શરદ પૂનમના પવિત્ર દિવસે રાજકોટના રેસકોર્ષ ગ્રાઉન્ડ ખાતે બોલીવુડના જાણીતા ગાયક અને ગરબા સ્પેશ્યાલીસ્ટ પાર્થિવ ગોહીલ અને તેમની ટીમ દ્વારા દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા લિખીત “માડી” ગરબા પર ડ્રગ્સના દુષણ સામે યુવાઓ અને વિદ્યાર્થીઓને જાગરૂક કરવાના ઉદ્ેશથી એક ભવ્ય રાસોત્સવનું શનિવારે સાંજે 7:00 કલાકે આયોજન કરાયું છે. જેમાં 1 લાખથી વધુ શહેરીજનોને એકત્રીત કરી ડ્રગ્સ વિરોધી સંકલ્પ કરી ગરબા રમવાનો વિશ્વ વિક્રમ સ્થાપવાનું આયોજન કરાયું છે. જેમાં મુખ્ય આયોજક તરીકે રાજકોટ શહેર ભારતીય જનતા પાર્ટી, રાજકોટ સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ અને રાજકોટના ઇન્ક્રેડીબલ ગૃપ છે.
5 લાખ સ્કવેર ફીટના રેસકોર્સ ગ્રાઉન્ડમાં ભવ્ય અને આકર્ષક સ્ટેજ અદ્યતન સાઉન્ડ સિસ્ટમ સહિતના કામો પુરજોશમાં ચાલુ
આ અંગે મુખ્ય આયોજક પૈકીના રાજકોટ શહેર ભાજપા અધ્યક્ષ મુકેશભાઇ દોશી જણાવે છે કે, એક સાથે એક લાખથી વધુ લોકો ગરબાના તાલે ઝુમશે જે ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ, ઉપરાંત વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ – લંડન અને ઇન્ડિયન ટ્રેડિશનલ બુક ઓફ રેકોર્ડસમાં આ વિશ્વ વિક્રમની નોંધ લેવાય તેવો આ પ્રથમ અવસર હશે. આ કાર્યક્રમના આયોજનને પ્રોત્સાહિત કરવા ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલ તથા ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સહિતના મહાનુભાવો હાજર રહેશે. ભારત દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા લખાયેલ ગરબો “માડી” ઉપર જાણીતા બોલીવુડ સિંગર પાર્થિવ ગોહિલ અને તેમની ટીમ રાજકોટ શહેરની જનતાને ગરબાના તાલે ઝુલાવશે. શરદ પૂનમના પવિત્ર દિવસે માં શક્તિની આરાધના સ્વરૂપે વડાપ્રધાન દ્વારા લખાયેલ ગરબાને ઘર-ઘર સુધી અને જન-જન સુધી પહોંચાડવાના સંકલ્પ સાથે, તેમજ એક સામાજિક ઉત્તરદાયિત્વ નિભાવવાના ઉદ્ેશ્યથી આ આયોજન કરવામાં આવેલું છે.
આ અંગે રાજકોટ સ્વનિર્ભર શાળા સંચાલક મંડળના પ્રમુખ ડી. વી. મહેતાએ જણાવ્યું હતું કે, આયોજનમાં સાવચેતી અને ખેલૈયાઓની સુરક્ષાના ભાગરૂપે કાર્યક્રમના સ્થળ પર 30 મેડિકલ ટીમો અને 10 એમ્બ્યુલન્સની સેવા ઉપરાંત ગાર્ડી વિદ્યાપીઠના 100 ડોક્ટર્સ અને 100 નર્સ સેવામાં તૈનાત રહેશે.
સમગ્ર કાર્યક્રમની સફળતા માટે પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના ઉપાધ્યક્ષ ડો.ભરતભાઈ બોઘરા, શહેર ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ મુકેશભાઈ દોશી, રાજકોટ સ્વનિર્ભર શાળા સંચાલક મંડળના પ્રમુખ ડી. વી. મહેતા, મહામંત્રી પરિમલભાઇ પરડવા તેમજ ઇન્ક્રેડીબલ ગૃપના અતુલભાઇ વાઘેલા તેમજ યોગીભાઈ સોલંકીના માર્ગદર્શનમાં ભાજપા શહેરના કાર્યકરો, સ્વનિર્ભર શાળા સંચાલક મંડળના હોદ્ેદારો અને શાળા સંચાલકો તેમજ ઇન્ક્રેડીબલ ગૃપના તમામ સભ્યો દ્વારા કાર્યક્રમને સફળ બનાવવા માટે જહેમત ઉઠાવવામાં આવી રહી છે.
રાસોત્સવમાં 600થી વધુ વી.વી.આઇ.પી. અને 3000થી વધુ વી.આઇ.પી. મહેમાનો જોડાશે
આયોજકો દ્વારા રાજકોટ શહેરના શૈક્ષણીક, સામાજિક, રાજકીય, મેડિકલ, ઉદ્યોગ જગત તેમજ વ્યવસાયિક ક્ષેત્રના 600 થી વધુ વી.વી.આઇ.પી અને 3000થી વધુ વી.આઇ.પી મહેમાનો અને આગેવાનોને ખાસ નિમંત્રીત કરાયા છે. જેઓ ગરબા અને રાસોત્સવમાં પણ ભાગ લઈ શહેરીજનો અને સમાજના લોકોને પ્રોત્સાહિત કરશે. સમગ્ર આયોજનનું માઇક્રો પ્લાનિંગ કરાયું હોય, 500 થી વધુ યુવાનો સુચારૂં વ્યવસ્થા સંભાળી આયોજનને શાનદાર બનાવશે.