ભગવાન શ્રીકૃષ્ણ અને રૂક્ષ્મણીજીનો રંગેચંગે ઉજવાયો વિવાહ મહોત્સવ
માધવપુરના મેળામાં માનવ મેદની ઉમટી: રંગમંચ પરથી લોક કલાકારોએ લોકોને કરાવ્યો જલ્સો: ધર્મોત્સવનો લાખો ભાવિકોએ લ્હાવો લીધો: આજે ગાંધર્વવિધિથી ભગવાનના પરણેતર
માધવ મંદિરે માધવને માથુ ટેકવવા રાજયપાલ ઓ.પી.કોહલી પહોંચ્યા: સાંસ્કૃતિક કાર્યક્રમો, કૃષ્ણ ઝાંખી સહિતના આયોજનો
માધવપુર ઘેડમાં શ્રી કૃષ્ણ-રૂક્ષમણીના લગ્નોત્સવમાં માનવ મેદની ઉમટી પડી છે. પરંપરાગત ફુલેકા હર્ષ ઉલ્લાસપૂર્વક આનંદ ઉમંગભેર ઉજવાઈ રહ્યો છે ત્યારે મેળામાં સાંસ્કૃતિક કાર્યક્રમો, કૃષ્ણ ઝાંખી, રાસ-ગરબા, નૃત્ય સ્તુતી, ભગવાન શ્રી કૃષ્ણની મહિમા-મહત્વ સહિતના આયોજનો કરવામાં આવ્યા હતા. ભક્તિમય લ્હાવો લઈ તેમાં તન મન થવા માટે રાજયપાલ ઓ.પી.કોહલીએ પણ માધવપુર પહોંચી માધવ પાસે માથુ ટેકાવ્યું હતું.આજરોજ કડછ ગામથી કડછા ભાઈઓ કે જેઓ રૂક્ષમણીજીના મામેરીયાત કહેવાય છે તેઓ ધ્વજાજી સહિત ઉંટ, ઘોડા, તલવારની કર્તબ સાથે આવી પહોંચ્યા હતા અને આજે શ્રી કૃષ્ણ-રૂક્ષમણીના વિવાહ માધવ મંદિરે થયા હતા. ત્યારબાદ શ્રી કૃષ્ણ ભગવાન વિવાહ પ્રસ્થાન બાદ મધુવનમાં શ્રીકૃષ્ણ દુલ્હારૂપે પહોંચશે.ત્યાં તેમના પોખણા બાદ પૌરાણીક કથા અને ગાંધર્વ વિધિથી લગ્નોત્સવ ઉજવાઈ રહ્યો છે. તેને માણવા ઠેક-ઠેકાણેથી ભાવિકોનું જનસૈલાબ ઘેડમાં ઉમટી પડયું છે.