નવાગામ આણંદપરમાં રૂડા ટ્રાન્સપોર્ટનગરમાં મેગા ડિમોલીશન: 870 ચો.મી.ના બે પ્લોટ પર ગેરકાયદે ખડકાયેલા ગોડાઉન પર બુલડોઝર ફેરવી રૂા.3.25 કરોડની જમીન ખુલ્લી કરાવાઈ: લેન્ડ ગ્રેબિંગ અંગે પણ ફરિયાદ કરવાની રૂડાની તૈયારી
રાજકોટમાં ભુમાફિયાઓ સબ ભુમિ ગોપાલ કી સમજી આડેધડ ગેરકાયદે દબાણો ખડકી રહ્યાં છે. નવાગામ આણંદપરમાં આવેલા રૂડાના ટ્રાન્સપોર્ટનગરમાં નોટરી પાસે સુચિત સોસાયટીના દસ્તાવેજ બનાવી બે જમીન માફીયાઓ દ્વારા ગોડાઉન બનાવી દેવામાં આવ્યા હતા. જેના પર આજે બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું છે અને 3.25 કરોડની જમીન ખુલ્લી કરાવામાં આવી છે. આગામી દિવસોમાં જિલ્લા કલેકટર સમક્ષ આ જમીન માફીયાઓ સામે લેન્ડ ગ્રેબિંગ એકટ હેઠળ ફરિયાદ દાખલ કરવામાં આવશે.
આ અંગે પ્રાપ્ત થતી વધુ વિગત મુજબ આજે સવારે રૂડાના સીઈઓ ચેતન ગણાત્રાની આગેવાનીમાં રૂડા ટ્રાન્સપોર્ટનગરમાં મેગા ડિમોલીશન હાથ ધરવામાં આવ્યું હતુ. જેમાં પ્લોટ નં.25ની 805 ચો.મી.ની જમીન પર નોટરી પાસે સુચિત સોસાયટીના દસ્તાવેજ બનાવી ગોડાઉન ખડકી દેવામાં આવ્યું હતું. જે તોડી પડાયું હતું અને રૂા.3.25 કરોડની જમીન ખુલ્લી કરાવવામાં આવી હતી.
આ ઉપરાંત પ્લોટ નં.124ના 312 ચો.મી. પ્લોટમાં પણ ગેરકાયદે ગોડાઉન ખડકી દેવામાં આવ્યું હોવાથી તેની પર પણ બુલડોઝર ફેરવી દઈ 65 લાખની જમીન ખુલ્લી કરાવવામાં આવી હતી. રૂડા દ્વારા જે બે પ્લોટ ખુલ્લા કરાવવામાં આવ્યા તેની આગામી 22મીએ જાહેર હરરાજી કરવામાં આવશે. દરમિયાન સરકારી પ્લોટમાં દબાણ અને બોગસ દસ્તાવેજ બનાવી ગોડાઉન ખડકી દેનાર સામે જિલ્લા કલેકટર સમક્ષ લેન્ડ ગ્રેબિંગ એકટ મુજબ ફરિયાદ પણ દાખલ કરવાની રૂડા દ્વારા તૈયારી કરાઈ છે.