Abtak Media Google News
  • મદારી ગેંગના ચાર સભ્યોને રૂ. 6.19 લાખના મુદ્દામાલ સાથે ઝડપી લેતી પોલીસ

જામકંડોરણાના ખજુરડા ગામે સાધુના વેશમાં આવેલા શખ્સ આણી ટોળકીએ એક ખેડૂતને વિધિના બહાને રૂ. 13 લાખનો ચૂનો ચોપડ્યો હતો. મામલામાં પોલીસ ફરિયાદ થયાં બાદ જામકંડોરણા પોલીસે મદારી ગેંગના ચાર સભ્યોને રૂ. 6.19 લાખના મુદ્દામાલ સાથે ઝડપી લઇ ગુનાનો ભેદ ઉકેલ્યો છે.

’લોભિયાના ધન ધુતારા ખાય’ તેવી ઉક્તિ જામકંડોરણા ખાતે સાચી ઠરી હતી. જ્યાં સાધુના વેશમાં આવેલા એક શખ્સે નંબર મેળવીને તમારી જમીનમાં ખુબ સોનુ પડેલું છે અને આ કાઢવા માટે વિધિ કરવી પડશે તેવું કહીને વિધિના નામે અને ધૂપ લાવવા માટે કટકે કટકે રૂ. 13 લાખનો ચૂનો ચોપડી દઈ સાધુ બાવાનો વેશ ધારણ કરીને આવેલી ટોળકી ફરાર થઇ ગઈ હતી. સમગ્ર મામલે કુલ 5 અજાણ્યા ઈસમો વિરુદ્ધ ગુનો નોંધી જામકંડોરણા પોલીસ મથકના પીએસઆઈ વી એમ ડોડીયા સહીતની ટીમે તપાસ શરૂ કરી હતી.

બનાવની જાણવા મળતી વિગતો મુજબ, જામકંડોરણા તાલુકાના ખજૂરડા ગામે રહેતા મહેન્દ્રભાઈ હરસુખભાઈ ડેડકિયા(ઉ.વ 46) દ્વારા નોંધવવામાં આવેલી પોલીસ ફરિયાદમાં આરોપી તરીકે અજાણ્યો બાવા સાધુ તેનો ગુરુજી, ગુરુજીનો શિષ્ય, જીતુભા અને જીતુભા સાથે ધૂપના પૈસા લેવા આવતા અજાણ્યા શખસનું નામ આપ્યું છે. મહેન્દ્રભાઈએ પોતાની ફરિયાદમાં જણાવ્યું હતું કે, તે ખેતીકામની સાથે ઇલેક્ટ્રીક રીપેરીંગની દુકાન ચલાવે છે.

ચાર માસ પૂર્વે તેમની દુકાને બાબા સાધુના વેશમાં એક શખસ દક્ષિણા લેવા માટે આવ્યો હતો જેથી તેને દક્ષિણા આપી હતી. આ દરમિયાન આ શખ્સે વેપારીનો નંબર મેળવી લીધો હતો. બાદમાં આ શખસ તારીખ 18/4/2024 ના વેપારીને ફોન કરી કહ્યું હતું કે, તમે ભોળા માણસ છો તમારા પર માતાજી પ્રસન્ન થયા છે તમને લક્ષ્મી મળશે તમારી પાસે જુના રૂપિયા હોય તો તેનાથી લક્ષ્મી આવશે તેમજ તમારે જમીન છે તે જમીનમાં પુષ્કળ માયા (સોનુ) છે. તમે બહુ જ રૂપિયા વાળા બનશો. તેવી વાત કરી હતી બાદમાં ફોનમાં આ બાબાજીના ગુરુએ પણ વાત કરી હતી. ત્યારબાદ તેમણે ધન પ્રાપ્તિ માટે વિધિ કરવાનું કહ્યું હતું. વિધિના સામાનમાં ચોખા, ઘઉં, અડદ, લોખંડ, ચાંદી, સોનુ, જુના રૂપિયાના સિક્કા, ચુંદડી, કંકુ લઇ આવવાનું કહ્યું હતું.

ખેડૂત આ તમામ સામાન આ શખ્સોએ કહ્યા મુજબ વિધિ માટે વાંકાનેરના રફાળા નજીક અવાવરૂ જગ્યાએ ગયા હતા ત્યાં ખાડામાં વિધિ કરી હતી. આ વિધિ સમય કુલ ચાર શખ્સો અહીં હાજર હતા. વિધિ કરી તે સમયે પેટીમાં રૂપિયા 500-500 ની નોટો બતાવી હતી તે પછી પેટી બંધ કરી દીધી હતી. દરમિયાન અહીં એક શખસને મો માંથી લોહી નીકળવા લાગ્યું હતું અને તે બેભાન થઈ ગયો હતો. જેથી ગુરુજી બોલવા લાગ્યા હતા કે, માતાજી ક્રોધિત થઈ ગયા છે હવે અમારા દીકરાને સજીવન કરવા માટે ધૂપની જરૂર પડશે. આ ધૂપ તમારે 25 તોલા લાવવું પડશે આ ધૂપનો એક તોલાનો ભાવ રૂ. 21,000 છે જે તમને જામનગર-દ્વારકા રોડ પર જીતુભા દેવા આવશે.

આ શખ્સોની વાતોમાં આવી જઈ ખેડૂતે મિત્ર સર્કલ પાસેથી મંડળીમાં ભરવાના બહાને રૂપિયા પાંચ લાખ લઈ ફોન કરી આ ધૂપ લઈ આપ્યો હતો. ત્યારબાદ ફરી એકવાર ગુરુજીનો ફોન આવ્યો હતો અને કહ્યું હતું કે, તમે ધૂપમાંથી બે ટીપા તમારી જમીનમાં પાડો અને પાંચ ટીપા આદ્યશક્તિમાંના નામના પાડો આમ કહ્યું હતું. જેથી ખેડૂતે ચૂંદડીમાં વીંટાળેલી ધૂપની શીશી કાઢતા સીસી તૂટી ગઈ હતી અને ધૂપ હતું નહીં

જેથી આ બાબતે ગુરુજીને કહેતા તેણે કહ્યું હતું કે માતાજી ખૂબ જ ક્રોધિત થઈ ગયા છે. હવે તમારે બીજું 25 તોલા ધૂપ લાવવું પડશે જેના એક તોલાનો ભાવ 31,000 છે ફરી ખેડૂતે મિત્ર પાસેથી 6 લાખ રૂપિયા તેમજ બે લાખની લોન કરાવી આ ધૂપ લીધું હતું. જે ધૂપ જીતુભા આપી ગયો હતો આ સમયે જીતુભા એક પેટી આપી હતી અને કહ્યું હતું કે તમારું કામ થઈ ગયું છે. આ પેટીમાં રૂપિયા ભર્યા છે તે ખોલતા નહીં તમારા ઘરે રાખી દેજો. જેથી ખેડૂત પેટી લઈને પોતાના ઘરે આવી ગયા હતા.

ત્યારબાદ ફરી ખેડૂતને ફોન આવ્યો હતો અને કહ્યું હતું કે, માતાજી ખૂબ ક્રોધિત છે તમારા કામ માટે માનતા નથી તમારે પાછો ધૂપ લાવો પડશે આ ધૂપ તમારા નાસિકથી એક તોલાનો ભાવ રૂ. 70,000 લેખે 25 તોલા ધૂપ લેવું પડશે જેથી ખેડૂતે કહ્યું હતું કે, હવે મારી પાસે પૈસાની વ્યવસ્થા નથી. બાદમાં ખેડૂતે આ શખસે આપેલી પેટી ખોલતા તેમાંથી પસ્તી તથા બાળકોને રમવાની પૈસાની નોટો મળી હતી. જેથી પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાનો અહેસાસ થતાં આ અંગે જામકંડોણા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આરોપી સામે આઇપીસીની કલમ 406, 420, 508 અને 114 મુજબ ગુનો નોંધી જરૂરી કાર્યવાહી કરી હતી.

પોલીસે તપાસ કરતા આ કૃત્ય મદારી ગેંગ મના સભ્યોએ આચર્યાની માહિતીના આધારે જાલમનાથ રાજુનાથ પઢીયાર, જોગનાથ રાજુનાથ પઢીયાર, પ્રકાશનાથ ઝવેરનાથ પઢીયાર, ઝવેરનાથ રાજુનાથ પઢીયારને ઝડપી પાડ્યા હતા. આ ચારેય શખ્સો મદારી ગેંગના સભ્યો છે. પોલીસે આ ચારેય આરોપીઓ પાસેથી રૂ. 4.60 લાખની રોકડ, 7 મોબાઈલ ફોન અને એક ફોર વ્હીલ કાર સહીત રૂ. 6,19,500નો મુદ્દામાલ કબ્જે કર્યો છે. જો કે, હજુ ચાર જેટલાં શખ્સો પોલીસ પકડથી દૂર છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.