બનાસકાંઠા લોકસભા સીટના ઉમેદવાર પરબત પટેલના નામાંકન સમયે ઉપસ્થિત રહેતા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનો ગઠબંધન પર પ્રહાર
ગુજરાત રાજ્યના મુખ્મંત્રી વિજયભાઇ રૂપાણી બનાસકાંઠા લોકસભા સીટના ઉમેદવાર પરબતભાઇ પટેલના નામાંકન સમયે ઉપસ્થિત રહ્યાં હતાં. તે પૂર્વે એક વિશાળ રોડ-શોનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે કેન્દ્રિય મંત્રી હરીભાઇ ચૌધરી, પ્રદેશ મહામંત્રી કે. સી. પટેલ, પૂર્વ મંત્રી શંકરભાઇ ચૌધરી, બનાસકાંઠા જિલ્લાના ધારાસભ્યો, પૂર્વ ધારાસભ્યો, વર્તમાન સાંસદ લીલાધરભાઇ વાઘેલા, વિવિધ ગામોના સરપંચો અને વિવિધ સમાજના આગેવાનો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યાં હતાં.
મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ એક વિશાળ જનમેદનીને સંબોધતાં જણાવ્યું હતું કે, આજે જ્યારે બનાસકાંઠામાંથી આદરણીય પરબતકાકા નામાંકન દાખલ કરવાના છે, એટલે કોંગ્રેસનો સફાયો નિશ્ચીત છે, એવું બનાસકાંઠા જિલ્લાની આમ જનતામાં સંભળાઇ રહ્યું છે. બનાસકાંઠા જિલ્લાના જન પ્રતિનિધીરૂપે હંમેશા પ્રજાની વચ્ચે રહે તેવા ઉમેદવાર અમે પરબતકાકા રૂપે આપ્યાં છે.
એક તરફ ચોકીદાર છે, તો બીજી તરફ ચોરોની જમાત છે, મહાગઠબંધનના લોકો ચોકીદારને ચોર કહે છે, પરંતુ આપણે ગુજરાતમાંથી ઇ.વી.એમ. કમળોથી ભરી દઇ સાબિત કરી આપવાનું છે કે, ચોકીદાર ચોર નથી, પણ ચોકીદાર શ્યોર અને પ્યોર છે. ચોકીદાર ખાતો નથી અને ખાવા દેતો નથી એટલે કોંગ્રેસ અને મહાગઠબંધનને પેટમાં દુખે છે. દેશની જનતાએ નક્કી કરવાનું છે, કે વડાપ્રધાન કોને બનાવવા છે.
કોંગ્રેસ પાસે નથી નીતિ કે નથી નિયત. કોંગ્રેસના લોકો આતંકવાદીઓને આશરો આપી બિરયાની પીરસનારા છે, જ્યારે બીજી તરફ ભાજપા આતંકવાદીઓનો ખાત્મો કરવા માટે પ્રતિબધ્ધ છે. કોંગ્રેસ દ્વારા તેઓના ચૂંટણી ઢંઢેરામાં કહેલું છે કે, અમે સત્તામાં આવીશુ તો કાશ્મીરમાં લાગુ ૩૭૦ની કલમ દૂર નહીં કરીએ. રાજદ્રોહની કલમ અમે કાઢી નાંખીશું. સેનાના કોઇપણ અધિકારી ઉપર સરકારી પૂર્વ મંજુરી વગર કેસ ચલાવવાની મંજુરી આપવામાં આવશે.
ત્રાસવાદીઓ ઉપર કરવામાં આવેલ કેસો અમે પરત ખેંચી લઇશું, કોંગ્રેસના આવા નિવેદનો માત્રને માત્ર વોટ મેળવવા માટે દેશની એકતા અને અખંડીતતા તોડવા માટેના છે. મહાગઠબંધન એ મજબૂરીનું ગઠબંધન છે. કાશ્મીર એ ભારતનું અવિભાજ્ય અંગ છે, અને અમારા જીવનની ક્ષણક્ષણ અખંડ ભારતની સુરક્ષા અને સલામતિ માટે ન્યોછાવર છે.
૨૦૧૪ પહેલાં કોંગ્રેસ અને યુ.પી.એ.ના શાસનમાં ગરીબોનું શોષણ જ કરવામાં આવ્યું છે, દેશને લુટ્યો છે. જ્યારે નરેન્દ્રભાઇ મોદીના શાસનમાં જનધન યોજના થકી ગરીબોના ખાતા ખોલાવ્યાં છે અને તેમને મળતી સહાય સીધે સીધા તેમના ખાતામાં જમા કરવામાં આવે છે, જેનાંથી વચેટીયાઓનો ધંધો હંમેશા માટે બંધ થઇ ગયો છે. ઉજ્જ્વલા યોજના, ઉજાલા યોજના, જનધન યોજના, આયુષ્યમાન ભારત યોજના, શૌચાલય યોજના જેવી સફળ યોજનાઓ અમે ગરીબોને આપી છે. આયુષ્યમાન યોજના થકી પ લાખ રૂપિયાની સહાય લાભાર્થીઓને આપવામાં આવે છે.
કોંગ્રેસના શાસનમાં દેશના ગરીબો વધુને વધુ ગરીબ બન્યાં છે. કોંગ્રેસ ભ્રષ્ટાચારમાં તરબોળ છે, ત્યારે આપણાં રાષ્ટ્રભક્ત નરેન્દ્રભાઇ મોદીના શાસનમાં એકપણ ભ્રષ્ટાચારનો આરોપ લાગ્યો નથી. કોંગ્રેસ માત્ર વાયદાઓ જ કરે છે, ત્યારે ભાજપા એ જે કીધુ છે એ કર્યું છે. દિલ્હીમાં પહેલીવાર એક ઇમાનદાર સરકાર બની છે, ત્યારે આ જ સરકારને ૨૦૧૯ની લોકસભા ચૂંટણીમાં નાત-જાતના ભેદભાવ ભૂલી આ ઐતિહાસિક લોકતંત્રના પર્વમાં દેશને મજબૂત હાથમાં સોંપવા અને નરેન્દ્રભાઇ મોદીને વડાપ્રધાન બનાવવા માટે બનાસકાંઠા લોકસભા સીટ ઉપરથી જંગી બહુમતી સાથે પરબતભાઇ પટેલને વિજયી બનાવવા અપીલ કરી હતી