ચાલુ સાલ ચોમાસાની સીઝનમાં અપુરતા વરસાદના કારણે જળાશયોમાં પાણીની ખાસ આવક થવા પામી નથી. આવામાં પાણીનો કરકસરયુકત ઉપયોગ જરૂરી બન્યો છે. ભુતીયા નળકનેકશન, ડાયરેક પમ્પીંગ સહિતની પ્રવૃતિઓ દ્વારા થતી પાણીચોરી અટકાવવા માટે મ્યુનિ.કમિશનર બંછાનિધી પાની દ્વારા વોર્ડ વાઈઝ ટીમની રચના કરવામાં આવી છે અને ૧૨૬ જેટલા કર્મચારીઓને જવાબદારી સોંપવામાં આવી છે.

અલગ-અલગ ટીમો દ્વારા ચેકિંગ દરમિયાન ડાયરેક પમ્પીંગ કે ભુતીયા નળજોડાણ પકડાશે તો મોટર જપ્ત કરી રૂ.૨ હજારનો વહિવટી ચાર્જ વસુલ કરવામાં આવશે. ભુતીયા નળકનેકશન રેગ્યુલાઈઝડ કરવા માટે ધોરણસરનો ચાર્જ ઉપરાંત ૩૦૦૦નો વહિવટી ચાર્જ વસુલ કરવામાં આવશે.

બીજી વખત ભુતીયુ પકડાશે તો ૫૦૦૦નો વહિવટી ચાર્જ વસુલાશે અને આસામી વિરુઘ્ધ પબ્લીક પ્રોપર્ટી ડેમેજ કરવા તેમજ પાણીચોરી અંગે પોલીસ ફરિયાદ કરવામાં આવશે. ચેકિંગ દરમિયાન પાણીની ગુણવતા તપાસવા માટે કલોરોસ્કોપ સાથે રાખી પાણીની ગુણવતાનું ચેકિંગ કરવામાં આવશે. વોર્ડ ઓફિસ કે કોલ સેન્ટરમાં આવતી પાણીચોરીની ફરિયાદ કે ડાયરેક પમ્પીંગની ફરિયાદનું નિવારણ કરવાનું રહેશે. પાણીનો બગાડ કરતો કોઈ આસામી માલુમ પડે તો તેની પાસેથી રૂ.૨૫૦ દંડ વસુલ કરવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.