આકાશમાં કાળાદિબાંગ વાદળોનો ભારે જમાવડો: ઝરમર વરસતા મેઘરાજા
રાજકોટવાસીઓ જેની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે તેવા મેઘરાજાની આજે પાવનકારી પધરામણી થાય તેવું લાગી રહ્યું છે. બપોરના સુમારે શહેરમાં મેઘાડંબર છવાયું છે. આકાશમાં કાળાદિબાંગ વાદળોનો ભારે જમાવડો જોવા મળી રહ્યો હોય ગમે ત્યારે મેઘરાજા મન મુકીને વરસી પડે તેવો માહોલ દેખાઈ રહ્યો છે. ઝરમર વરસાદ શરૂ થઈ ગયો છે.
નૈઋત્યનું ચોમાસું ફરી સક્રિય થતા ઉતર, દક્ષિણ અને પૂર્વ મઘ્ય ગુજરાતમાં વરસાદનો પ્રથમ રાઉન્ડ સારો એવો રહ્યો છે ત્યારે રાજકોટ સહિત સૌરાષ્ટ્ર હજી મેઘરાજાની ચાટક નજરે રાહ જોઈ રહ્યું છે. આજે બપોરે અચાનક શહેરના આકાશમાં કાળાદિબાંગ વાદળો ચડી આવ્યા હતા. ભારેથી અતિભારે વરસાદ આપે તેવી સિસ્ટમ જાણે ઓચિંતી સક્રિય થઈ હોય તેવું લાગી રહ્યું છે. જે રીતે આકાશમાં કાળાદિબાંગ વાદળોનો જમાવડો જોવા મળી રહ્યો છે તે જોતા એવું લાગી રહ્યું છે મેઘરાજા ગમે ત્યારે મન મુકીને વરસી પડશે. આ લખાય રહ્યું છે ત્યારે શહેરમાં ઝરમર વરસાદ વરસી રહ્યો છે.
સવારથી વાદળછાયું વાતાવરણ જોવા મળતું હતું. આકાશમાં સુર્યનારાયણ વાદળો વચ્ચે સતત સંતાકુકડી રમતા જોવા મળ્યા હતા. વાદળછાયા વાતાવરણના કારણે શહેરીજનોને આકરી ગરમીમાંથી રાહત મળી હતી. હાલ ઝરમર વરસાદ વરસી રહ્યો છે ત્યારે રાજકોટવાસીઓ મેઘરાજાને મનમુકીને સાંબેલાધારે વરસી પડો તેવી રિતસર આજીજી કરી રહ્યા છે.