‘રાજકીય આકા’ની છત્રછાયા ધરાવતા પડધરી તાલુકા પંચાયતના પૂર્વ કોંગ્રેસી પ્રમુખ ઝાલાવડિયાની ભૂંડી ભૂમિકા
તરઘડી પાસે સળગાવેલા બાચકાનો મોટો જથ્થો મળી આવતા તંત્ર ચોકી ઉઠયું
જિલ્લા કલેકટર અને એસપી સહિતના ઉચ્ચ અધિકારીઓ સળગેલા બારદાન કયાંથી આવ્યા તેના મુળ સુધી પહોંચવા શરૂ કરી કવાયત
સૌરાષ્ટ્ર-કચ્છના ગોડાઉનમાં લાગેલી આગકાંડનો મગન ઝાલાવડિયા માસ્ટર માઇન્ડ?
મગફળીમાં ભેળસેળ કૌભાંડનો પોલીસે પર્દાફાસ કરી તરઘડીના મગન નાનજી ઝાલાવડીયા સહિત ૨૨ની ધરપકડ કરી હાથધરાયેલી સઘન તપાસ દરમિયાન શાપર-વેરાવળ ખાતેના નેશનલ કોટન ગોડાઉનમાં ગત તા.૬-૫-૧૮ના રોજ લાગેલી આગનું પગેરૂ પણ તરઘડી નીકળ્યું હતું. તરઘડી પાસેથી વહેલી સવારે મોટી સંખ્યામાં સળગેલા બારદાનનો જથ્થો મળી આવતા તંત્ર ચોકી ઉઠયું હતું.
શાપરના ગોડાઉનમાં મગફળી સગેવગે થયા બાદ આગ ચાપવામાં આવ્યાના મહત્વના પુરાવા તરઘડી પાસેથી મળી આવતા તરઘડી પાસેથી અડધ સળગેલી હાલતમાં મળેલા બારદાનમાં પણ મગન ઝાલાવડીયાના હાથ ખરડાયેલા હોવાથી શાપર-વેરાવળના ગોડાઉનની આગકાંડમાં ત્રણ માસ બાદ ગુનો નોંધાવવાની પોલીસે તજવીજ હાથધરી છે.પડધરી તાલુકાના તરઘડીથી શિવપર તરફ જતાં માર્ગ પર વિશાળ વંડામાંથી મોટી સંખ્યામાં બારદાનના ફીંડલા સળગેલી હાલતમાં મળી આવતા જિલ્લા કલેકટર તંત્ર અને એસપી સહિતના ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઘટના સ્થળે દોડી ગયા હતા અને આટલી મોટી સંખ્યામાં સળગેલા બારદાન કયાંથી આવ્યા તે અંગે છાનભીન શરૂ કરી દીધી છે.
તપાસ દરમિયાન શાપર-વેરાવળ ખાતેના નેશનલ કોટન ઇન્ડસ્ટ્રીઝના ગોડાઉનમાં ગત તા.૬ મેના રોજ લાગેલી ભેદી આગનું પગે‚ તરઘડી ખાતે સળગેલી હાલતમાં મળેલા બારદાન સાથે જોડાયેલું હોવાનું બહાર આવ્યું છે.નેશનલ કોટન ઇન્ડસ્ટ્રીઝના ગોડાઉનમાં રૂ.૪ કરોડથી વધુની કિંમતની ૨૮ હજાર બોરી મગફળી સળગી ગયાનું જાહેર કરાયું હતું ગોડાઉનમાંથી મગફળી સગેવગે કર્યા બાદ માત્ર મગફળીની ફોતરી જ સળગાવવામાં આવી હતી. આગના કારણે મગફળીનો મોટો જથ્થો સળગીને ખાખ થયાનું જાહેર કરી મોટુ કૌભાંડ આચરવામાં આવ્યાનું સામે આવતા ત્રણ માસથી પોલીસ તંત્ર શાપરની આગ અંગે ગુનો નોંધવામાં હીચકીચાટ અનુભવતી હતી તે અંગે ટૂંક સમયમાં જ ગુનો નોંધી રાજકીય મોટા માથાને ઝપટમાં લેવાની વેતરણમાં હોવાનું સુત્રો જણાવી રહ્યા છે.
જેતપુરના પેઢલા ખાતે આવેલી મોટી ધણેજ સહકારી મંડળીમાંથી રૂ.૪.૫૭ કરોડની ૩૧ હજાર ગુણી મગફળીમાં ભેળસેળના કૌભાંડમાં પડધરી તાલુકા પંચાયતના કોંગ્રેસના પૂર્વ પ્રમુખ અને હાલ ભાજપમાં જોડાયેલા તરઘડીના મગન નાનજી ઝાલાવડીયાની સંડોવણી બહાર આવતા પોલીસે તેની ધરપકડ કર્યા પોલીસે જામનગર રોડ પરની ન્યારી પેલેસ હોટલ, તેના નિવાસ સ્થાન અને હોસ્પિટલ ખાતે ઉંડી તપાસ કરી હતી. કોમ્પ્યુટરમાંથી કેટલાક શંકા સ્પદ દસ્તાવેજી પુરાવા પણ હાથ લાગ્યા છે.મગન ઝાલાવડીયાની તટસ્થ અને ઉંડી તપાસ થાય તો શાપરના ગોડાઉન સહિત સૌરાષ્ટ્રભરના મગફળીના ગોડાઉનમાં લાગેલી આગકાંડનો પર્દાફાસ થાય તેમ હોવાનું અને મગન ઝાલાવડીયા જ આગકાંડનો માસ્ટર માઇન્ડ હોવાનું બહાર આવે તેમ હોવાનું સુત્રો જણાવી રહ્યા છે.
મગન ઝાલાવડીયા વર્ષો સુધી કોંગ્રેસમાં રહ્યા બાદ ભાજપના ટોચના નેતા સાથેના ધરોબાના કારણે ભાજપમાં આવ્યા બાદ સૌરાષ્ટ્રભરના વેર હાઉસનો વહીવટ પોતાના હસ્તગત કરી સરકાર દ્વારા ખરીદ કરેલી મગફળી સગેવગે કરી આગ ચાપી કૌભાંડ આચર્યુ હોવાનું સુત્રો જણાવી રહ્યા છે. મગન ઝાલાવડીયાના રાજકીય આકા હાલ સૌરાષ્ટ્ર બહાર હોવાથી
પોલીસે ખેલ પાડી મગન ઝાલાવડીયાના પાપનો ભાંડો ફોડવો જરૂરી બન્યાની પણ માગ થઇ રહી છે.તરઘડી પાસેના શિવપર ખાતેના વંડામાં સળગેલી હાલતમાં બારદાનનો જથ્થો કયાંથી આવ્યો તે અંગે ઉંડી તપાસ થાય તો માત્ર શાપરના ગોડાઉનની આગ જ નહી સૌરાષ્ટ્રભરની આગકાંડના અંકોડા મળે તેમ હોવાથી મગન ઝાલાવડીયાની પોલીસે રાજકીય શેહ શરમ રાખ્યા વિના એક કૌભાંડીની જેમ પૂછપરછ થાય તો અનેક કૌભાંડનો પર્દાફાસ થાય તેમ હોવાનું સુત્રો જણાવી રહ્યા છે.
‘અબતક’ની ટીમે ‘બારદાનકાંડનો’ કર્યો પર્દાફાશ
તરઘડી પાસેના વંડામાંથી સળગેલો બારદાનનો જથ્થો તંત્રને બતાવ્યો
મગફળીના ગોડાઉનમાં ભેદી રીતે લાગેલી આગ અંગે તંત્ર દ્વારા ચાલી રહેલી તપાસ દરમિયાન તરઘડી પાસે બારદાનનો સળગેલો જથ્થો ‘અબતક’ની ટીમના ધ્યાને આવતા સમગ્ર કૌભાંડનું પગે‚ તરઘડી હોવાનું તંત્રનું ધ્યાન દોર્યુ હતું.તરઘડીથી શિવપર તરફ જતાં માર્ગ પર વંડામાં ખાલી બારદાનના ફીંડલા સળગેલી હાલતમાં પડયા હોવાની જિલ્લા કલેકટર રાહુલ ગુપ્તા અને જિલ્લા પોલીસ વડા બલરામ મીણાના ધ્યાન પર મુકવામાં આવતા તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. શાપર ખાતેના ગોડાઉનમાંથી મગફળી સગેવગે થયા બાદ આગ ચાપવાની ઘટનાનો પાર્દફાસ કરવામાં ‘અબતક’ટીમની મહત્વની ભૂમિકા રહી હોવાનું તંત્રએ સ્વીકારી તપાસમાં મહત્વની કડી મળ્યાનો સ્વીકાર કર્યો હતો.
મગફળી કૌભાંડ બાદ હવે મિલરોએ ધોકો પછાડયો !
અમને બીજા ગોડાઉનમાંથી મગફળી આપો: સોમા
જેતપુર નજીક પેઢલામાં મગફળી કૌભાંડ બાદ હવે મિલરો બીજા ગોડાઉનમાંથી મગફળી મળે તેવું ઈચ્છી રહ્યાં છે. સૌરાષ્ટ્ર ઓઈલ મીલ એસો. દ્વારા નાફેડને પત્ર લખી રજૂઆત કરાઈ છે કે, પેઢલાના ગોડાઉનમાં થયેલા વિવાદ બાદ સવાલો ઉઠી રહ્યાં છે. મગફળીની ૩૧૦૦૦ ગુણીનું ઈન્સ્પેકશન ચાલી રહ્યું છે ત્યારે સોમાના કેટલાક સભ્યોએ આ ગોડાઉનમાંથી મગફળી લેવા પૈસા ચૂકવી દીધા હોય હવે સપ્લાયનો પણ પ્રશ્ન ઉભો થયો છે. મગફળીની સપ્લાય ઉપર સવાલો ઉઠયા છે. જેથી હવે સોમાના સભ્યોને અન્ય વૈકલ્પીક ગોડાઉનમાંથી મગફળી ખરીદવાની છૂટ આપવી જોઈએ. હાલ વૈકલ્પીક ગોડાઉનોમાં ૭૮૦૦૦ ગુણી મગફળી પડી છે.
ઝાલાવડિયા સરકારી ગ્રાન્ટ ચાઉં કરી જવામાં પણ ઉસ્તાદ
તરઘડી ગ્રામ પંચાયતની ગ્રાન્ટમાંથી સરકારી ખરાબામાં ન્યારી પેલેસ હોટેલનું શૌચાલય અને ગાર્ડન ઉભુ કર્યું
મગફળી કૌભાંડમાં સંડોવાયેલા મગન ઝાલાવડીયા સરકારી ગ્રાન્ટની ઉચાપત કરી જવામાં પણ ઉસ્તાદ છે. પડધરી તાલુકામાં પોતાની રાજકીય વગનાં કારણે અનેક સરકારી ગ્રાન્ટો ચાઉ કરી ગયા હોવાનું સુત્રોમાંથી જાણવા મળ્યું છે. તેઓની માલિકીની ન્યારી પેલેસ હોટલમાં શૌચાલય અને ગાર્ડન પણ ગ્રામ પંચાયતની ગ્રાન્ટમાંથી બનાવ્યું હોવાનું સામે આવ્યું છે.
ગુજકોટના ગોડાઉન મેનેજર મગન ઝાલાવડીયાએ આચરેલું મગફળી કૌભાંડ બહાર આવી ગયું છે. મગફળીમાં ભેળસેળ ઉપરાંત તેઓએ અગાઉ કરેલા કૌભાંડો પણ સામે આવી રહ્યા છે. પોતાની રાજકીય વગથી તેઓ અનેક સરકારી ગ્રાન્ટો ચાઉ કરી ગયા છે. તરઘડી ગામ પાસે રાજકોટ-જામનગર હાઈવે પર મગન ઝાલાવડીયાની માલીકીની ન્યારી પેલેસ હોટેલ આવેલી છે. આ હોટેલની અનેક સુવિધાઓ તરઘડી ગ્રામ પંચાયતની ગ્રાન્ટમાંથી ઉભી કરવામાં આવી છે.
હાલ ન્યારી પેલેસ હોટેલનું જે શૌચાલય છે તે તરઘડી ગ્રામ પંચાયતનું છે. આ શૌચાલય ઉપર તરઘડી ગ્રામ પંચાયત સંચાલિત તેવું લખાણ પણ લખવામાં આવ્યું હતું પરંતુ હોટેલનાં મેનેજમેન્ટ દ્વારા આ લખાણ કાઢી નાખવામાં આવ્યું છે. ન્યારી પેલેસ હોટેલના માલિક મગન ઝાલાવડીયાએ તરઘડી ગ્રામ પંચાયત પાસેથી રૂ.૧.૫૦ લાખની ગ્રાન્ટ લઈને હોટેલનાં બાંધકામનાં પ્લાન મુજબ સરકારી ખરાબામાં શૌચાલય અને ગાર્ડન ઉભુ કર્યું હતું.
સરકારી ચોપડે આ શૌચાલય અને ગાર્ડન તરઘડી ગ્રામ પંચાયતનું બોલતું હતું અને તેનો ઉપયોગ સમસ્ત ગામ કરતું હોવાનું દર્શાવાતું હતું પરંતુ હકિકતમાં શૌચાલય અને ગાર્ડન ન્યારી પેલેસના સંકુલમાં એ રીતે બનાવવામાં આવ્યું હતું કે તેનો ઉપયોગ માત્ર હોટેલનાં ગ્રાહકો જ કરી શકે. આ ઉપરાંત અગાઉ તો ગાર્ડનમાં પ્રવેશ ફી પણ ઉઘરાવવામાં આવતી હતી. આ દિશામાં જો પોલીસ દ્વારા વધુ તપાસ કરવામાં આવે તો અનેક ગેરરીતિઓ સામે આવી શકે તેમ છે.