- આર્થિક આત્મનિર્ભર બનવા માટે
- ટીપીના ખુલ્લા પ્લોટ લાંબા સમય માટે ભાડા માટે આપી વાર્ષિક 6 કરોડની આવક ઉભી કરાશે: 100 સિટી બસની અંદર અને બહાર જાહેરાતના હક્કો અપાશે
જકાત નાબૂદી બાદ કોર્પોરેશનની પોતીકી કહી શકાય તેવી એકમાત્ર આવક ટેક્સની છે. ટેક્સની આવકમાંથી પગાર ખર્ચ પણ નીકળતો નથી. બીજી તરફ કોર્પોરેશનની હદમાં સતત વધારો થઇ રહ્યો હોવાના કારણે ખર્ચ અને જવાબદારી પણ વધી રહી છે. આવામાં આર્થિક રીતે આત્મનિર્ભર બનવા માટે બજેટમાં ખર્ચ ઘટાડા સાથે આવક વધારવાને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. હાલ આવકના જે સ્ત્રોત છે તેને વધુ મજબૂત કરવામાં આવશે. સાથોસાથ નવી આવક ઉભી થાય તેવા પ્રયાસો કરાશે.
સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જયમીનભાઇ ઠાકરે જણાવ્યું હતું કે વર્ષ-2025/2026માં આવકના નવા સ્ત્રોત ઉભા કરી મહાપાલિકાને આત્મનિર્ભર બનાવવાની દિશા આગે કદમ કરવામાં આવશે. સાથોસાથ શહેરીજનોને વધુ ગુણવત્તાયુક્ત સેવાઓ મળી રહે તેવા પ્રયાસો કરવામાં આવશે. સ્માર્ટ સિટી વિસ્તારમાં લાઇટીંગ પોલ પર જાહેરાત અને એલઇડી સ્ક્રિન તથા કિયોસ્ક માટેના હક્ક આપવામાં આવશે. જેના થકી નવી આવક ઉભી થશે. આ નવા અભિગમથી આશરે વાર્ષિક 3 કરોડની આવક થવાની સંભાવના છે. કોર્પોરેશન દ્વારા રેસકોર્ષ સંકુલમાં માધવરાવ સિંધિયા ક્રિકેટ સ્ટેડિયમ બનાવવામાં આવ્યું છે. જેને અદ્યતન ટચ આપવાની કામગીરી હાલ પ્રગતિમાં છે. નવા નાણાકીય વર્ષથી આ ક્રિકેટ સ્ટેડિયમમાં રમત-ગમત ટુર્નામેન્ટ યોજવા ઉપરાંત લગ્ન સમારંભ, દાંડીયા રાસ, મ્યુઝિકલ નાઇટ્સ, નવરાત્રિમાં ગરબાના આયોજન અને કોમર્શિયલ હેતુ માટે ભાડે આપવામાં આવશે. જેનાથી વાર્ષિક એક કરોડની થવાનો અંદાજ છે. ક્રિકેટ ગ્રાઉન્ડ ભાડે આપવા માટેના દર અને નીતિ-નિયમો હવે પછી નક્કી કરવામાં આવશે. ઇન્ટરનેશનલ ક્રિકેટ વિકેટને નુકશાન ન થાય તેની ખાસ ધ્યાન રાખવામાં આવશે.
તેઓએ વધુમાં ઉમેર્યું હતું કે કોર્પોરેશનને શહેરના અલગ-અલગ વિસ્તારોમાં ટીપી સ્કિમ અંતર્ગત મળેલા ટીપીના અનામત અને ખુલ્લા પ્લોટને પાંચ વર્ષ કે તેથી વધુ સમય માટે કોમર્શિયલ ધોરણે ભાડે આપવાનું પણ બજેટ જાહેર કરવામાં આવ્યું છે. જેનાથી વાર્ષિક રૂ.6 કરોડની આવક થવાનું અંદાજ છે. રાજકોટ મહાપાલિકાના ટ્રાફીક એન્ડ ટ્રાન્સપોર્ટ સેલ હસ્તકના આરઆર સેલની 100 સિટી બસની અંદર અને બહારના ભાગે જાહેરાત માટે હક્કો આપી નવી આવક ઉભી કરવામાં આવશે. વર્ષે દહાડે 3.46 કરોડની આવક થવાનો અંદાજ છે.
અટલ સરોવરની 42 દુકાનો અપાશે ભાડે પટ્ટે
શહેરના સ્માર્ટ સિટી વિસ્તારમાં કોર્પોરેશન દ્વારા રૂ.136 કરોડના ખર્ચે અટલ સરોવરનું નિર્માણ કરવામાં આવ્યું છે. ખૂબ જ ટૂંકાગાળામાં અટલ સરોવર રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરના સહેલાણીઓની એક મનપસંદ ફરવાલાયક જગ્યા બની ગઇ છે. અહિં આવતા મુલાકાતીઓને સરળતાથી ખાણીપીણીની વસ્તુઓ મળી રહે તે માટે અટલ પરિસરની અંદર 42 દુકાનોનું નિર્માણ કરવામાં આવ્યું છે. કોર્પોરેશન હસ્તકની આ 42 દુકાનો મોર્ડન ફૂડ કોર્ટ માટે ભાડે આપવામાં આવશે. જેના માટે ટૂંક સમયમાં નીતિ-નિયમો નક્કી કરાશે.