મિત્રના ઝઘડામાં સમાધાનમાં વચ્ચે પડેલા યુવાનને ત્રણ શખ્સો ઉઠાવી ગયા: કાંગશિયાળી સીમમાં લઈ જઈ ધોકા-પાઇપ ફટકાર્યા
રાજકોટના 150 ફૂટ રીંગ રોડ પર માધવ પાર્કમાં રહેતા અને રાવકીમાં કારખાનું ધરાવતા કારખાનેદારને જૂની અદાવતમાં ઉઠાવી જઇ માર મારતા તેને સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. મિત્રના ઝઘડામાં સમાધાન માટે ગયેલા યુવાન પર ખાર રાખી ત્રણ શખ્સો કાંગસિયાડી સીમમાં અપહરણ કરી લઈ ગયા અને માર માર્યો હોવાનુ સામે આવ્યું છે.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ રાજકોટમાં માધવ પાર્કમાં રહેતા અને રાવકીમાં હાર્ડવેરનું કારખાનું ધરાવતા વિશાલભાઈ હિતેષભાઈ ફાચરા નામના 28 વર્ષીય કારખાનેદાર ગત રાત્રે 11:30 વાગ્યાની આસપાસ 150 ફૂટ રીંગ રોડ પર ખોડલ હોટલ પાસે હતા ત્યારે દિપક ખૂંટ, અંકુર રૂપાપરા અને આનંદ રૂપાપરા નામના શખ્સોએ ઝઘડો કરી મારકૂટ કરીને કારમાં અપહરણ કરી કાંગસિયાડી સીમમાં લઈ જઈ માર મારતા કારખાનેદારને સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.
પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યા મુજબ આજથી દોઢેક વર્ષ પહેલાં કારખાનેદાર વિશાલ ફાચરાના મિત્ર ધાર્મિક પટેલને સામા પક્ષવાળા આનંદ અને અંકુર સાથે માથાકૂટ થઈ હોય જે બાબતે સમાધાનમાં વિશાલ સાથે ગયો હતો. જેનો ખાર રાખી ગઇ કાલે વિશાલ ફરી આનંદ અને અંકુરને રસ્તામાં જોઈ જતા ફરી જૂની અદાવતના બી ફૂટતા ઝઘડો થયો હતો. જેનો ખાર રાખી કારખાનેદારને માર મારી તેનું અપહરણ કરી કાંગસિયાડીની સીમમાં લઈ જઈ માર માર્યાનો આક્ષેપ વિશાલ ફાચરાએ કર્યો છે. પોલીસે ઘટનાની નોંધ કરી આગળની તપાસ હાથધરી છે.