લેન્ડગેબીંગ હેઠળ દંપત્તી સહિત ત્રણ સામે નોંધાતો ગુનો
બોટાદના બરવાળા તાલુકાના ખાંભળા ગામના વતની અને સુરત સ્થાયી થયેલા વૃધ્ધને વેચાણ કરેલી દુકાન દંપત્તી સહિત ત્રણ શખ્સોએ ફરી વેચાણ કરી કૌભાંડ આચર્યાનો લેન્ડગેબીંગ હેઠળ ગુનો નોંધી પોલીસે તપાસ હાથધરી છે.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ સુરત રહેતા મનુભાઇ મોહનભાઇ સોજીત્રાએ બોટાદના રાણા કુકા બોડીયા, વલુ કુકા બોડીયા અને તેની પત્ની જીલુબેન કુકા બોડીયા સામે દુકાનનું વેચાણ કર્યા બાદ બીજાને ફરી વેચાણ કરી છેતરપિંડી કર્યા અંગેની ફરિયાદ નોંધાવી છે.
મનુભાઇ સોજીત્રાની સોસાયટીના ચોકીદાર વલુ કુકા બોડીયાએ પોતાની પાસે શાક માર્કેટ પાસે આવેલા કનૈયા કોમ્પ્લેક્ષમાં દુકાન છે તે વેચાણ કરવી છે કહેતા મનુભાઇ સોજીત્રાએ દુકાન ખરીદ કરતા તેનો દસ્તાવેજ જીલુબેન બોડીયાએ કરી આપ્યો હતો. તેમજ જીલુબેન બોડીયાએ પોતાના દિયર રાણા બોડીયાને કુલમુખત્યારનામુ કરી આપ્યું હતું.
વર્ષ ૨૦૨૦માં મનુભાઇ સોજીત્રા સુરતથી બોટાદ આવ્યા ત્યારે તેમની કનૈયા કોમ્પ્લેક્ષમાં આવેલી પોતાની દુકાને ગયા ત્યારે તે દુકાન દિનેશ કરમશી પાટીવાલા ધંધો કરતા જોવા મળ્યા હતા તેમને પૂછપરછ કરતા દુકાને તેઓએ લીધાનું જણાવ્યું હતું. આથી મનુભાઇ સોજીત્રાએ બોટાદ જિલ્લા કલેકટરને અરજી કરતા લેન્ડગેબીંગ અંગેની કમિટિમાં ગુનો નોંધવાનો નિર્ણય લેવામાં આવતા બોટાદ પોલીસે મનુભાઇ સોજીત્રાની ફરિયાદ પરથી દંપત્તી સહિત ત્રણ સામે ગુનો નોંધી તપાસ હાથઘરી છે.