મધ્યપ્રદેશમાં વધતા કેસના કારણે સરકારની નવી એડવાઈઝરી: ૧૬૦૦૦થી વધુ લોકો સંક્રમીત થયા

કોરોનાના વધતા કેસના કારણે કેટલાક રાજ્યોમાં સરકાર દ્વારા અપાયેલી છુટછાટો ઉપર લગામ આવી જશે તેવી સ્થિતિ છે. મધ્યપ્રદેશ સરકાર દ્વારા કોરોના વાયરસને રોકવા માટે રવિવારે સંપૂર્ણ લોકડાઉન જાહેર કરી દેવામાં આવ્યું છે. રવિવારે રજામાં લોકોના ટોળા એકઠા થતાં હોવાથી સંક્રમણ વધતું હોવાનો તર્ક લગાવવામાં આવ્યો છે. ગત અઠવાડિયે મધ્યપ્રદેશના ભોપાલ સહિતના શહેરોમાં કોરોના વાયરસના કેસમાં સતત વધારો જોવા મળ્યો હતો. જેથી સરકારે લોકડાઉનનું ચુસ્ત પાલન કરાવવાનો નિર્ણય લીધો છે.

મધ્યપ્રદેશમાં વર્તમાન સમયે વધી રહેલા કેસ પાછળ બીજા રાજ્યના નાગરિકો સરહદ પાર કરી આવતા હોવાનો બચાવ પણ ત્યાંની સરકારે કર્યો છે. એ પણ હકીકત છે કે, મધ્યપ્રદેશના સરહદી વિસ્તારોમાં કોરોના વાયરસના કેસનું પ્રમાણ વધુ છે. સરહદી વિસ્તારોમાં આવેલા ગામડાઓમાં કેસની સંખ્યા દિન-પ્રતિદિન વધતી જઈ રહી છે. ગઈકાલે મધ્યપ્રદેશના આરોગ્ય મંત્રી નરોતમ મિશ્રાએ નવી એડવાઈઝરીની જાહેરાત કરી હતી. જેમાં જણાવાયું હતું કે, હવેથી દર રવિવારે આખા રાજ્યમાં લોકડાઉનનું ચુસ્ત પાલન કરાવવામાં આવશે.

નોંધનીય છે કે, અત્યાર સુધીમાં મધ્યપ્રદેશમાં કોરોના સંક્રમણના કેસની ટકાવારી ૧.૭૨થી વધી ૨.૦૧ એ પહોંચી ચૂકી છે. કોરોના વાયરસના કેસની સંખ્યામાં બહારગામના લોકોનો ફાળો હોવાનું સ્થાનિક તંત્રનું માનવું છે. અગાઉ મહારાષ્ટ્ર અને રાજસ્થાનને અડીને આવેલા ગામડામાં કેસનું પ્રમાણ વધ્યું હતું. ધીમે-ધીમે સંક્રમણ આખા રાજ્યમાં પ્રસરાશે તેવી દહેશતના પગલે લોકડાઉનની ચુસ્ત અમલવારી કરાવવામાં આવશે. અત્યાર સુધીમાં મધ્યપ્રદેશમાં કોરોનાથી ૧૬૦૫૦ લોકો સંક્રમીત થયા છે. ગઈકાલે એક જ દિવસમાં ૪૦૫ નવા કેસ સામે આવતા સમગ્ર તંત્ર દોડતું થઈ ગયું હતું.

રજામાં લોકડાઉન કેમ ?

કોરોના વાયરસને રોકવા તેના ફેલાવાની પેટર્નને તોડવી જરૂરી છે. સામાન્ય રીતે સોમવારે ઓછા કેસ નોંધાય છે. રવિવારે રજા હોવાના કારણે તપાસ થતી નથી. આવી જ રીતે રજામાં લોકો વધુ એકઠા થતાં હોવાથી વાયરસનું સંક્રમણ ઝડપથી વધતું હોય છે. જેથી સોમ થી શનિવાર સુધી તો બજારો બંધ રાખી શકાય નહીં. ત્યારે રવિવારે સજ્જડ બંધ પાડીને વાયરસને રોકવામાં મહદઅંશે સફળતા મળી શકે તેવો નિષ્ણાંતોનો મત છે. આવી જ રીતે ગુજરાતમાં પણ લોકડાઉન થવું જોઈએ. જ્યારે વડાપ્રધાન મોદીએ લોકોના સ્વયંભૂ લોકડાઉનની જાહેરાત કરી ત્યારે પણ આવો જ મત સામે આવ્યો હતો.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.