જવાબદારો સામે તપાસ કરી શિક્ષાત્મક પગલાની પ્રમુખ બોદરે દોઢ વર્ષ પૂર્વે કરી હતી માંગ

રાજકોટ જિલ્લા પંચાયત સંકુલમાં સી.સી.રોડનું કામ અંતે નબળું સાબિત થયું છે. રાજકોટ જિલ્લા પંચાયતના પ્રાંગણમાં સી.સી રોડના કામ બાબતે જવાબદારો સામે તપાસ કરી શિક્ષાત્મક પગલા લેવા પ્રમુખ ભૂપતભાઈ બોદર દ્વા2ા દોઢેક વર્ષ પૂર્વે સરકારમાં રજૂઆત કરવામાં આવી હતી, આ મુદ્દે સરકારી રાહે ચાલતી તપાસમાં અંતે રોડનું કામ નબળુ હોવાનું પૂરવાર થયું છે અને કોન્ટ્રાક્ટરને નીર્મિત સી.સી. રોડને બદલે નવેસરથી રોડનું નિર્માણ કરવાનો સરકારે આદેશ કર્યો છે.

જિલ્લા પંચાયતના પ્રમુખ તરીકે ભૂપતભાઈ બોદરે 23 માર્ચ 2021ના રોજ ચાર્જ સંભાળ્યો હતો. ચાર્જ સંભાળ્યાના એક સપ્તાહમાં જ જિલ્લા પંચાયતના સંકૂલમાં કોંગ્રેસના શાસનમાં થયેલા સી.સી. રોડના કામની પોલ તેમણે ખોલી હતી. આ મુદ્દે જે તે સમયે ભૂપતભાઈ બોદર દ્વારા સરકારમાં ફરિયાદ કરવામાં આવી હતી જેને ગ્રાહ્ય રાખવામાં આવી હતી.

સરકાર દ્વારા પણ આ સમગ્ર પ્રકરણની તપાસ ગુણવતા નિયમન વિભાગને સોંપવામાં આવી હતી જેનો રિપોર્ટ આવતા એ રિપોર્ટમાં ધારા ધોરણ મુજબ કામ થયેલું ન હોવાથી કોન્ટ્રાક્ટર એજન્સી પાસે નવેસરથી રજૂઆત કરી છે.

કોન્ટ્રાક્ટર એજન્સીને નવેસરથી રોડ બનાવી આપવા અન્યથા પેમેન્ટ અટકાવવા સરકારે આદેશ આપ્યો છે. પ્રમુખ ભૂપત બોદરની સફળ રજૂઆત બાદ આશરે દોઢ વર્ષ બાદ આ કાર્યવાહીનો આદેશ કરાયો છે.

તંત્ર દ્વારા ગુણવતા યુક્ત સી.સી.રોડ તૈયાર કરવાનો આદેશ કરવામાં આવ્યો છે. વધુમાં જ્યાં સુધી એજન્સી દ્વારા સી.સી.રોડની સંતોષકારક કામગીરી પૂર્ણ નહીં કરવામાં આવે ત્યાં સુધી તેને ચૂક્વણું ન કરવાની પણ સૂચના આપવામાં આવી છે. રોડના કામના આ ભ્રષ્ટાચારમાં માત્ર કોન્ટ્રાક્ટર એજન્સી જ નહીં પરંતુ તેમાં સંડોવાયેલા તમામ લોકો સામે શિક્ષાત્મક પગલા લેવામાં આવે તેવી પ્રમુખે અંતમાં માંગ કરી હતી. હવે જોવાનું રહ્યું કે આદેશની કેટલી અને ક્યારે અમલવારી થાય છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.