કોંગ્રેસનું હાથીના દાંત જેવું…!
મધ્યપ્રદેશમાં સાવજોને ખસેડવામાં નહીં આવે તો આગામી તા.૧૬ના રોજ ખુલનારા ગીર અભ્યારણ્યમાં સહેલાણીઓને પ્રવેશવા દેવાશે નહીં કોંગ્રેસના નેતાની ચીમકી
ગુજરાતમાં સાવજો સલામત નથી તેવો આક્ષેપ કરી કોંગ્રેસના ચાવવાના અને બતાવવાના દાંત અલગ હોવાનું ફલિત થઈ રહ્યું છે. ગુજરાતમાં સાવજો ગૌરવ હોવાની દુહાઈ આપનાર કોંગ્રેસના મધ્યપ્રદેશના આગેવાનો ગુજરાતમાં સાવજ સલામત નહીં હોવાનો દાવો કરી રહ્યા છે.
તાજેતરમાં ગીર અભ્યારણ્યમાં સિંહોના મોતની ઘટનાઓ સામે આવ્યા બાદ એકાએક મધ્યપ્રદેશના કુનહોમાં સાવજોને ખસેડવાની માંગ તીવ્ર બની છે.
આગામી તારીખ ૧૬મીથી ગીર અભ્યારણ્યના દરવાજા મુલાકાતીઓ માટે ખોલવામાં આવનાર છે ત્યારે જો મધ્યપ્રદેશના પાલપુર, કુનહો ખાતે ગીરના સાવજોને નહીં ખસેડવામાં આવે તો આંદોલનકારીઓ લોકોને અભ્યારણ્યમાં પ્રવેશવા નહીં દે તેવી ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે.
કોંગ્રેસના નેતા અતુલ ચૌહાણ દ્વારા રચાયેલી ‘કુનહો અભ્યારણ્ય મેં શેર લાવો સંઘર્ષ સમીતી’ દ્વારા આંદોલન ચલાવવામાં આવી રહ્યું છે અને ગીરના સાવજોને વાયરસથી બચાવો, કુનહો પહોંચાવો તેવા નારા પણ લગાવવામાં આવી રહ્યા છે. આ પ્રકારના આંદોલનથી કોંગ્રેસની બેવડી નીતિ સામે આવી રહી હોવાનો આક્ષેપ પણ થઈ રહ્યો છે.
એક તરફ ગુજરાતના સિંહોને મધ્યપ્રદેશમાં ન ખસેડવા માટે સ્થાનિક કક્ષાએ કોંગ્રેસ પ્રદર્શન કરે છે ત્યારે બીજી તરફ મધ્યપ્રદેશમાં આંદોલન કરી ગુજરાતના સિંહોને કુનહો ખસેડવાની માંગણી તીવ્ર બનાવે છે અને ચીમકી પણ આપે છે.
આ મામલે કોંગ્રેસના આગેવાનો અતુલ ચૌહાણે દાવો કર્યો છે કે, છેલ્લા ૧૦ વર્ષમાં કુનહો-પાલપુર અભ્યારણ્યમાં એશિયાટીક સિંહોને વસાવવા માટે રૂ.૧૦૦ કરોડ જેટલો ખર્ચ કરવામાં આવ્યો છે. ૨૫ ગામડાઓને વિસ્થાપિત કરાયા છે જેના કારણે ૧૦ હજારથી વધુ પરીવારો અસરગ્રસ્ત બન્યા છે પરંતુ હવે કુનહો-પાલપુર અભ્યારણ્યમાં એક પણ સિંહ ખસેડાયો નથી. અત્યારે કેન્દ્ર, ગુજરાત અને મધ્ય પ્રદેશમાં પણ ભાજપની સરકાર છે ત્યારે કયાં કારણોસર હજુ સિંહોને ખસેડવામાં આવ્યા નથી તેવો પ્રશ્ર્ન પણ અતુલ ચૌહાણે કર્યો હતો. તેમણે પોતાના નિવેદનમાં ચીમકી ઉચ્ચારી હતી કે, જો પાલપુર-કુનહો ખાતે સાવજોને ખસેડવામાં નહીં આવે તો આગામી તા.૧૬ના રોજ અભ્યારણ્યના દરવાજામાં સહેલાણીઓને પ્રવેશવા દેવામાં આવશે નહીં.