માત્ર ૯ વર્ષની ઉંમરે ફિલ્મ બેબી મુમતાઝથી બોલીવુડમાં એન્ટ્રી કરનાર કિશોર કુમારની જીવનસંગીનીનો આજે ૮૬મો જન્મ દિવસ
૩૬ વર્ષની નાનકડી જીંદગી, જે પ્રેમની શોધમાં ભટકતી રહી અને નિરાશા અને હતાશાથી વેરાન ભૂમિ બની ગઈ, પરંતુ પોતાની અદાઓ-અભિનય અને ફિલ્મોમાં પ્રાણ ફૂંકનાર મધુબાલાની જીંદગી ટૂંકી છતાં આજે પણ લોકોના હૃદયમાં કોતરાઈ ગઈ છે.હિન્દી ફિલ્મોમાં તેના સમયની સર્વકાલીન આકર્ષક અભિનેત્રીની ઉપમા આપી શકાય તેવી મધુરાશથી ભરપુર મધુબાલાનો આજે ૮૬મો જન્મદિવસ છે ત્યારે ગુગલે પણ ડુડલ બનાવી આજનો દિવસ તેમને સમર્પીત કર્યો છે.
૧૯૩૩માં દિલ્હીના ગરીબ મુસ્લિમ પરિવારમાં જન્મેલી રાજકુમારીનું સાચુ નામ મુમતાજ જેહન બેગમ દેહલાવી હતું. માત્ર ૯ વર્ષની ઉંમરમાં તેમણે પ્રથમ ફિલ્મ ‘બેબી મુમતાજ’થી બોલીવુડમાં એન્ટ્રી કરી હતી. ૧૯૪૭ ૧૪ વર્ષની ઉંમરે તેમણે ‘નિલકમલ’ ફિલ્મમાં લીડ રોડ ઓફર થયો હતો. તેના પરિવારનું ગુજરાન ચલાવનાર મધુબાલા એકલી હતી.
એક વખત એક ફકીરે તેને કહ્યું હતું કે, તને અઢળક ધન અને સુંદરતાની બક્ષીસ છે પરંતુ તું ખુબ ઓછુ જીવીસ ત્યારે આ વાતને મધુબાલાએ નકારી પરંતુ તે જ તેની હકીકત બનીને રહી ગઈ. માત્ર ૧૪ વર્ષની ઉંમરમાં દિલીપકુમાર સાથે પ્રેમમાં પડી ગયેલી મધુબાલાને તો તેનાથી ૮ વર્ષ મોટા અભિનેતા સાથે પરણવું હતું પરંતુ દિલીપકુમાર તેના માટે તૈયાર ન હતા. ત્યારે કિશોરકુમારનો સથવારો બનનાર મધુબાલા ટૂંકી જીંદગી જીવીને પણ હંમેશા માટે અમર રહી ગઈ.
ફિલ્મ ‘મુગલે આઝમ’ બોલીવુડની ઐતિહાસિક અને સૌથી મોંઘી ફિલ્મને કારણે નામના મેળવવાની પાછળ એક ક્રેડીટ મધુબાલાની એકટીંગને પણ જાય છે. ટચુકડી એવી જીંદગીમાં મધુબાલા ૭૦થી વધુ ફિલ્મમાં રૂપેરી પડદે ચમકી. જો આજે મધુબાલા જીવંત હોત તો આપણે તેનો ૮૬મો બર્થ-ડે સેલીબ્રેટ કરતા હોત. થીયેટર આર્ટસ મેગેજીન દ્વારા ૧૯૫૨માં તેને વિશ્વની સૌથી મોટી સ્ટારનું બિરુદ મળ્યું. ૨૦૦૮માં તે ભારતના સ્ટેમ્પ કાર્ડ પર પણ નજરે પડી. સીલ્વર સ્ક્રીન પર હંમેશા ચમકતી રહી પરંતુ સ્વર્ગમાં વીલીન થઈ ચૂકેલી મધુરાસ લોક હૃદયમાં આગવું સ્થાન ધરાવે છે.