અમરેલી, ભાવનગર, ગીર-સોમના, વલસાડ, નવસારી સહિતના દરિયાકાંઠા વિસ્તારમાં અમુક સ્થળે અતિભારે વરસાદ પણ પડી શકે: જૂનાગઢના માળિયા હાટીનામાં ૨ અને કેશોદમાં અડધો ઈંચ વરસાદ
પૂર્વ મધ્ય અરબી સમુદ્રમાં ઉદ્ભવેલું ‘મહા’ નામનું વાવાઝોડુ ગુજરાતના દરિયાકાંઠે અસર કરે તેવી સંભાવના જણાય રહી છે. હાલ આ વાવાઝોડુ જે રીતે આગળ વધી રહ્યું છે તે જોતા એવું લાગી રહ્યું છે કે, આવતીકાલી સૌરાષ્ટ્ર સહિત રાજ્યભરમાં તેની અસર વર્તાશે. હવામાન વિભાગ દ્વારા કાલે સૌરાષ્ટ્ર અને દ.ગુજરાતમાં દરિયાકાંઠા વિસ્તારમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યાનુસાર અરબી સમુદ્રમાં સર્જાયેલુ ‘મહા’ નામનું વાવાઝોડુ હાલ પ્રતિ કલાક ૧૫ કિ.મી.ની ઝડપે આગળ વધી રહ્યું છે. જેની અસરતળે આવતીકાલે શનિવારે દ.ગુજરાતમાં વલસાડ, નવસારી અને દમણ-દાદરાનગર હવેલી ખાતે જયારે સૌરાષ્ટ્રમાં અમરેલી, ભાવનગર, ગીર-સોમના અને દીવમાં ભારે વરસાદની સંભાવના છે. અમુક વિસ્તારમાં અતિભારે વરસાદ પણ વરસી શકે છે. હાલ ‘કયાર’ વાવાઝોડુ ઓમાન તરફ ફંટાયુ છે પરંતુ તેની અસર જોવા મળી રહી છે. ‘મહા’ વાવાઝોડાના ખતરાને ધ્યાનમાં રાખી માછીમારોને દરિયો ન ખેડવા પણ સુચના આપવામાં આવી છે. છેલ્લા ૨૪ કલાક દરમિયાન રાજ્યના ૮ તાલુકાઓમાં વરસાદ પડયો હોવાનું નોંધાયું છે. જૂનાગઢના માળિયા હાટીનામાં ૨ ઈંચ, વલસાડના પાટડીમાં દોઢ ઈંચ આ ઉપરાંત તિલકવાડા, કેશોદ અને ગરૂડેશ્ર્વરમાં અડધો ઈંચ વરસાદ પડયો હતો. જ્યારે ધનપુર નાડોદ અને મેંદરડામાં હળવા ઝાપટા વરસ્યા હતા. આગામી ત્રણ દિવસ સૌરાષ્ટ્ર સહિત રાજ્યભરમાં વાદળછાંયુ વાતાવરણ રહેશે.