પવિત્ર શ્રાવણ માસ નિમિતે અનેકવિધ શિવાલયોમાં ભાવિકોએ ભોળાનાથના દર્શન કરી ધન્યતા અનુભવી

છોટી કાશીના ઉપનામથી પ્રચલિત એવા જામનગર શહેરમાં અનેક શિવાલયો આવેલા છે, અને ભગવાન શિવજીની નગરી તરીકેની પણ સૌરાષ્ટ્રમાં ઓળખ મળેલી છે, તેવા જામનગર શહેરમાં પવિત્ર શ્રાવણ માસ દરમિયાન અનેક શિવાલયોમાં ઝળહળતી રોશની ના શણકાર જોવા મળી રહ્યા છે.

જામનગરના નાગમતી નદીના તટે આવેલું પુરાણ પ્રસિદ્ધ સિધ્ધનાથ મહાદેવ મંદિર, અને નાગેશ્વર મહાદેવ મંદિર મોમાઈ માતાજી નું મંદિર ઉપરાંત શહેરની મધ્યમાં આવેલું ભીડભંજન મહાદેવ મંદિર, ડી.કે.વી. સર્કલ નજીક આવેલું પ્રતાપેશ્વર મહાદેવ મંદિર, જ્યારે ગાંધીનગર વિસ્તારમાં આવેલું સર્વેશ્વર મહાદેવ મંદિર કે જે તમામ શિવાલયમાં ઝળહળતી રોશની કરવામાં આવી છે.

અનેક શિવભક્ત એવા દાતાઓના સહયોગથી સમગ્ર મંદિર પરિસર માં કામદાર ડેકોરેટર્સ ની ટીમ દ્વારા રંગબેરંગી રોશનીના શણગાર સજવામાં આવ્યા છે. જેથી શ્રાવણ માસ દરમિયાન પ્રત્યેક શિવાલયમાં દર્શન અને ઝાંખી તેમજ રોશની નિહાળી ને ભાવિકો અભિભૂત થયા છે.

કાશી વિશ્વનાથ મંદિરમાં અન્નકૂટ દર્શનની ઝાંખીના દર્શન કરતા ભાવિકો

છોટી કાશીના બહુ પ્રચલિત એવા કાશી વિશ્વનાથ મહાદેવના મંદિરમાં ગઈકાલે શ્રાવણ માસના પ્રથમ સોમવારે ભગવાન શિવજીને અન્નકૂટના દર્શન સહિતની ઝાંખી ઉભી કરવામાં આવી હતી, અને છપ્પન ભોગ ધરાવામાં આવ્યો હતો.  શિવલિંગ પર વિશેષ પ્રકારના દર્શનની ઝાંખી ઊભી કરવામાં આવી હતી, જ્યારે ભગવાન શિવજીને 109 દીવડાની આરતી પણ કરવામાં આવી હતી. ત્યારે બહોળી સંખ્યામાં શિવભક્તો મંદિર પરિસરમાં ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર મંદિર પરિસરમાં ક્યાંય પગ મુકવાની પણ જગ્યા બાકી રહી ન હતી, શ્રાવણ માસના સોમવારે શિવ ભક્તોએ મહા આરતી સાથે ભોળાનાથ ના દર્શન કર્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.