રાજકોટના ગામ દેવતા એવા સ્વયંભૂ રામનાથ મહાદેવ મંદિર આસપાસ બેસૂમાર ગંદકી હોવાના કારણે શિવભક્તોના હૈયા દુભાઇ રહ્યા છે. હાલ મંદિરના પ્રાંગણમાં ભાગવત્ સપ્તાહ ચાલી રહી છે. જેમાં ભાવિકો મોટી સંખ્યામાં આવે છે. મંદિરની આસપાસ પુષ્કળ ગંદકી હોવાની ફરિયાદ ગઇકાલે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જયમીનભાઇ ઠાકરને મળતા આજે તેઓએ મંદિર આસપાસ મહા સફાઇ અભિયાનનો આરંભ કરાવ્યો હતો. સાથોસાથ એવી પણ ઘોષણા કરી હતી કે હવે દર 8 થી 10 દિવસે મંદિર અને આસપાસના વિસ્તારોમાં જેસીબી સહિતના સાધનો સાથે સઘન સફાઇ અભિયાન હાથ ધરવામાં આવશે.
સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જયમીન ઠાકરને ફરિયાદ મળ્યા બાદ સઘન સફાઇ: 29 ટન કચરાનો નિકાલ
આ અંગે વધુ માહિતી આપતા મેયર નયનાબેન પેઢડીયા, ડે.મેયર નરેન્દ્રસિંહ જાડેજા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જયમીનભાઇ ઠાકર, મ્યુનિ.કમિશનર આનંદ પટેલ, શાસક પક્ષના નેતા લીલુબેન જાદવ, દંડક મનિષભાઇ રાડીયા અને સેનીટેશન કમિટીના ચેરમેન નિલેશભાઇ જલુએ જણાવ્યું હતું કે આજી નદી કાંઠે બિરાજમાન રામનાથ મહાદેવ મંદિર ખાતે આજે કોર્પોરેશન દ્વારા સઘન સફાઇ હાથ ધરવામાં આવી હતી. મંદિર પરિસર અને આસપાસના વિસ્તારોમાં સફાઇ જળવાઇ રહે તે માટે આગામી દિવસોમાં દર 8 થી 10 દિવસે સફાઇ ઝુંબેશ હાથ ધરવામાં આવશે.
આ અંગે સત્તાવાર પરિપત્ર પણ પ્રસિધ્ધ કરવામાં આવશે. આજે હાથ ધરવામાં આવેલી સફાઇ ઝુંબેશમાં 15 સફાઇ કર્મચારીઓ, એક જેસીબી અને એક ડમ્પરને કામે લગાવી દેવામાં આવ્યા હતા. બપોર સુધીમાં 29 ટન કચરાનો નિકાલ કરવામાં આવ્યો હતો.
અત્રે ઉલ્લેખનીય છે કે રામનાથ મહાદેવ મંદિર આસપાસના વિસ્તારોમાં 365 દિવસ બેસૂમાર ગંદકી રહે છે. ડ્રેનેજના પાણી અને કચરો આજી નદીમાં ઠલવાતો હોવાના કારણે મંદિર આસપાસ ગંદકીના ગંજ ખડકાયેલા રહે છે.