બાળકો માટે નાસ્તામા ઝડપથી કંઇ બનાવાની વાત આવે ત્યારે ‘ઇનસ્ટંટ મેગી નુડલ્સ’ સૌ પ્રથમ યાદ આવે તથા બાળકોમાં પણ મેગી નુડલ્સ ખૂબ લોકપ્રિય છે. ત્યારે મેગી નુડલ્સને કારણે નેશલે ઇન્ડિયા ફરી એક વખત ચર્ચામાં આવી છે.

ઉત્તર પ્રદેશના શાહજહાંપુર જિલ્લાના વહીવટીતંત્રે નેશલે ઇન્ડિયા અને તેના ડિસ્ટ્રીબ્યુટર પર દંડ ફટકાર્યો છે. વાત એવી છે કે પ્રખ્યાત નુડલ્સ બ્રાન્ડ મેગી એક લેબ પરીક્ષણમાં ફરી નિષ્ફળ ગઇ હતી. આથી ત્યાંના વહીવટીતંત્રે નેશલે કં૫નીને ૪૫ લાખ રુિ૫યાનો દંડ ફટકાર્યો છે.

જાણવા મળ્યું છે તે પ્રમાણે ટેસ્ટમાં મોકલવામાં આવેલા નમૂનાઓમાં નિયત મર્યાદાથી વધુ પ્રમાણમાં રાખ મળી આવી હતી. જે મેગી નુડલ્સમાં ૨.૫૪% અને મેગી પાસ્તામાં ૧.૨% રાખ મળી હતી. ફુડ એન્ડ સેફ્ટી ઓથોરિટી ઓફ ઇન્ડિયાના પ્રમાણ અનુસાર આ મર્યાદા ૧% થી વધુ ન હોવી જોઇએ.

નેશલે ઇન્ડિયાને હજુ સુધી આ ઓર્ડર મળ્યો નથી તથા તેઓ આ ઓર્ડર મળ્યા બાદ અપીલ ફાઇલ કરશે તેવું જાણવા મળ્યું છે. ઉપરાંત આ પહેલી વખત નથી કે મેગી નુડલ્સને કારણે નેશલે કંપની વિવાદમાં આવી હોય, આ પહેલા પણ વર્ષ ૨૦૧૫માં મેગી નુડલ્સમાંથી લીડનું પ્રમાણ હોવાને કારણે તેના વેચાણ પર પ્રતિબંધ લાદવામાં આવ્યો હતો. જે કાનૂની લડાઇ બાદ નવેમ્બર ૨૦૧૫થી ફરી બજારમાં પાછી આવી હતી.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.