પીપીઈ સ્યુટ ઉત્પાદન ક્ષેત્રે ચીનની અવેજી બનતું સૌરાષ્ટ્ર
આરોગ્ય કર્મચારીઓને ચેપ ન લાગે તે માટે આશરે ૬૦૦ ડીગ્રી તાપમાને પીપીઈ સ્યુટને કરાશે સીલ
સમગ્ર વિશ્વમાં હાલ કોરોના મહામારીએ હાહાકાર મચાવ્યો છે. દિન પ્રતિદિન આ મહામારી વધુ ઝડપે માનવ જીવનને ભરખી રહ્યો છે. ત્યારે આ મહામારીથી લોકોને બચાવવા આરોગ્ય કર્મચારીઓ દિન રાત જીવના જોખમે મહેનત કરી રહ્યા છે. કોરોના વાયરસ એકબીજાના સંસર્ગમાં આવવાથી ફેલાતો વાયરસ છે, ભારતમાં ભીડભાડ એકત્રિત ન થાય તે હેતુસર કેન્દ્રની મોદી સરકાર દ્વારા સતત ત્રીજા તબક્કામાં લોક ડાઉન અમલી બનાવવામાં આવ્યું છે જેથી કોઈ પણ વ્યક્તિ કોરોના ચેપગ્રસ્ત દર્દીના સંસર્ગ માં ન આવે અને આ વાયરસને ફેલાતો અટકાવી શકાય પરંતુ આરોગ્ય કર્મચારીઓએ ન છૂટકે ચેપગ્રસ્ત દર્દીના સંસર્ગમાં આવવું જ પડે છે અને તેમની સારવાર કરવી જ પડે છે. ત્યારે આરોગ્ય કર્મચારીઓને ચેપ ન લાગે તે માટે તેઓ પર્સનલ પ્રોટેકટિવ ઈકવિપમેન્ટ સ્યુટ (પીપીઇ સ્યુટ) પહેરીને જ આઇસોલેશન વોર્ડ ખાતે જતા હોય છે જેથી તેઓ ચેપગ્રસ્ત ન બને. પરંતુ પીપીઈ સ્યુટમાં સિલાઈ અર્થે જે નાના નાના છિદ્રો પડ્યા હોય છે કે જેને નરી આંખે કદાચ જોઈ પણ શકાતું નથી, ત્યાંથી રક્ત કે અન્ય માધ્યમથી ચેપ લાગવાની પ્રબળ શક્યતાઓ રહેલી હોય છે. તો આ પ્રકારની ઘટના ન બને તર હેતુસર પીપીઈ સ્યુટને આશરે ૬૦૦ ડીગ્રી તાપમાને સીલ કરવાની હોય છે જેના માટે આધુનિક હોટ એર સિમ સિલિંગ મશીનની તાતી જરૂરિયાત હોય છે.
હાલ સમગ્ર વિશ્વમાં આ મશીનનું ઉત્પાદન ફક્ત ચાઈના અને કોરિયા જ કરે છે જેના કારણે આ મશીન માટે ભારત સંપૂર્ણપણે ચાઈના પર નિર્ભર હતું. ભારત દ્વારા આ મશીન મંગાવવા હેતુ પ્રયાસ પણ કરવામાં આવ્યો હતો પરંતુ ૧૨ સપ્તાહ પહેલા આ મશીન ભારત પહોંચી શકે નહીં તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું હતું. જે બાદ આ પડકાર રાજકોટની મેકપાવર સીએનસી મશીન્સ લિમિટેડ નામના એકમે ઝીલ્યો હતો. ઔદ્યોગિક એકમના એન્જીનિયરોની ટીમે આશરે ૨૦ દિવસની મહામહેનતે હોટ એર સિમ સિલિંગ મશીનનું ઉત્પાદન ઘર આંગણે કરી લીધું છે જેના કારણે હવે આ મશીન માટે ભારતની ચાઈના પર નિર્ભરતાનો અંત આવ્યો છે.
કોઈ પણ કાર્યની શરૂઆત પ્રથમ વિચાર થી થતો હોય છે તેવી જ રીતે આ મશીનના ઉત્પાદનનો વિચાર આવ્યાની સાથે મેકપાવર સીએનસી મશીન્સ લિમિટેડના સીઓઓ આશીશભાઈ નકુમે ડિઝાઇનનો કાર્યભાર સંભાળ્યો હતો. તેમણે કહ્યું હતું કે પ્રથમ જ્યારે ડિઝાઇન તૌયાર કરવાની વાત આવી તો અનેકવિધ મુશ્કેલીઓ આવી પરંતુ અમે સૌએ મનોમન નીર્ધાર કર્યું હતું કે કોઈ પણ વિઘ્ન સામે લડી અમારે આ મશીન તૈયાર કરવું છે જે બાદ અમે સોશ્યલ મીડિયાના માધ્યમથી મશીનની વિવિધ ડિઝાઈનો જોઈ અને મશીનની ડિઝાઇન તૈયાર કરી પરંતુ હજુ અમુક બાબતો થી અમે અજાણ હતા જે બાદ અમદાવાદની અરવિંદ ટેકસટાઇલ મિલ ખાતે આ પ્રકારના મશીન ઉપલબ્ધ હોવાનું જાણવા મળતા અમારી ટીમે એકમની મુલાકાત લઈને તમામ બાબતોમાં સ્પષ્ટીકરણ મેળવ્યું અને ડિઝાઇન તૈયાર કરી. આ બાદ મેકપાવર સીએનસીના ઇલેક્ટ્રોનિક વિભાગના મેનેજર વિમલભાઈ તાલસાણીયાએ ઇલેક્ટ્રોનિક બાબતો વિશે જણાવ્યું હતું કે આ મશીન સેમી ઓટો અને ફૂલી ઓટો એમ કુલ બે પ્રકારે ઓપરેટ કરી શકાય છે જેથી વધુ મેનપાવરની જરૂરિયાત રહેતી નથી.
તેમણે કહ્યું હતું કે ડેમો પીસ જોયા બાદ અમારા મનમાં રહેલી તમામ મૂંઝવણો દૂર થઈ હતી અને અમને ફક્ત બે જ દિવસમાં સફળતા મળી હતી. તેમણે કહ્યું હતું કે આ મશીનમાં ઉપયોગમાં લેવાયેલા તમામ કમ્પોનન્ટનું પણ ઘર આંગણે જ ઉત્પાદન કરવામાં આવ્યું છે જેથી કોઈ પણ પાર્ટ્સ માટે નિર્ભર રહેવાની જરૂર પડતી નથી. તેમજ આ મશીનમાં ઉપયોગમાં લેવામાં આવેલા તમામ કમ્પોનન્ટની પસંદગી ખૂબ કાળજીપૂર્વક કરવામાં આવી છે જેથી કોઈ પણ જાતની સમસ્યા ન સર્જાય. મશીનના એસેમ્બલી વિશે જણાવતાં એસેમ્બલી વિભાગના મેનેજર અમિતભાઇ સખીયાએ જણાવ્યું હતું કે આ મશીનમાં તમામ ક્રિટિકલ વર્ક એસેમ્બલીનું છે ત્યારે એસેમ્બલી તૈયાર કરવી એ થોડું અઘરું કાર્ય હતું પરંતુ અમારા એસેમ્બલી વિભાગના એન્જિનિયરોએ સતત એક સપ્તાહની મહામહેનતે એસેમ્બલી તૈયાર કરી છે.
એન-૯૫ અને થ્રી લેયર માસ્ક બનાવવાના મશીનની ડીઝાઈન પણ તૈયાર: રૂપેશ મહેતા
આ વિશે મેકપાવર સીએનસી મશીન્સ લિમિટેડના સીઈઓ રૂપેશભાઈ મહેતાએ જણાવ્યું હતું કે પ્રથમ ઇન્ડિયન મેડિકલ એસોસિએશન રાજકોટ ચેપટર દ્વારા અમારું ધ્યાન આ બાબતે દોરવામાં આવ્યું હતું કે હાલના સમયમાં જે કોઈ તબીબો અને આરોગ્ય કર્મચારીઓ કોરોનાનો ભોગ બની રહ્યા છે તે ફક્ત પીપીઈ સ્યુટમાં સિલાઈ સમયે રહી જતા સૂક્ષ્મ છિદ્રોને આધીન છે જેને અટકાવવા હોટ એર સિમ સિલિંગ મશીનની તાતી જરીરુયાત છે. જે બાદ અમે આ મશીનના ઉત્પાદનનો પડકાર ઝીલ્યો હતો અને આશરે ૨૦ દિવસની જહેમત બાદ આ મશીન અમે તૈયાર કરી લીધું છે જે બદલ અમે ખુશીની લાગણી અનુભવી રહ્યા છીએ. તેમણે કહ્યું હતું કે કોઇ પણ કાર્યમાં વિઘ્ન આવતું હોય છે તેવી જ રીતે મશીનના ઉત્પાદનમાં અમુક રો મટીરીયલ કે જે સ્થાનિક ધોરણે ઉપલબ્ધ નથી, જે બેંગ્લોર જેવા શહેરોમાંથી મંગાવવું પડે તેવી પરિસ્થિતિ હતી જે માટે અમે થોડી હાલાકી ભોગવી પરંતુ રાજકોટ જિલ્લા કલેકટર રેમ્યા મોહનના સહયોગથી અમને લોજીસ્ટીકના કારણે જે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો હતો તે દૂર થઈ તો હું જિલ્લા કલેકટરનો પણ આભાર વ્યક્ત કરું છું. તેમણે વધૂમાં જણાવ્યું હતું કે શરૂઆતી ધોરણે અમે જ્યારે મશીનના ઉત્પાદનનો પડકાર ઝીલ્યો ત્યારે પરિવાર અને મિત્ર વર્તુળમાંથી એવી લાગણી ઉદભવી કે આ મશીનના ઉત્પાદન અર્થે કોરોના આઇસોલેશન વોર્ડની મુલાકાત લેવાની હતી, તબીબી નિષ્ણાંતો સાથે બેઠક કરવાની હતી તો અમે કંઈ ખોટું તો નથી કરી રહ્યાને તેવી ક્ષણિક ભાવના ઉદભવી પરંતુ તે બાદ અમે કોરોના વોરિયર્સને યાદ કર્યા અને સામાજિક જવાબદારી સમજી મશીનનું ઉત્પાદન નફાને ધ્યાને નહીં રાખી ફક્ત દેશસેવાને કેન્દ્રમાં રાખી શરૂ કર્યું અને આજે પરિણામ સામે છે જેથી ખૂબ જ હર્ષની લાગણી અનુભવીએ છીએ. તેમણે કહ્યું હતું કે જ્યારે મશીન તૈયાર થયું ત્યારે આ મશીનના ડેમોન્સ્ટ્રેશ માટે અમે જિલ્લા વહીવટી તંત્ર સમક્ષ ગયા હતા અને ત્યારે રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ વિડીયો કોંફરન્સના માધ્યમથી ડેમો નિહાળ્યો અને અમને સૌને શુભેચ્છા પાઠવી એ ક્ષણ અમારા માટે ખૂબ જ પ્રેરણાદાયી છે જે અમારી ટીમ ક્યારેય ભૂલી નહિ શકે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે હવે અન્ય બે પ્રોજેક્ટ્સ અમે શરૂ કરી રહ્યા છીએ જેમાં એન – ૯૫ માસ્ક અને થ્રી લેયર માસ્કના ઉત્પાદનના મશીનો વિકસાવવામાં આવશે જે બંને મશીનના ડિઝાઇન તૈયાર થઈ ચુક્યા છે અને આગામી એક મહિનામાં ઉત્પાદન પૂર્ણ કરી લેવામાં આવશે.
આગામી દિવસોમાં મશીનની નિકાસ પણ કરાશે: ડો. મયંક ઠકકર
ડો. મયંક ઠકકરએ જણાવ્યું હતું કે પી.પી.ઇ.કીટ એ દરેક મેડીકલ અને પેરોમેડિકલ સ્ટાફની કોરોના સામેની જંગમાં જરૂરીયાંત છે. પી.પી.ઇ. એઠલે પર્સનલ પ્રોટકકટ ઇકવીપમેન્ટ જેમાં એક ગાઉન દોષ છે. આ ગાઉન એવા મટીરીયલ માંથી બને છે. જેમાંથી ફકત હવા પસાર થાય છે. આ પહેરવાથી પેસન્ટમાં રહેલો વાઇરસ ડોકટરને ન લાગે. હવે આ સુટને સિવવાથી તેમાં કાણા પડે છે. તો આ હોલને સીલ કરવા માટે એક ટેપ મારવામાં આવે છે. એ ટેપ ઉખડી ન જાય માટે ૩૦૦થી ૬૦૦ ડીગ્રીએ તેને ચોટાડવામાં આવે છે. તો આટલી ગરમીમાં સામાન્ય રીતે કામ ન થાયા એટલે મશિન વિકસાવવામાં આવ્યુ છે. જેને હોટ સીલીંગ મશીન નામ અપાયુ છે. અત્યાર સુધી પી.પી.ઇ.કીટ આપલે ઇન્પોર્ટ કરતાં હતા. પછી જયારે કોરોના ભારતમાં આવ્યો ત્યારે રાજકોટ આઇએમઆઇએ પીપીઇ કીટ બનાવવાનુ શરૂ કયું. પછી તપાસ કરતા માલુમ થયુ કે આવા મશિન ભારતમાં કોઇ બનાવતું નથી. કોરીયા અને ચાઇના જ આ મશિન બનાવે છે. તે માટે આ મિશિન આપવા ૬ અઠવાડિયાનો સમય માગ્યો હતો. બાદમાં ખ્યાલ આવ્યો કે સી.એન.સી. મશિન વાળા આવું મશીન બનાવી શકે છે. ત્યારે મેકપાવર સાથે વાત કરીને આ મશીન બનાવવાનું શરૂ કર્યું. મશીન બની ગયું પછી ચેક કયું. આ મશિન કોરીયા અને ચાઇના શિવાય મળતું ન હતું. પરતું હવે મેકપાવર કંપની દ્વારા ઘર આંગણે સંપૂર્ણ ભારભય સાઘનોથી બનાવેલું છે. આ મશિન સંપૂર્ણ ર્સ્વદેશીત છે. આગળ જતાં આપણે મશીનને એકસપોર્ટ પણ કરી શકીશું.