આજે અને કાલે ગરમીનુ જોશ રહેશે: રાજકોટ, અમરેલી, પોરબંદર, જુનાગઢ અને કચ્છમાં ગાજવીજ સાથે વરસાદ પડવાની સંભાવના જગતાતની ચિંતા વધી
સૌરાષ્ટ્ર-કચ્છ સહિત રાજયભરમાં ફરી માવઠાની આગાહી આપવામાં આવી છે. સોમવાર અને મંગળવારે રાજયના અલગ અલગ વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસી શકે છે. આજે અને આવતીકાલે ગરમીનું જોર રહેશે.
વેસ્ટર્ન ડિસ્ટબન્સ ઉદભવવાના કારણે આગામી સોમવારે સૌરાષ્ટ્રમાં રાજકોટ, અમરેલી, પોરબંદર, કચછ ઉપરાંત બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહેસાણા, છોટા ઉદેપુર, તાપી અને ડાંગ જિલ્લાના અલગ અલગ વિસ્તારોમાં જયારે 14 માર્ચને મંગળવારના રોજ અમરેલી, રાજકોટ, પોરબંદર, જુનાગઢ, કચ્છ, સુરત, તાપી, દાહોદ, છોટા ઉદેપુર, નર્મદા, ડાંગ, નવસારી જિલ્લામાં માવઠાની આગાહી આપવામાં આવી છે. આગામી બે દિવસ ગરમીનું જોર રહેશે. મહત્તમ તાપમાનમાં બે થી ત્રણ ડિગ્રીનો ઉછાળો આવશે.
ચાલુ સપ્તાહે પણ હોળીના પર્વે સતત ત્રણ દિવસ સુધી રાજયના અલગ અલગ વિસ્તારોમાં કમોસમી વરસાદ પડયો હતો. ખેડુતોને પારાવાર નુકશાની વેઠવી પડી હતી. રાજય સરકાર દ્વારા માવઠાથી થયેલી નુકશાનીનો સર્વ કરવા આદેશ આપવામાં આવ્યો છે. દરમિયાન સર્વ પુરો થાય તે પૂર્વ ફરી માવઠાની આગાહી આપવામાં આવી છે. માવઠાની આગાહીના કારણે ખેડુતો માટે કેટલીક ગાઇડ લાઇન જાહેર કરવામાં આવી છે.
કમોસમી વરસાદથી થતા પાક નુકશાનીથી બચવા માટે ખેડુતોના ખેત ઉત્પાદિત પાક, ખેતરમાં કાપણી કરેલ પાક ખુલ્લા હોય તો તેને તાત્કાલીક સલામત સ્થળે ખસેડવાની કાર્યવાહી કરવી, અથવા પ્લાસ્ટિક/તાડપત્રીથી યોગ્ય રીતે ઢાકી દેવું અને ઢગલાની ફરતે માટીનો પાળો બનાવી વરસાદનું પાણી ઢગલાની નીચે જતું અટકાવવું.જંતુનાશક દવા અને ખાતરનો ઉપયોગ આ સમયગાળા પુરતો ટાળવો, ખાતર અને બિયારણના વિક્રેતાઓએ જથ્થો પલળે નહી તે મુજબ ગોડાઉનમાં સુરક્ષિત રાખવા અને એ.પી.એમ.સી.મા વેપારી અને ખેડુત મિત્રોએ કાળજી રાખી આગોતરા સાવચતીના પગલા લેવા અનુરોધ કરવામાં આવે છે. એ.પી.એમ.સી.મા અનાજ અને ખેતપેદાશો સુરક્ષિત રાખવા. એ.પી.એમ.સી.મા વેચાણ અર્થે આવતી પેદાશો આ દિવસો દરમિયાન ટાળવી અથવા સુરક્ષિત રાખવા.
આ અંગે વધુ જાણકારી કિસાન કોલ સેન્ટર ટોલ ફ્રી નંબર 18001801551 નો સંપર્ક કરવા જણાવાયું હતું.