- અમદાવાદના 160 મદરેસાના બાળકોની શાળાની વિગતો ન મળતા શિક્ષણ વિભાગ દ્વારા તપાસનો ધમધમાટ
અમદાવાદના 160 મદરેસામાં 237 બાળકો એવા મળ્યા છે કે જેઓ મદરેસામાં જતા હતા, પરંતુ સ્કૂલમાં જતાં હતા કે કેમ તે વિગતો મળી નથી. જેથી હવે મંગળવારથી આ બાળકો સ્કૂલ જતાં હતા કે કેમ તે અંગેની તપાસ કરાશે. જો, આ બાળકો સ્કૂલે જતાં નહીં હોય તો તેમને સ્કૂલ સાથે જોડવા માટેની કાર્યવાહી શરૂ કરાશે.
શહેરના 175 અને ગ્રામ્યના 30 મળી કુલ 205 મદરેસા પૈકી 189 મદરેસાઓની વિગતો આવી હતી. જેમાં શહેરમાં 237 બાળકો સ્કૂલે જતાં હતા કે કેમ તે અંગે ચોક્કસ વિગત ન મળતા અંતે તપાસનું આયોજન કરવામાં આવ્યું છે. જોકે, પ્રાથમિક તારણમાં તેઓ શાળામાં જતાં ન હોવાનું જાણવા મળ્યું હતું. પરંતુ તપાસ બાદ ચોક્કસ વિગત સામે આવશે.
નવી દિલ્હી ખાતેના રાષ્ટ્રીય બાળ અધિકાર સંરક્ષણ આયોગ સમક્ષ રાજ્યના મદરેસાઓને લઈને ફરિયાદ મળી હતી. જેમાં રાજ્યના મદરેસાઓમાં ભણતા બાળકો સ્કૂલનો અભ્યાસ મેળવતા ન હોવાની ફરિયાદના પગલે રાજ્યના મુખ્ય સચિવને પત્ર લખી મદરેસાઓનો સરવે કરવા માટે આદેશ અપાયો હતો. જેના પગલે રાજ્યમાં આવેલા 1130 મદરેસાની યાદી મોકલી તેમાં સરવે કરવા માટે સૂચના આપવામાં આવી હતી. સૂચના અનુસાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં યાદી અનુસારના મદરેસાઓમાં સરવેની કામગીરી હાથ ધરવામાં આવી હતી.
શિક્ષણ વિભાગ દ્વારા મદરેસાઓને લઈને કરવામાં આવેલા પરિપત્રમાં જણાવાયું હતું કે, રાજ્યમાં આવેલી સરકારી અનુદાનિત- માન્યતા પ્રાપ્ત મદરેસામાં ભણતા બિન-મુસ્લિમ બાળકો અંગે ભૌતિક ચકાસણી કરવા તેમજ અનમેપ્ડ મદરેસાઓના મેપિંગ કરવા બાબતે સૂચના અપાઈ હતી. જેથી રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં સોમવારથી અનમેપ્ડ મદરેસાઓના સરવેની કામગીરી પણ હાથ ધરાઈ છે. જોકે, તે પહેલા યાદીમાં સમવિષ્ટ મદરેસાઓના સરવે અંગેની વિગતો જિલ્લાઓ દ્વારા પ્રાથમિક શિક્ષણ નિયામકની કચેરીને મોકલવાની કામગીરી કરવામાં આવી હતી અને ઘણા બધા જિલ્લાઓની વિગતો કચેરી ખાતે પહોંચી ગઈ હોવાનું પણ જાણવા મળે છે.