સોમનાથમાં ભક્તોના ઘોડાપુર : શિવાલયો બમબમ ભોલેના નાદથી ગુંજી ઉઠ્યા: “અબતક” માધ્યમથી લાખો ભાવિકોએ કરી શિવ આરાધના
ભોળાના ભગવાન અને ભગવાનમાં ભોળા એવા મહાદેવના અતિપ્રિય માસ એવા શ્રાવણનો આજથી શુભારંભ થયો છે. આ વર્ષ રાજ્યમાં વરૂણદેવના રૂષણા ચાલુ હોય મહાદેવ સૌરાષ્ટ્રભર જલાભિષેક કરે તેવી આજીજી શિવભક્તો દ્વારા કરવામાં આવી હતી. સોમવારથી જ શ્રાવણ માસનો આરંભ થતા શિવભક્તોનો ઉત્સાહ બેવડાયો છે. વહેલી સવારથી શિવાલયો બમબમ ભોલેના નાદથી ગુંજી ઉઠ્યા હતા. સમગ્ર શ્રાવણ માસ દરમિયાન ભક્તો શિવ આરાધનામાં તલ્લીન રહેશે.
આપણી સંસ્કૃતિમાં શ્રાવણ માસનું વિશેષ મહાત્મ્ય તેમજ પવિત્ર શ્રાવણ માસ ધર્મ અને પર્વનો સમન્વય છે. આજથી શ્રાવણ સુદ એકમને પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ થયો છે. ભગવાન ભોળાનાથના પ્રિયવાર સોમવારથી શ્રાવણ માસનો પ્રારંભ થતા લોકોમાં ઉમંગ બેવડાયો છે. પવિત્ર શ્રાવણ માસના પ્રારંભે સૌરાષ્ટ્રના તમામ શિવાલયોમાં આજથી ‘હર હર મહાદેવ’નો નાદ ગુંજી ઉઠ્યો છે. ‘અબતક’ના માધ્યમથી આજે હજારો શ્રદ્ધાળુઓ શ્રી સોમનાથ મહાદેવ મંદિરથી પ્રથમ જ્યોતિર્લિંગના લાઇવ દર્શન નીહાળ્યા હતા. શિવમંદિરોમાં ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું છે. સવારથી જ શિવભક્તો મહાઆરતી, જલાભિષેક, દર્શન-પુજનનો લ્હાવો લઇ ધન્યતા અનુભવી રહ્યાં છે.
સોમનાથ: શ્રાવણના પ્રથમ દિવસે દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાંનિધ્યમાં ભક્તો દ્વારા ‘ઓમ નમ: શિવાય’નો નાદ ગુંજી રહ્યો છે. શ્રાવણના પ્રથમ દિવસે નર્મદા માતાનું પવિત્ર જળ ઓમકારેશ્ર્વર મધ્યપ્રદેશથી પગપાળા દોઢ માસનો પ્રવાસ ખેડી આવેલા કાવડિયા રાજેશબાપુએ કોરોના મહામારીથી વિશ્ર્વનું સોમનાથ દાદા રક્ષણ કરે. સદ્ગતના આત્માને શાંતિ આપે તેવી પ્રાર્થના સાથે સોમનાથ મહાદેવને નર્મદાજળ અર્પણ કર્યું હતું. સોમનાથ મહાદેવ ટ્રસ્ટના ટ્રસ્ટી પી.કે. લહેરીએ પરીસરમાં આજે વહેલી સવારે વ્યવસ્થાનું નિરિક્ષણ કર્યું હતું. સોમનાથ દાદાને આજે વિવિધ પીતાંબર ફૂલોનો મનમોહક શ્રૃંગાર કરવામાં આવ્યો છે.
જસદણ: જસદણમાં આજે શ્રાવણ માસના પ્રથમ સોમવારે વહેલી સવારથી ભાવિકજનો શિવમય બની અનેકવિધ પૂજા અર્ચના કરી રહ્યાં છે. ઘેલાં સોમનાથ જેવા તીર્થધામમાં પણ આ વર્ષે કોઇ કાર્યક્રમ નહિં યોજાય ભાવિકો ફક્ત બહારથી દર્શન કરી શકશે તેવી સત્તાવાર જાહેરાત સરકારે કરી હોવાથી યાત્રીઓથી ધમધમતા આ તીર્થધામમાં પણ ભાવિકોની બ્રેક લાગી ગઇ હતી. શહેરમાં આજે શિવ મંદિરો હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યાં હતાં. શ્રાવણ માસના પહેલા જ દિવસે જસદણ નગરપાલિકા પ્રમુખ અનિતાબેન અલ્પેશભાઇ રૂપારેલીયા અને જસદણ શહેર યુવા ભાજપના પૂર્વ પ્રમુખ વિજયભાઇ રાઠોડએ શહેરીજનોને શ્રાવણ માસની શુભેચ્છાઓ પાઠવી હતી અને કોરોના મહામારી નાબૂદ થાય લોકોના સંકટ દૂર થાય તેવી પ્રાર્થના કરી હતી.
ધોરાજી: ધોરાજી સરયુનદીના કિનારે પાંડવોએ સ્થાપના કરેલ પંચનાથ મહાદેવ મંદિર શ્રાવણ માસ નિમિતે ખાસ દર્શનાર્થીઓ માટે ખૂલ્લુ મુકાયું છે અને સવારે 5 કલાકે મંગળા આરતી, સાંજે સુર્યાસ્તે સંધ્યા આરતી અને શ્રાવણ માસનો દર સોમવારે બપોરે રાજભોગ મહાઆરતી યોજાશે. આજે સોમવારની બપોરની આરતીમાં ભક્તો જોડાયા હતા અને વિશ્ર્વ શાંતિ, કોરોના નાબૂદ થાય અને સારા વરસાદ માટે પ્રાર્થના કરી હતી. આરતી મહામંડલેશ્ર્વર સ્વામી શ્રધ્ધાનંદગીરી પંચનાથ મંદિરના મહંતના હસ્તે કરવામાં આવી હતી. જેનો ભાવિકોએ દર્શનનો લાભ લીધો હતો.
1પમી ઓગસ્ટ બાદ નવી સિસ્ટમ બને તેવી આશા છોટાઉદેપુર અને જેતપુર પાવીમાં ત્રણ ઇંચ વરસાદ
સૌરાષ્ટ્રમાં એક તરફ મેઘરાજાના રૂષણા યથાવત છે. ઉનાળા જેવા આકરા તડકા પડી રહ્યાં છે. બીજી તરફ ગઇકાલે દક્ષિણ ગુજરાતમાં છોટા ઉદેપુર અને જેતપુર પાવીમાં ત્રણ-ત્રણ ઇંચ વરસાદ વરસી જતા નવી આશા બંધાઇ છે. છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યના માત્ર 19 તાલુકાઓમાં વરસાદ પડ્યો હોવાનું નોંધાયુ છે. હજી સાર્વત્રીક વરસાદ પડે તેવી એકપણ સિસ્ટમ હાલ સક્રિય નથી. સારા વરસાદ માટે એક સપ્તાહ સુધી રાહ જોવી પડશે. સૌરાષ્ટ્ર સહિત રાજ્યભરમાં વરસાદની ભારે ખેંચ વર્તાઇ રહી છે.
ચોમાસાના વહેલા આગમન બાદ હવે મેઘરાજાએ મોઢુ ફેરવી લેતા રાજ્યભરમાં જળ કટોકટીના એંધાણ વર્તાવા લાગ્યા છે. જળાશયોમાં પર્યાપ્ત માત્રામાં પાણીની આવક ન થવાના કારણે હવે ડેમોના તળીયા પણ દેખાવા લાગ્યા છે. છેલ્લા એકાદ પખવાડીયાથી સૌરાષ્ટ્રમાં વરસાદ પડ્યો નથી. પાકને હવે મેઘકૃપાની તાતી જરૂરીયાત છે હજી એક સપ્તાહ સાર્વત્રીક કે નોંધપાત્ર વરસાદની નહિંવત સંભાવના વચ્ચે ગઇકાલે રાજ્યના 19 તાલુકાઓમાં હળવા ઝાંપટાથી લઇ ત્રણ ઇંચ સુધી વરસાદ વરસી જતા નવી આશાઓ બંધાઇ છે.
સૌરાષ્ટ્રમાં સાર્વત્રિક કે નોંધપાત્ર વરસાદ આવે તેવી કોઇ જ સિસ્ટમ હાલ સક્રિય નથી અને હજી એકાદ સપ્તાહ અર્થાત 15મી ઓગષ્ટ સુધી કોઇ સિસ્ટમ સક્રિય થાય તેવી સંભાવના નથી. લોકલ ફોર્મેશનના કારણે છુટા છવાયા વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ વરસી શકે છે. સૌરાષ્ટ્રમાં છેલ્લા કેટલાંક દિવસોથી ઉનાળા જેવા આકરા તડા પડી રહ્યાં છે. છેલ્લા 24 કલાક દરમિયાન 19 તાલુકાઓમાં વરસા પડ્યા છે. છોટા ઉદેપુર અને જેતપુર પાવીમાં ત્રણ-ત્રણ ઇંચ જેટલો વરસાદ વરસી ગયા છે. આ ઉપરાંત બોડેલીમાં સવા ઇંચ, ચીખલીમાં પોણો ઇંચ વરસાદ પડ્યો હતો જ્યારે અન્ય તાલુકાઓમાં માત્ર ઝાંપટા પડ્યા છે.