- ભારે વાહનોના થપ્પા : 5 કલાક સુધી ભારે ટ્રાફિક જામના દ્રશ્યો
રાજકોટ શહેરના બેડી ચોકડીથી માધાપર ચોકડી સુધી સવારથી જ ભારે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. આખા હાઇવે પર જ્યાં સુધી નજર જાય ત્યાં સુધી ફકત વાહનોના થપ્પા જોવા મળ્યા હતા. ઉપરાંત બેડી ચોકડીથી માર્કેટીંગ યાર્ડ સુધી પણ ટ્રાફિક જામ સર્જાયો હતો. જે ટ્રાફિક જામના દ્રશ્યો ડ્રોન કેમેરામાં કેદ થયાં છે. જે તસ્વીર અહીંયા રજૂ કરવામાં આવી છે.
પ્રાપ્ત વિગત અનુસાર બેડી ચોકડીથી માલીયાસણ તરફ જવાનાં માર્ગમુ નિર્માણ કાર્ય શરૂ કરવામાં આવ્યું છે. ત્યારે આજે સવારે આશરે 7 વાગ્યાંથી જ આ મુખ્ય માર્ગ પર ટ્રાફિક સર્જાયો હતો. અધૂરામાં પૂરું બેડી ચોકડી ખાતે બે વાહન વચ્ચે સાવ સામાન્ય ટક્કર સર્જાઈ હતી અને બંને વાહનચાલકો સામ-સામે આવી જતાં આખો ચોક બ્લોક થઇ ગયો હતો તેવું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે. જે બાદ વાહનોની આવક ચાલુ રહેતા અને ચોક બ્લોક થતાં ભારે ટ્રાફિક સર્જાયો હતો.
મળતી માહિતી મુજબ એટલી હદે ટ્રાફિક જામ સર્જાયો હતો કે, વાહન ચાલકો રોંગ સાઈડમાંથી વાહન કાઢવા મજબૂર થઇ ગયાં પણ વાહનચાલકો રોંગ સાઈડમાંથી નીકળતા ટ્રાફિક જામ વધુ તીવ્ર બન્યો હતો. ત્યારે અમુક જાગૃત નાગરિકોએ ટ્રાફિક ક્લિયર કરાવવા પણ પ્રયત્ન હાથ ધર્યો હતો. જે બાદ ટ્રાફિક પોલીસના અધિકારીઓ અને કર્મચારીઓ પણ દોડી આવ્યા હતા અને ટ્રાફિક ક્લિયર કરાવવાની જહેમત હાથ ધરી હતી. પરંતુ ટ્રાફિક એટલી હદે વધી ગયો હતો કે, આ ટ્રાફિક છેક સાડા બાર વાગ્યાં સુધી પણ ક્લિયર કરાવી શકાયો ન હતો. ઉલ્લેખનીય બાબત છે કે, બેડી ચોકડી ખાતે કચ્છ, મોરબી, જામનગર, અમદાવાદ તરફ જતાં વાહનો પસાર થતાં હોય છે તેમાં પણ ખાસ તો ભારે વાહનોની સંખ્યા ખુબ મોટી હોય છે જેના લીધે ટ્રાફિક જામએ ગણતરીની મિનિટોમાં જ વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીઘું હતું.