એક પુષ્પ એક બીલી પત્ર એક લોટા જલ કી ધાર

પ્રથમ જ્યોર્તિંલીંગ સોમનાથ મહાદેવ મંદિરે રોજ નીત નવા શણગાર: શિવાલયો બમબમ ભોલેનાનાદથી ગુંજી ઉઠશે: ચાર સોમવાર 27મી ઓગસ્ટે થશે શ્રાવણનું સમાપન

ભોળાના ભગવાન અને ભગવાનમાં ભોળા એવા દેવાધીદેવ મહાદેવને અતિ પ્રિય એવા પવિત્ર પાવનકારી શ્રાવણ માસનો આવતીકાલ શુક્રવારથી મંગલા આરંભ થઇ રહ્યો છે. શિવભક્તો સતત એક મહિના સુધી શિવભક્તિમાં લીન થશે. પ્રથમ જ્યોર્તિંલીંગ સોમનાથ મહાદેવ મંદિરે મહાદેવને રોજ નીત નવા શણગાર કરવામાં આવશે. શિવાલયોમાં હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠશે. આ વર્ષ શ્રાવણ માસમાં ચાર સોમવાર છે. 27મી ઓગસ્ટે શ્રાવણ માસનું સમાપન થશે.

શિવભક્તોને મહાદેવની ભક્તિ કરવા માટે એકાદ-બે દિવસ નહી પરંતુ આખો શ્રાવણ માસ મળે છે. શ્રાવણને તહેવારોનો માસ પણ માનવામાં આવે છે. દશાર્માંના દશ-દશ દિવસના વ્રત, રક્ષાબંધન, બોળચોથ, નાગપાંચમ, રાંધણ છઠ્ઠ, શિતળા સાતમ અને જન્માષ્ટમી ઉપરાંત ભાદરથી અમાસ જેવા તહેવારોની ઉજવણી કરવામાં આવતી હોય છે.

શ્રાવણ માસમાં સોમવારનું સવિશેષ મહત્વ રહેલું છે. શુક્રવારથી શરૂ થતા શ્રાવણ માસમાં આ વર્ષ ચાર સોમવાર આવશે. શ્રાવણનું સમાપન 27મી ઓગસ્ટના રોજ થશે. શિવભક્તો સતત એક મહિના સુધી મહાદેવને રિઝવવા માટે આકરી આરાધના કરશે.

શિવાલયોમાં લઘુ રૂદ્ર, અભિષેક સહિતના ધાર્મિક કાર્યક્રમો ઉજવાશે. પ્રથમ જ્યોર્તિંલીંગ એવા સોમનાથ મહાદેવને રોજ વિવિધ શણગાર કરવામાં આવશે. યાત્રિકોને કોઇ મુશ્કેલી વેઠવી ન પડે તે માટે મંદિર ટ્રસ્ટ દ્વારા ઉત્તમ વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. શિવભક્તો આખો મહિનો ઉપવાસ કે એકટાણુ કરી શિવની આરાધના કરતા હોય છે. રાજકોટ શહેરમાં શ્રાવણ માસના ચાર સોમવાર દરમિયાન કતલખાના બંધ રાખવા, માંસ, મટનના વેંચાણ કે સ્ટોરેજ પર પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું કોર્પોરેશન દ્વારા પ્રસિધ્ધ કરવામાં આવ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.