોઢ વણિક મહાજનના પ્રમુખ ભાગ્યેશભાઈ વોરા, મેનેજિંગ ટ્રસ્ટી કિરેનભાઈ છાપીયા, ઉપપ્રમુખ સુનિલભાઈ વોરા, મંત્રી અશ્ર્વિનભાઈ વડોદરિયા, સહમંત્રી કેતનભાઇ પારેખ, ખજાનચી નીતિનભાઈ વોરા, ટ્રસ્ટી સંજયભાઈ મણિયાર, જગદીશભાઈ વડોદરિયા, ઈલેશભાઈ પારેખ અને ધર્મેશભાઈ વોરાની ટીમ દ્વારા અથાગ પરિશ્રમ બાદ યુવીએમસી પાર્ટી લોન્સના નિર્માણના ભગીરથ કાર્ય પાર ઉતારવામાં આવ્યુ છે. આ પાર્ટી લોન્સમાં મોઢવાણિક સમાજના જ્ઞાતિજનો પોતાના વિવિધ સામાજિક પ્રસંગોની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરી શકશે. અંદાજે 30,000 ચોરસ ફૂટના આ પાર્ટી લોન્સ સાથે આધુનિક કોન્ફરન્સ હોલ, વિવિધ સગવડતા સાથેના પાંચ એસી રૂમ અને અલ્ટ્રા મોડર્ન કિચન સહિતના આધુનિક સંકુલનું નિર્માણ કરવામાં આવ્યું છે. જેને જ્ઞાતિના ઉસ્થાન માટે સેવાનો ભેખધારણ કર્યો હતો તેવા જ્ઞાતિ રત્ન ઉજમશીભાઈ વીરચંદભાઈ વોરા મોઢ વણિક કેમ્પસ તથા પાર્ટી લોન્સ નામ આપવામાં આવ્યું છે.
પાર્ટી લોન્સના બુકિંગ માટે કેતનભાઇ પારેખ, શ્રીજી ઇલેક્ટ્રોનિક્સ, મનીષ કોમ્પલેક્ષ અક્ષર માર્ગ રાજકોટ ખાતે સંપર્ક કરવા અપીલ કરવામાં આવી છે. મોઢ વણિક મહાજનના આ નવીનતમ સોપાનની સર્વત્ર સરાહના થઈ રહી છે.