ગાંધીનગર સેન્ટ્રલ ડિઝાઇન ઓર્ગેનાઇઝેશન અને વડોદરા ગેરીની ટીમે સતત બે કલાક ડેમની ચકાસણી કરી

મોરબીમાં સોમવારે મચ્છુ-૨ તુટવાની અફવાને પગલે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ગઈકાલે ગાંધીનગર અને વડોદરાના તજજ્ઞ ઇજનેરોની ટીમ મારફત મચ્છુ ડેમની ચકાસણી કરાવી હતી અને બે કલાક સુધી કરવામાં આવેલી તપાસ બાદ મચ્છુડેમ સંપૂર્ણ પાને સલામત હોવાનો ટીમેં રિપોર્ટ આપ્યો હતો.

જાણવા મળતી વિગતો મુજબ મોરબીમાં સોમવારે ઉંડેલી અફવાને પગલે જિલ્લા વહીવટી તંત્રએ તાકીદે દેવની ચકાસણી કરવા સરકારમાં જણાવ્યું હતું જેને પગલે ગઈકાલે ગાંધીનગર સેન્ટ્રલ ડિઝાઇન ઓર્ગેનાઇઝેશન અને વડોદરા ગેરી (ગુજરાત એન્જીનીયરીંગ રિસર્ચ ઇન્સ્ટિટયૂટ )ની ટીમ દ્વારા મચ્છુ-૨ ડેમ સાઈટની મુલાકાત લઇ સમગ્ર બાબતની તપાસણી કરવામાં આવી હતી.

વધુમાં મચ્છુ-૨ ડેમની મજબૂતાઈ,બાંધકામ અને દરવાજા સહિતના સાધનોનું સતત બે કલાક સુધી તજજ્ઞ ટીમેં બારીકાઈ ભર્યું નિરીક્ષણ કર્યું હતું,તજજ્ઞોની આ ટીમમાં વડોદરા ગેરીના મદદનીશ ઈજનેર યુ.આર.પટેલ,ગાંધીનગર સેન્ટ્રલ ડિઝાઇન ઓર્ગેનાઇઝેશનના ડે.ઈજનેર પરવીન મોમીન અને આઈ.જી.લોઢા સહિતના ઇજનેરો દ્વારા ચકાસણી કરવામાં આવી હતી આ તકે મોરબી ડેમ વિભાગના અધિકારી સ્ટોનીયા અને ચુડાસમા હાજર રહ્યા હતા.

આમ, જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પ્રજામાં ડેમ તૂટવાનો ખોટો હાઉ ન રહે તેમાટે તજજ્ઞ ટીમો મારફતે ડેમની ચકાસણી કરાવતા  સબ સલામતનો રિપોર્ટ આવ્યો છે જે ને પગલે મોરબીના શહેરીજનોમાં રાહતની લાગણી ફેલાઈ છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.