અત્યાધુનિક વીઆર શૂટ, સાઉન્ડ ટેકનોલોજી અને મોરબીના ગર્વશીલ ઈતિહાસને કચકડે કંડારવાનો પ્રયાસ ‘મચ્છુ’ દ્વારા કરાયો
ગુજરાતી ફિલ્મ મચ્છુ ટૂંક સમયમાં રિલિઝ થઈ રહી છે. આ ફિલ્મમાં ૧૧ ઓગષ્ટ ૧૯૭૯ શનિવારના દિવસે મોરબી ખાતેનો મચ્છુ ડેમ તૂટવાથી જે જળ હોનારત થઈ હતી તે કુદરતના પ્રકોપને એક સ્ટોરીના રૂપમાં પ્રદર્શિત કરવાનો અને લોકોને જે તે સમયે બનેલી ઘટનાઓ તથા મોરબીના ગર્વશીલ ઈતિહાસને કચકડે કંડારવાનો પ્રયાસ કરાયો છે.
જેએમડીવી ક્રિસ્ટલ પિકચર્સ પ્રાઈવેટ લિમિટેડના નેજા હેઠળ તૈયાર થયેલી મચ્છુ ફિલ્મના ડાયરેકટર શૈલેષ લેઉવા છે. પ્રોડયુસર જતીન પયેલ છે.જયારે સ્ટાર કાસ્ટમાં મુખ્યત્વે મયૂર ચૌહાણ, જયેશ મોરે, શ્રધ્ધા ડાંગર છે.આ ફિલ્મ અંગે સમગ્ર માહિતી આપતા ડાયરેકટર શૈલેષ લેઉવાએ જણાવ્યું કે મચ્છુ ફિલ્મનું નિર્માણ કરવાનો મુખ્ય આશય મોરબીની હોનારતનો રૂબરૂ વર્ણન કરવાનો છે. લગભગ ૧૪૦ થી વધારે મોરબી વાસીઓનાં ઈન્ટરવ્યુ અને ૨ લાખથીક વધારે મોરબીનાં ફોટોગ્રાફસ લઈ ઈતિહાસકારોને મળ્યાબાદ ઉંડા વિચાર વિમર્શો પછી જ ફિલ્મનું નિર્માણ શરૂ કરવામાં આવ્યું.
આ ફિલ્મમાં મોરબીની ૧૭મી સદીથી અત્યાર સુધીની એક ઐતિહાસીક સફરનું ખૂબજ રોચક વર્ણન કરવામાં આવ્યું છે. આ ફિલ્મમાં મોરબીના સ્થાપત્યો, બાંધકામ મોરબીની વાણીયણની લોકવાયકા અને મચ્છુ ડેમના બાંધકામને આવરી લીધી છે. સમગ્ર ફિલ્મ પૂર આવ્યાના ૩ દિવસની વાતની છે. જેને રૂબરૂ વર્ણવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.ખૂજબ મોટા બજેટની અને વર્ચ્યુઅલ રીયાલીટીમાં શુટ કરવામાં આવેલી આ ફિલ્મ વિષે વધુ જણાવતા શૈલેષ લેઉવાએ કહ્યું કે ‘મચ્છુ’ ફિલ્મ એ ગુજરાતી ફિલ્મ ઉદ્યોગને નવો આયામ આપવા મદદરૂપ થશે. આ ફિલ્મ અન્ય ૧૭ વૈશ્ર્વિક ભાષાઓમાં સબ ટાઈટલ સાથે પણ રીલીઝ થવાના કરાર થઈ રહ્યા છે.
ફિલ્મના સમગ્ર નિર્માણ દરમિયાન લગભગ ૭૦૦થી વધારે લોકો જોડાયેલ છે. ફિલ્મ રેડ ટેકનોલોજી ધરાવતા ૭ ડ્રેગન કેમેરાથી શૂટ કરવામાં આવેલ છે. ફિલ્મના નિર્માણના વિડિયો અત્યાધુનિક વીઆરમાં શૂટ કરવામા આવેલ છે. ફિલ્મના કેટલાક શોટ્સ ભારતીય ફિલ્મ ઉદ્યોગમાં સૌ પ્રથમ વખત વીઆર ફોરમેટમાં લોકો સુધી આવશે. જેમાં પ્રેક્ષકો પોતાની આંખે પહેરેલા હેડસેટ દ્વારા પોતાને મોરબીમાં પૂરની વચ્ચેનો અહેસાસ કરી શકશે.મહત્વનું છે કે ‘મચ્છુ’ ફિલ્મ ગુજરાતમાં કેટલાક સિનેમાના માલીકોને ૨૫ વીક માટે માંગેલ છે. ફિલ્મ મચ્છુ આંતરરાષ્ટ્રીય પ્રાદેશિક તથા રાષ્ટ્રીય ક્ષેત્રે એક જ દિવસે ૪૦૦થી વધુ થિયેટરોમાં રિલીઝ થશે. આ ફિલ્મને વૈશ્ર્વિક ધોરણે ૧૪૯થી વધારે એવોર્ડમાં નોમીનેટ કરવામાં આવનાર છે. ટુંક સમયમાં જ આ ફિલ્મ રીલીઝ થશે.