ગરવા ગીરનારની ગોદમાં ભોજન, ભજન અને ભકિતનો ત્રિવેણી સંગમ:
દેશ-વિદેશમાંથી લાખો ભાવિકો ઉમટી પડશે, મહાશિવરાત્રીએ રવેડી અને શાહી સ્નાન બાદ મેળાનું સમાપન
“બમ બમ ભોલે નાથ”, “હર હર મહાદેવ” અને “જય જય ગિરનારી” ના નાદ સાથે આવતીકાલે બુધવારના દિવસે સવારે 9:00 કલાકે ભવનાથ મંદિર ખાતે નૂતન ધ્વજારોહણ થશે અને તે સાથે જૂનાગઢનો ભક્તિ, ભોજન અને ભજનના ત્રિવેણી સંગમ સમો ભવનાથનો શિવરાત્રી મેળાનો પ્રારંભ થશે. આ માટે દેશભરમાંથી અહીં સાધુઓ આવી પહોંચ્યા છે. અને આવતીકાલે ધજારોહન બાદ તેમના ધુણાઓ ચેતનવંતા બનશે. તે સાથે વિદેશમાંથી પણ લોકો ભવનાથનો મેળો કરવા અહીં આવી પહોંચ્યા છે, અને ભવનાથ ક્ષેત્રમાં જાતજાતના સ્ટોલ ઊભા થઈ રહ્યા છે. અને અન્ન ક્ષેત્રો પોતાની સેવા આપવા તૈયારી કરી રહ્યા છે.
દર વર્ષની જેમ આ વર્ષે મહાવદ નોમના દિવસે સવારે 9 વાગ્યે સંતો, મહંતોની ઉપસ્થિતિમાં શાસ્ત્રોક્ત વિધિ સાથે ભવનાથ મંદિર પર નૂતન ધજારોહન થશે અને ત્યારબાદ ભવનાથ ક્ષેત્રમાં પધારેલ નાગા સાધુઓ તથા તમામ અખાડાઓમાં ધુણાઓ ચેતનવંતા થશે તે સાથે જ ભવનાથનો શિવરાત્રી મેળાનો પ્રારંભ થઈ જશે.
આ વર્ષે ચાર દિવસનો શિવરાત્રી મેળાનું આયોજન થયું છે. તારીખ 15 થી ભવનાથનો શિવરાત્રી મેળો પ્રારંભ થશે અને તારીખ 18 ના રોજ શિવરાત્રીની રાત્રે આ મેળો ભવ્ય રવેડી અને શાહી સ્નાન સાથે સંપન્ન થશે. ત્યારે આ મેળાને માણવા વિદેશના પ્રવાસીઓ પણ ભવનાથ ક્ષેત્રમાં આવી પહોંચ્યા છે. તો ભારતભરમાંથી અનેક સંતો, મહંતો, યોગીઓ, જોગીઓ પણ મેળામાં જપ, તપ કરવા અને ભાવિકોને દર્શન આપવા અહીં પહોંચી ચૂક્યા છે.
આ સાથે ભવનાથ ક્ષેત્રમાં વિવિધ સ્ટોલ પણ નખાઈ ચૂક્યા છે અને ભવનાથ ક્ષેત્રમાં ભારતી આશ્રમ નજીક ફજત ફાળકા અને ચકડોળ પણ બાળકો અને યુવાનોના મનોરંજન માટે ઉભા કરવામાં આવ્યા છે. તો 250 થી વધુ અનન ક્ષેત્રો અને ઉતારા મંડળો દ્વારા રસોઈ સહિતની તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે, તંત્ર દ્વારા યાત્રિકોની સુવિધાને આખરી ઓપ આપવામાં આવ્યો છે. છેલ્લા બે દિવસથી અન્ન ક્ષેત્રમાં રસોડા શરૂ થઈ ગયા છે.
જૂનાગઢના ભવનાથ મેળામાં લાખોની સંખ્યામાં આવતા ભાવિકોને કોઈ અગવડ ન પડે તે માટે જૂનાગઢ મનપા દ્વારા વિવિધ પગલાં હાથ ધરવામાં આવ્યા છે. અને તમામ તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે. મનપા દ્વારા લાઈટ, પાણી અને સ્વચ્છતાની સુચારુ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. તે સાથે મનપા દ્વારા મેળામાં માહિતી કેન્દ્ર અને બે કંટ્રોલરૂમ એ રાઉન્ડ ધી કલોક મેળા દરમિયાન કાર્યરત રાખવામાં આવશે.
ભવનાથ ક્ષેત્રમાં મેળાના જીવંત પ્રસારણ અર્થે એલ.ઈ.ડી.સ્ક્રીન તેમજ સાઉન્ડ સીસ્ટમ રાખવામાં આવે છે. મેળા સમયે તેમજ રવેડીના સમયે લાઈટીંગ વ્યવસ્થા કરવામાં આવેલ છે, જે અંતર્ગત હાઈમાસ્ટ ટાવર 15, ટ્યુબ લાઈટ 3000, એલ.ઈ.ડી. બલ્બ લાઈટ 500, સમગ્ર ભવનાથ ક્ષેત્રમાં ફીટ કરવામાં આવેલ છે, તેમજ 7 સ્થળે જનરેટરની પણ વ્યવસ્થા કરવામાં આવે છે, આ સાથે તમામ અન્નક્ષેત્ર તથા ઉતારાઓને ફ્રી લાઈટની વ્યવસ્થા કરવામાં આવે છે.
ભવનાથ ક્ષેત્રના 7 -જાહેર શૌચાલય, 5-મોબાઈલ ટોયલેટ વાન, 2- પે એન્ડ યુઝ ટોયલેટ તથા શૌચાલય બ્લોક કાર્યરત કરવામાં આવેલ છે. કચરો એકત્ર કરવા માટે ડોર ટુ ડોર કચરો એકત્રીકરણ વાહનો મારફત કરવામાં આવે છે.ધાર્મિક સ્થળ, ઉતારા તેમજ ભવનાથ ક્ષેત્રમાં મેળા દરમ્યાન કાર્યરત અન્નક્ષેત્ર માંથી 6-ડોર ટુ ડોર વાહન મારફતે દિવસમાં ત્રણ વખત કચરો એકત્રિત કરવામાં આવશે. સ્વચ્છતા સર્વેક્ષણ અન્વયે મોટા ક્ધટેનર મુકવા પર પ્રતિબંધ હોય, જેથી 100 લીટરની ક્ષમતાવાળી પી.વી.સી. ડસ્ટબીન ભવનાથ ક્ષેત્રમા જુદા જુદા સ્થળે મુકવામાં આવશે ખાણીપીણીના સ્ટોલ પરથી રોજે રોજ કચરો એકત્રીકરણ કરવાની વ્યવસ્થા કરવામાં આવે છે. મહાનગરપાલિકા,જુનાગઢના 100 સફાઈ કામદારો તથા પ્રાઇવેટએજન્સી ડી.જી.નાકરાણીનાં કામદારો ધ્વારા સઘન સફાઈ વ્યવસ્થાની કાર્યવાહી કરવામાં આવશે.
ભવનાથ ક્ષેત્રમાં 4 હંગામી ફાયર સ્ટેશન બનાવવામાં આવે છે.(1) ભવનાથ રીંગ રોડ (2) જીલ્લા પંચાયત ગેસ્ટ હાઉસ (3) ભવનાથ પોલીસ સ્ટેશન ની બાજુમાં (4) ભવનાથ ઝોનલ ઓફિસ,જુનાગઢ સીટી ફાયર સ્ટેશન ભવનાથ ખાતે પેટ્રોલિંગ અર્થે મીની ફાયર ફાઈટર તથા ફાયર બુલેટ રાખવામાં આવે છે.તેમજ આજુ બાજુની નગરપાલિકા કેશોદ, વેરાવળ, ધોરાજી, જેતપુર તથા રાજકોટ મહાનગરપાલિકા પાસેથી જરૂરીયાત મુજબના વધારાના ફાયર ફાઈટર સ્ટાફ સાથે મેળવી ડયુટી ફાળવવામાં આવેલ છે.
સિવિલ હોસ્પિટલ, જીલ્લા પંચાયત તથા મહાનગરપાલિકા,જુનાગઢના સંયુક્ત ઉપક્રમે ભવનાથ ક્ષેત્રમાં કુલ-3 સ્થળ પર આરોગ્ય કેન્દ્રો ઉભા કરવામાં આવેલ છે.(1) ઝોનલ ઓફિસ ભવનાથની સામે (2) જીલ્લા પંચાયત ગેસ્ટ હાઉસની બાજુમાં (3) શ્રી નાકોડા ભેરવ હોસ્પિટલ, ભવનાથ ખાતે આઈ.સી.યુ. સારવાર
અર્થે બનાવેલ છે. તેમજ મોબાઈલ સારવાર કેન્દ્ર ઉતારા સાઈડમાં રાખેલ છે. આ કામગીરીમાં એમ્બ્યુલન્સ, સુપર સ્પેસીયાલીસ્ટ તબીબ, એમ.બી.બી.એસ. તબીબ, પેરા મેડીકલ સ્ટાફ રાઉન્ડ ધ કલોક ફરજ બજાવશે. તેમજ અન્ય મેડીકલ સારવાર અર્થેની દવાઓની વ્યવસ્થા તમામ સ્થળે રાખવામાં આવશે.
ભવનાથ ક્ષેત્રમાં એક સેન્ટ્રલ ક્ધટ્રોલ રૂમ ભવનાથ ઝોનલ કચેરી ખાતે બનાવવામાં આવશે. જેમાં ફોન, ઈન્ટરનેટ સુવિધાની વ્યવસ્થા રાખવામાં આવે છે. તથા કંટ્રોલ રૂમ અને માહિતી કેન્દ્રના ફોન નં. 0285 2960116, 2960246 તથા દત ચોક માહિતી કેન્દ્ર 0285 2960173, 2960174 તા. 14/02/2022 થી કાર્યરત કરાયા છે. છે. મહાનગરપાલિકા,જૂનાગઢ દ્વારા લોકોની સુવિધા અર્થ દત ચોક ખાતે માહિતી કેન્દ્રો શરુ કરવામાં આવેલ છે.