સરકારી ઇમારતમાં આગ લાગતા નાસભાગ : મુખ્યમંત્રીએ સતત મોનીટરીંગ કર્યું
મધ્યપ્રદેશ સરકારના મુખ્ય કાર્યાલય સતપુરા ભવનમાં સોમવારે સાંજે ભીષણ આગ લાગી હતી. સતપુરા ભવનમાં મધ્ય પ્રદેશ સરકારના અનેક નિર્દેશાલયોની કચેરીઓ આવેલી છે. પ્રાથમિક માહિતી અનુસાર આગ બિલ્ડિંગના ત્રીજા માળે લાગી છે. અહીં આદિજાતિ વિકાસ યોજનાની ઓફિસ છે. સૂત્રોએ જણાવ્યું છે કે આગમાં આરોગ્ય વિભાગના ઘણા દસ્તાવેજો નાશ પામ્યા છે. આગ હજુ કાબુમાં આવી શકી નથી. કહેવામાં આવી રહ્યું છે કે 30થી વધુ એસીમાં બ્લાસ્ટ થયા છે. તેમજ અનેક મહત્વના દસ્તાવેજો બળી ગયા છે.
વાસ્તવમાં મધ્યપ્રદેશ સરકારનું સચિવાલય વલ્લભ ભવનમાં છે. તેની સામે જમણી અને ડાબી બાજુએ સતપુરા અને વિંધ્યાચલ ઈમારતો બનાવવામાં આવી છે. રાજ્યના મોટા ભાગના વિભાગો આ ઇમારતોમાં તેમના નિર્દેશાલયો ધરાવે છે. જ્યાં આગ લાગી હતી તે જગ્યાએ મધ્ય પ્રદેશ આરોગ્ય નિર્દેશાલયની ઘણી શાખાઓ કાર્યરત છે. સતપુરા ભવનની સુરક્ષા વ્યવસ્થા સંભાળી રહેલા અધિકારીઓએ જણાવ્યું કે સાંજના લગભગ 4 વાગ્યા હશે કે ત્રીજા માળેથી જ્વાળાઓ નીકળતી જોવા મળી. આ પછી, અચાનક આખી ઇમારત ખાલી થવા લાગી હતી અને ત્યારબાદ આગ બુઝાવવા માટે એરફોર્સની મદદ લેવામાં આવી હતી.
ઓફિસરો અને કર્મચારીઓ બિલ્ડીંગમાંથી બહાર આવ્યા અને આખી ઈમારત ખાલી કરાવવામાં આવી હતી. ઘટનાની જાણ થતા જ પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી આગને કાબુમાં લીધી હતી. ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવી શકાયો હતો. આગમાં કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ ઘણા મહત્વપૂર્ણ દસ્તાવેજો બળીને ખાખ થઈ ગયા છે.