એકબાજુ ઠંડીનું જોર અને માવઠાની શક્યતા વચ્ચે મોડી રાતે રાજકોટના ગોંડલ તાલુકામાં 2.2ની તીવ્રતાનો ભૂકંપ આવતા લોકોમાં ફફડાટનો માહોલ ફેલાયો હતો. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં ભૂકંપના છ આંચકાથી લોકો ભયભીત થયા છે.
છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં ભૂકંપના છ આંચકાથી લોકોમાં ફફડાટ: કચ્છના લખપત, ભચાઉ અને વડોદરા પણ આંચકા અનુભવાયા
સિસ્મોલોજી ડિપાર્ટમેન્ટના જણાવ્યા મુજબ ગઈકાલે બપોરે 3:07 કલાકે ભચાઉથી 11 કિમી દૂર 1.8ની તીવ્રતાના ભૂકંપના આંચકાનું કેન્દ્રબિંદુ વેસ્ટ નોર્થ વેસ્ટ ખાતે નોંધાયું હતું. ત્યારબાદ આજે મોડી રાતે કચ્છના લખપતથી 38 કિમી દૂર 2.9ની તીવ્રતાના આંચકાનું કેન્દ્રબિંદુ વેસ્ટ નોર્થ વેસ્ટ ખાતે નોંધાયું હતું. ત્યારબાદ રાતે 2:14 કલાકે રાજકોટના ગોંડલથી 16 કિમી દૂર 2.2ની તીવ્રતાના આંચકાનું કેન્દ્રબિંદુ સાઉથ સાઉથ વેસ્ટ ખાતે નોંધાયું હતું.
આજે સવારે 3:04 કલાકે વડોદરાથી 17 કિમી દૂર 1.1ની તીવ્રતાના આંચકાનું કેન્દ્રબિંદુ સાઉથ સાઉથ ઇસ્ટ ખાતે નોંધાયું હતું. ત્યારબાદ 3:17 કલાકે કચ્છના લખપતથી 20 કિમી દૂર 2.3ની તીવ્રતાના આંચકાનું કેન્દ્રબિંદુ વેસ્ટ નોર્થ વેસ્ટ ખાતે નોંધાયું હતું. વહેલી સવારે 7:23 કલાકે કચ્છના ભચાઉથી 14 કિમી દૂર 1.7ની તીવ્રતાના આંચકાનું કેન્દ્રબિંદુ નોર્થ નોર્થ ઇસ્ટ ખાતે નોંધાયું હતું.
વારંવાર આવતા આંચકાથી લોકોમાં ભયનો માહોલ ફેલાયો છે. જો કે આંચકા સામાન્ય હોય કોઈ જાનહાનીના સમાચાર પ્રાપ્ત થયા નથી.