સામાન્ય રીતે લોકો તેમના કિંમતી જવેરાતો અને ઘરની રક્ષા માટે ચુસ્ત સુરક્ષા રાખતા હોય. પરંતુ તમે આવું પહેલી વાર જોશો કે કેરીની રક્ષા કરવા માટે એક વ્યક્તિએ 6 ખુંખાર ડોગ અને 4 રક્ષકો રાખેલા છે. મધ્યપ્રદેશમાં આવેલા જબલપૂરનો આ કિસ્સો ખુબ જ ખાસ છે. કારણકે એવું તો શું છે આ કેરીમાં કે તેના રક્ષણ માટે 6 ડોગ અને 4 રક્ષકો રાખવા પડે.
જબલપુરના આ બગીચામાંથી કોઈ કેરીના ચોરી જાય એટલા માટે આટલી કડક સુરક્ષા રાખવામાં આવી છે. સૌથી અગત્યની બાબતએ છે કે, બાગના માલિકે કેરીના ફક્ત બે ઝાડ માટે આટલી કડક સુરક્ષા રાખી છે. તેના પાછળનું મુખ્ય કારણ છે આ કેરીની વિશેષતા, જે ભારતમાં મળવી દુર્લભ છે.
તમને જાણીને નવાઈ લાગશે કે આ કેરીની કિંમત હજારોમાં નહીં પરંતુ લાખોમાં છે. આ કેરી માત્ર જાપાનમાં જ થાય છે, અને ઘેરાયેલ વાતાવરણમાં જ તેને ઉગાડવામાં આવે છે. પરંતુ સંકલ્પ સિંહ પરિહારે પોતાની જમીન પર ખુલ્લા વાતાવરણમાં આ કેરીનો પાક લીધો છે. આ લાખોની કેરી જબલપુરમાં છે એ વાત હવા કરતા પણ વધુ તેજ ગતિથી સર્વત્ર ફેલાઈ ગઈ. આ સાથે બગીચામાં ચોરી થવાની ઘટનાઓ પણ બનવા લાગી. જેથી સંકલ્પ સિંહે બગીચાની સુરક્ષા માટે ગાર્ડસ અને ડોગ રાખ્યા છે. જે 24 કલાક અહીંયા પહેરો આપે છે.
કેરીની કિંમત જાણી તમે પણ ચોકી જશો !
આ જે કેરી જબલપૂરમાં જોવા મળી છે, તે જાપાનની લાલ રંગની ‘મિયાઝાકી’ કેરી છે. જેને સૂર્યનું એગ પણ કહેવામાં આવે છે. આ કેરીને વિશ્વની સૌથી મોંઘી કેરીનો દરજ્જો મળ્યો છે. આ કેરી અંગે ખેડૂત દંપતીએ દાવો કર્યો હતો કે ગયા વર્ષે તે આંતરરાષ્ટ્રીય બજારમાં પ્રતિ કિલો 2.70 લાખમાં વેચાય હતી. ખેડૂત દંપતીએ ત્રણ વર્ષ પહેલા આ કેરીના બે રોપા વાવ્યા હતા. જે તેને ચેન્નાઈના એક વ્યક્તિ દ્વારા આપવામાં આવ્યા હતા.
આ દંપતીને ‘મિયાઝાકી’ કેરીના ભાવની ખબર ન હતી
રાણી પરિહરે કહ્યું કે, ‘શરૂઆતમાં અમને કેરીના આટલા ઉંચા ભાવ વિશે કંઇ ખબર ન હતી. અગાઉ આ દંપતીએ લાલ રંગના કેરીના બે ફળ જોયા હતા. જ્યારે તેઓએ તેની વિવિધતા વિશે પૂછપરછ કરી ત્યારે જાણવા મળ્યું કે તે ‘મિયાઝાકી’ કેરી છે. જે આંતરરાષ્ટ્રીય બજારમાં ગયા વર્ષે રૂ .2.70 લાખમાં વેચાઇ હતી.
ગયા વર્ષે બે કેરીની ચોરી થઈ હતી
આ કેરીના ભાવની જાણ થતાં ચોરોએ બગીચામાં ચોરી કરી હતી. આ ઝાડની બે કેરી અને ડાળીઓ ચોરી ગયા હતા. હવે આવું ફરીથી ના થાય એટલા માટે ખેડૂત દંપતીએ ત્યાં કડક સુરક્ષા ગોઠવી છે. દંપતીએ કહ્યું કે, ‘અમે કોઈક રીતે વૃક્ષને બચાવવામાં સફળ રહ્યા, અને આ વર્ષે અમે તે વૃક્ષની સુરક્ષા માટે વિશેષ વ્યવસ્થા કરી છે. આ વર્ષે બંને વૃક્ષમાં કુલ સાત કેરીઓ આવી છે.