ગુજરાત વિરોધી કોંગ્રેસની માનસિકતાને ઘ્વસ્ત કરવા જનતા તૈયાર: ૨૦૧૪માં મોદીનું વાવાઝોડું આવ્યું હતું આ વખતે તો સુનામી આવશે
મહાગઠબંધન એ શંભુ મેળો છે તેમાં બધાને વડાપ્રધાન બનવું છે. વડાપ્રધાનની આ રેસ માટે મહાગઠબંધનના સાથીદારો જ એકબીજાના ટાંટીયા ખેંચી રહ્યા છે તેમ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ પત્રકાર પરીષદ સંબોધતા જણાવ્યું હતું. વધુમાં ઉમેર્યું કે, ૨૦૧૪માં મોદીનું વાવાઝોડું આવ્યું હતું જયારે આ વખતે તો સુનામી આવાની છે. ગુજરાત વિરોધી કોંગ્રેસની માનસિકતાને ઘ્વસ્ત કરવા માટે જનતા પણ તૈયાર થઈ ચુકી છે.
મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ આજે રાજકોટમાં પત્રકાર પરીષદ સંબોધી હતી. જેમાં તેઓએ કહ્યું કે, કાલે પ્રચાર બંધ થવાના છે. કાલે સવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પાટણમાં જાહેરસભા યોજાવાની છે. ગુજરાતનું એક પણ એવું મોટું ગામ નહીં હોય જયાં ભાજપે સભા કરી ન હોય. ભાજપના હજારો કાર્યકરો એકત્રિત થઈને પ્રચાર-પ્રસારનાં કામમાં લાગી ગયા છે. દિવસ-રાત તેઓ તનતોડ મહેનત કરીને વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરી પીએમ બને તેવી અપેક્ષા રાખી રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી દેશને પુરતી સુરક્ષા અને સલામતી પુરી પાડી શકે તેમ છે. ભ્રષ્ટાચાર દુર કરી શકે તેમ છે ઉપરાંત તેઓ દેશભકત, પરિશ્રમી, ઈમાનદાર અને દુરંદેશી છે. પાંચ વર્ષમાં નરેન્દ્ર મોદીએ પ્રજા માટે ભરપુર કામ કર્યા છે. ત્રાસવાદી સામે કડક કાર્યવાહી પણ કરી છે.
મનમોહનસિંહની સરકાર વખતે ૧૦ વર્ષમાં અનેક હુમલાઓ થયા છે ઉપરાંત તાજ ઉપર પણ મોટો હુમલો થયો હતો જેમાં ૧૭૮ વ્યકિતઓના મોત નિપજયા હતા ત્યારે મનમોહનસિંહની સરકારે શું પગલા લીધા ? તેનો જવાબ કોંગ્રેસ આપે. ચુંટણી ઢંઢેરામાં કોંગ્રેસે કહ્યું છે કે, તેઓ ૩૭૦ની કલમ નાબુદ નહીં કરે. કોઈપણ વ્યકિત લશ્કરના અધિકારી સામે કેસ દાખલ કરી શકે તેવો કાયદો પણ લાવીશું. ઢંઢેરામાં જણાવાયેલા આ મુદાઓ ગેર વ્યાજબી છે. રાહુલ ગાંધી ૭૨ હજાર રૂપિયા ગરીબોના ખાતામાં જમા કરી આપવાની ભ્રામક વાત કરે છે. મનમોહનસિંહે ૧૦ વર્ષ શાસન કર્યું ત્યારે તેઓએ કેમ કોઈ ગરીબોના ખાતામાં પૈસા જમા કરાવ્યા નથી.
મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ વધુમાં ઉમર્યું કે, જેમ માછલી પાણી વગર તરફડતી હોય તેમ કોંગ્રેસ પણ સતા વગર તરફડી રહી છે. ભાજપ સરકાર દ્વારા પહેલી વખત પાકિસ્તાનને એકલું કરી દેવામાં આવ્યું છે તેની સાથે વાટાઘાટ પણ બંધ કરી દેવામાં આવી છે. આર્થિક નાકાબંધી પણ લાદી દેવામાં આવી છે. કોંગ્રેસના શાસનમાં અવાર-નવાર બોમ્બ ધડાકા થતા હતા જયારે ભાજપના શાસનમાં માત્ર સરહદ પર તણાવ રહે છે પરંતુ દેશની અંદર ધડાકા થયા નથી. અગાઉ કોંગ્રેસના શાસનમાં જયારે નરેન્દ્ર મોદી મુખ્યમંત્રી હતા ત્યારે તેઓને દિલ્હીમાં ૮ દિવસ સુધી વડાપ્રધાનને મળવા માટે રાહ જોવી પડતી હતી જયારે આજે મારે કોઈપણ પ્રશ્ર્ન માટે દિલ્હી સુધી પણ ધકકો ખાવો પડતો નથી. માત્ર ફોન ઉપર જ તમામ પ્રશ્ર્નોનું નિરાકરણ આવી જાય છે જેથી મોસાળે માં પીરસનાર હોય તેવી સ્થિતિ સર્જાય છે.
મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ જણાવતાં કહ્યું હતું કે, જયારે સંયુકત રાષ્ટ્ર સંઘની બેઠક યોજાઈ હતી તેમાં શાંતી સંદેશ માટે સંયુકત રાષ્ટ્ર સંઘના ૨૬ માંથી ૨૫ દેશોએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને સમર્થન આપ્યું હતું અને શાંતી પુરસ્કાર માટે તેઓની પસંદગી કરવામાં આવી હતી. પત્રકાર પરીષદમાં જયારે વિજયભાઈ રૂપાણીએ પુછવામાં આવ્યું કે, મોદી સરકાર જે રીતે પાકને આર્થિક રીતે ભીડવ્યું છે અને તેને આર્થિક રીતે તેની કમર ભાંગી નાખી છે તો ભાજપ આ મુદાને કેમ હાઈલાઈટ નથી કરતું ત્યારે આ પ્રશ્નના ઉતરમાં મુખ્યમંત્રીએ માહિતી આપતા જણાવ્યું હતું કે, ભાજપ પક્ષ ધીરે ધીરે તમામ મુદાઓમાં જેમ સફળતા મેળવી રહી છે તેવી જ રીતે દેશનાં કામ મોદી સરકાર કરી રહ્યું છે.
તેને પ્રજા સમક્ષ મુકવામાં આવશે. જયારે તેઓને બીજો પ્રશ્ર્ન પુછવામાં આવ્યો કે જો કોંગ્રેસ પક્ષ સતામાં આવે અને રાહુલ ગાંધી દ્વારા જે ન્યાય યોજના થકી ૭૨ હજાર રૂપિયા ખાતામાં જમા કરવાની જે વાત કરી છે તે કેટલા અંશે શકય બનશે ત્યારે એ પ્રશ્ર્નના ઉતરમાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ જણાવ્યું હતું કે, હાલ કોંગ્રેસની પરિસ્થિતિ એવી છે કે પાણી વિનાની માછલી જે ભ્રામક વાયદાઓ અને જે ભ્રામક વચનો તે લોકોને આપી રહ્યા છે તેના કોઈ આધાર પુરાવા તેમની પાસે નથી. વધુમાં તેઓ પાસે એ વાત પણ સ્પષ્ટ થતી નથી કે તેઓ ૭૨૦૦૦ રૂપિયા લાવશે કયાંથી કે જે ૫ કરોડ ભારતીયોને આપવામાં આવવાના છે.
વિજયભાઈને જયારે ત્રીજો પ્રશ્ન પુછવામાં આવ્યો કે ગત વિધાનસભાની ચુંટણીમાં ત્રિપુટી એટલે કે હાર્દિક, અલ્પેશ અને જીજ્ઞેશ જે અસર પાડી હતી તો શું આ લોકસભાની ચુંટણીમાં તેઓની અસર કેવી રહેશે ? આ પ્રશ્ર્નના ઉતરમાં વિજયભાઈ રૂપાણીએ જણાવ્યું હતું કે, આ ત્રણેય ત્રિપુટી કોંગ્રેસની ડિઝાઈન છે.
તેઓ હવે પોતાના સ્વગૃહે પહોંચી ગયા છે અને જે રીતે તેમના દ્વારા ચુંટણી ન લડવાની વાત લોકો સમક્ષ કર્યા બાદ જયારે તેઓ ચુંટણી લડવા માટે મેદાને આવ્યા ત્યારે લોકોએ તેમની ખરી વાસ્તવિકતાને ઓળખી કાઢી. હાલ ભાજપ પક્ષ સાથે તમામ સમાજ અને તમામ સમુદાય જોડાયેલો છે ત્યારે આ વખતની ચુંટણીમાં જંગી મતદાન થશે તે વાત પણ નકકી છે. કારણકે લોકોને ખ્યાલ આવી ગયો છે કે નરેન્દ્ર મોદી જ વડાપ્રધાન પદ પર સુશોભિત થઈ દેશને તમામ ખરાબ પરિસ્થિતિમાંથી બહાર કાઢશે.
અંતમાં તેઓએ માહિતી આપતા જણાવ્યું હતું કે, ગ્રામીણ વિસ્તારમાં પાક વિમાને લઈ કોઈ પણ ખેડુત ભાજપ પક્ષ વિરુઘ્ધ નથી. કારણકે ૨૬૦૦ કરોડ રૂપિયા પાક વિમા પેટે રાજય સરકાર દ્વારા આપવામાં આવે છે. માત્ર જુજ ગામો જ હશે કે જે પાક વિમાથી વંચિત હોય.