ગુજરાત, બિહાર, કર્ણાટક, રાજસ્થાન, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને દિલ્હીમાં ભાજપનું શ્રેષ્ઠ પ્રદર્શન
સપા-બસપાને માત્ર મળી ૨૩ બેઠકો: કોંગ્રેસને ૧ બેઠક
લોકસભાની ૫૪૩ બેઠકો પર તમામ વિરોધ પક્ષ જાણે એક માત્ર વડાપ્રધાન નરેન્દ્ર મોદી સામે ચુંટણી લડી રહ્યું હોય તેવું લાગી રહ્યું હતું. સાત તબકકાનું મતદાન પૂર્ણ થયા બાદ અલગ-અલગ ખાનગી એજન્સીઓ અને ન્યુઝ ચેનલો દ્વારા કરવામાં આવેલા સર્વેમાં કેન્દ્રમાં ફરી ભાજપ પ્રેરિત એનડીએની સરકાર બની રહી હોવાનાં એકઝીટ પોલ આજે સાચા ઠર્યા છે. ૨૦૧૪ કરતાં પણ સારા પરીણામ સાથે ભાજપ કેન્દ્રમાં સરકાર બનાવવા જઈ રહી છે. દિલ્હીની ગાદીનો રસ્તો ઉતરપ્રદેશમાંથી પસાર થાય છે. આવામાં મોદીનાં રથને રોકવા માટે ઉતરપ્રદેશમાં બે કટ્ટર હરીફ એવા સમાજવાદી પાર્ટી અને બસપાએ મોદીને હરાવવા માટે હાથ મિલાવ્યા હતા અને આ મિત્રતાને મહાગઠબંધન નામ આપવામાં આવ્યું હતું જોકે યુપીની જનતાએ મહાગઠબંધનને જાકારો આપ્યો છે. રાજયની ૮૦ બેઠકોમાંથી ભાજપ અને સાથી પક્ષોને ફાળે હાલ ૫૬ બેઠકો મળી રહી હોવાનું જણાઈ રહ્યું છે ત્યારે સપા અને બસપાનાં મહાગઠબંધનને ફાળે ૨૩ બેઠકો અને કોંગ્રેસને સમ ખાવા પુરતી એક બેઠક મળી રહી છે.
વર્ષ ૨૦૧૪માં યોજાયેલી લોકસભાની સામાન્ય ચુંટણીમાં ભાજપે સર્વતમ પ્રદર્શન કરતાં ઉતરપ્રદેશમાં ૮૦ માંથી ૭૩ બેઠકો પર જીત હાંસલ કરી હતી. ઉતરપ્રદેશનાં તે સમયનાં પ્રભારી અમિત શાહની કાર્યશૈલીથી ખુશ થઈ ભાજપે તેઓને રાષ્ટ્રીય અધ્યક્ષ બનાવ્યા હતા. ભાજપનો વિજયરથ રોકવા માટે યુપીમાં સપા અને બસપાએ હાથ મિલાવ્યા હતા અને મહાગઠબંધન બનાવ્યું હતું. યુપીની ૮૦ લોકસભા બેઠકો માટે આજે જાહેર થયેલા પરીણામમાં મહાગઠબંધનને આશ્ર્વાસનથી વધુ ખાસ મળ્યું નથી. રાજયની ૮૦ બેઠકો પૈકી ૫૬ બેઠકો પર ભાજપ કે સાથી પક્ષોનો વિજય થયો છે તો સપા, બસપાનાં ગઠબંધનને ફાળે ૨૩ બેઠકો આવી છે જયારે કોંગ્રેસને હાલ એક માત્ર રાયબરેલી બેઠક મળી રહી છે.
ઉતર પ્રદેશ ઉપરાંત બિહાર, કર્ણાટક, રાજસ્થાન, ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને દિલ્હીમાં ભાજપનું પ્રદર્શન ખુબ જ સારું રહેવા પામ્યું છે. બિહારની ૪૦ બેઠકો પૈકી ભાજપ અને સાથી પક્ષોને ફાળે હાલ ૩૮ બેઠકો આવી રહી છે. કર્ણાટકમાં પણ ભાજપનું બુલડોઝર ફરી વળ્યું છે. અહીં ૨૮ માંથી ૨૪ બેઠકો પર ભાજપ વિજય તરફ આગળ વધી રહ્યું છે. દિલ્હીની સાતેય બેઠકો પર કમળ ખીલે તેવું લાગી રહ્યું છે. રાજસ્થાનની ૨૫ પૈકી ૨૪ બેઠકો પર ભાજપનાં ઉમેદવારોની જીત નિશ્ર્ચિત થઈ જવા પામી છે ત્યારે કોંગ્રેસનાં ફાળે અહીં એકમાત્ર બેઠક આવી રહી છે. મહારાષ્ટ્રની વાત કરવામાં આવે તો મહારાષ્ટ્રની ૪૮ પૈકી ૪૪ બેઠકો ભાજપ અને શિવસેનાનાં ફાળે જતી દેખાય છે. જયારે ૩ બેઠકો કોંગ્રેસ અને સાથી પક્ષોને જયારે અન્ય પક્ષને એક બેઠક મળી રહી છે. મધ્યપ્રદેશની ૨૯ બેઠકો પૈકી ૨૮ બેઠકો પર ભાજપનાં ઉમેદવારો જીત ભણી આગળ વધી રહ્યા છે જયારે એક બેઠક હાલ કોંગ્રેસના ફાળે જતી હોય તેવું લાગી રહ્યું છે. હરિયાણાની પણ તમામ ૧૦ બેઠકો પર ભાજપ હાલ આગળ ચાલી રહ્યું છે. ગુજરાતની તમામ ૨૬ બેઠકો પર ભાજપની જીત નિશ્ર્ચિત મનાઈ રહી છે.