તરઘડીમાં વાડાની જમીનમાં પહેલા ગોડાઉન અને બાદમાં બિનખેતી કરાવ્યા વગર હોટલ ચાલુ કરી દીધી; પાણીનો પ્રવાહ પણ દબાવી દીધો
રાજકોટ-જામનગર હાઈવે પર તરઘડી ગામના પાટીયા પાસે પાણીના પ્રવાહને ફંટાવી દઈ નિરણ ભરવાના વાડાની માત્ર ૯૦૧ ચો.મી. જમીન પર ઉભેલી મગન ઝાલાવડીયાની માલીકીની હોટલ તદ્દન ગેરકાયદેસર હોવાનું જાણવા છતાં તત્કાલીન પ્રાંત અધિકારી દ્વારા સરકારી જમીન દબાવીને નિર્માણ થયેલી આ હોટલનો ભુક્કો બોલાવવાને બદલે વાડાની આ જમીન રેગ્યુલાઈઝડ કરવા હુકમ કર્યાનું બહાર આવ્યું છે ત્યારે હવે મગફળીમાં કૌભાંડમાં સંડોવાયેલા મગન ઝાલાવડીયાની હોટલ મામલે પણ તપાસ શરૂ થઈ હોવાનું જાણવા મળ્યું છે.
જાણવા મળતી વિગતો મુજબ રાજકોટ-જામનગર હાઈવે પર તરઘડી ગામના પાટીયા પાસે રેવન્યુ રેકર્ડમાં કોઈપણ જાતની નકકર નોંધ વગર માત્રને માત્ર નિરણ ભરવાના વાડા તરીકે ઉલ્લેખાયેલી સર્વે નં.૧૩૮ પૈકી ૩ની ૯૧૧ ચો.મી. જમીન મામલે અગાઉ વિવાદો જાગ્યા બાદ જિલ્લા કલેકટર સમક્ષ શરતભંગ કેસ ચાલતા આ મામલે કેસને રિમાન્ડ કરવામાં આવતા પ્રાંત અધિકારી રાજકોટ ગ્રામ્ય દ્વારા આ ૯૧૧ ચો.મી. જમીનને રેગ્યુલાઈઝડ કરવા હુકમ કરવામાં આવ્યો હતો.
ન્યારી પેલેસ હોટલની કુંડળી કાઢીએ તો વર્ષો અગાઉ અહીં નિરણ ભરવાના વાડા ઉભા હતા જેમાં મગન ઝાલાવડીયાએ ગોડાઉન બનાવવાના નામે આ જમીન મેળવી હતી અને બાદમાં અહીં ગોડાઉનના નામે હોટલ શરૂ કરવા વિશાળ સરકારી જમીન પણ દબાવી લઈ પાણીનો મુખ્ય પ્રવાહ દબાવી લેવામાં આવતા છેલ્લા દાયકામાં તરઘડી ગામના નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા હોવાનું પણ સરકારી ચોંપડે બોલાઈ રહ્યું છે. આમ છતાં તત્કાલીન પ્રાંત અધિકારી દ્વારા ભારે દબાણ વચ્ચે આ વાડાની જમીન રેગ્યુલાઈઝડ કરવા હુકમ કર્યો હતો.
ચોંકાવનારી બાબત તો એ છે કે અંદાજે ૧૦ હજાર ચો.મી. કરતા વધુ જમીન ઉપર ઉભેલી હોટલ ન્યારી પેલેસની ગેરકાયદે ગણો કે કાયદેસરની ગણો તેવી જમીન માત્ર ૯૧૧ ચો.મી. જ છે. આ સંજોગોમાં કયાં રાજકીય આકાના ઈશારે હાઈવે પર સરાજાહેર હોટલ ધમધમી રહી છે તે યક્ષ પ્રશ્ન છે. જો કે આમ છતાં તાજા ભૂતકાળમાં પડધરી મામલતકાર કચેરી દ્વારા હોટલ ન્યારી પેલેસના માલીક મગન ઝાલાવડીયા દ્વારા હોટલ ફરતે વરંડો ચણવામાં આવતા બુલડોઝર ચલાવાયું હતું પરંતુ આ સમયે પણ ભારે દબાણ આવતા લીલા તોરણે જાન પરત ગઈ હતી.
જો કે હવે મગફળી કૌભાંડમાં સંડોવાયેલા મગન ઝાલાવડીયા ફરતે સકંજો મજબૂત બનાવવા તંત્ર દ્વારા હોટલ ન્યારી પેલેસની ગેરકાયદેસરતા મામલે પણ તપાસ શરૂ કરવામાં આવનાર હોવાનું જાણવા મળ્યું છે.