જે લાભુભાઇ ત્રિવેદીના નામના નેજા હેઠળ આજે ૨૯ સંસ્થાઓ કાર્યરત છે એ લાભુભાઇ પાસે એક સમયે ઘરમાં ખાવાના ધાન પણ ન હતા. આમ છતાં સેવા સમર્પણ અને ત્યાગની ભાવનાને તેઓ એક હઠયોગીની જેમ વળગી રહ્યા હતા. પોતાના ખીસ્સામાં બહુ ઓછી રકમ રાખતા. કેમકે સાદગી એ ગુ‚નું આભૂષણ હતું. આ શબ્દો અબતક સામે વ્યક્ત કરતા જે.જે.કુંડલીયા કોમર્સ કોલેજના ભૂતપૂર્વ વિદ્યાર્થી લલીતભાઇ સોરઠીયાની આંખોમાં ગુરૂની ખુમારી છલકાતી જોઇ શકાતી હતી. લલીતભાઇ સોરઠીયા એવી જુજ વ્યક્તિઓમાંના એક છે કે જેમને ગુરૂ સાથે સતત સહવાસનું સૌભાગ્ય સાંપડ્યું હતું. લલીતભાઇએ વાતચીતમાં જણાવ્યું કે મે ૨૪-૨૪ વર્ષ સુધી ગુરૂને માણ્યા છે. હું કોલેજકાળ દરમિયાન ખૂબ તોફાની છોકરો હતો પણ ગુરૂએ મારી જીંદગીની દીશા બદલી નાખી. ગુરૂએ મારો હાથ ઝાલ્યો ત્યારથી જીવન પ્રત્યેની મારી દ્રષ્ટિમાં આમૂલ પરિવર્તન આવ્યું. હું આજે જે કંઇ પણ છું એ ગુરૂના સાનિઘ્યને આભારી છે.
લલીતભાઇએ ગુરૂ સાથેના સંસ્મરણો વાગોળતા જણાવ્યું છે કે, ગુરૂ કલ્પનાથી ઘણાં આગળ દયાની મૂરત હતા. તેમના રોમ-રોમમાં કરૂણા ભરેલી હતી. અજાતશત્રુ એવા ગુરૂએ ગુરૂ કરતા આઘ્યાત્મિક સંત વધુ હતા. આ જીવન ખાદી પ્રત્યે સમર્પિત રહેનાર ગુરૂનું જીવન ખુબ સાદગીપૂર્ણ હતું. સાયકલ ચલાવી જાણતા ગુરૂ પાસે પોતાનું કોઇ વાહન ન હતું. એ સમયે એક પાકટ વય ધરાવતા રીક્ષા ડ્રાઇવરને ખુદ્દારીભર્યુ જીવન જીવવાના પાઠ શિખવવા માટે હંમેશા તેમની રીક્ષામાં જવાનો આગ્રહ રાખતા. રીક્ષા ડ્રાઇવરને કોઇની પાસે પૈસા માટે લાંબો હાથ ન કરવો પડે એ માટે જ તેઓ પુરૂ ભાડુ આપીને આડકતરી રીતે તેમને મદદ કરતા અને ખાસ ઘ્યાન રાખતા કે એ રીક્ષા ડ્રાઇવરના સ્વાભિમાનને ઠેસ ન પહોંચે. આમ નાનામાં નાના માણસની તેઓ ખેવના કરતા. આ ગુણ તેમની ધર્મ પ્રત્યેની આસ્થામાંથી અવતર્યો હોય તેમ સહુ માનતા.એક વખત તેમના પૂજાના સામાનની ચોરી થઇ ગઇ. તપાસ કરતા જાણવા મળ્યું કે, ભિસ્તીવાડ નામના વિસ્તારના એક નામચીન શખ્સે એ સામાન ચોરી કરી છે. પોતાનો પૂજાનો સામાન પરત મેળવવા તેઓ સ્વયં એકલા ભિસ્તીવાડ પહોંચ્યા, ચોરી કરનાર શખ્સને પૂજાનો સામાન પરત કરવા માટે જ્યારે સમજાવ્યો અને પોતે તે સામાન પરત લઇને જ જશે તેવો આગ્રહ રાખ્યો ત્યારે એ સમયે ભિસ્તીવાડના એ નામચીન શખ્સે ગુરૂને પૂજાનો સામાન પરત કર્યો હતો અને એ વિસ્તારમાં હિંમતભેર એકલા પહોંચી જવાની તેમની ખુમારીને બિરદાવી હતી.
લલીતભાઇ સોરઠીયા પાસે ગુરૂ સાથેના આવા સંસ્મરણોનો અખૂટ ખજાનો છે. કેમકે તેઓ ગુરૂને સાવ નજીકથી પીછાણતા હતા. તેઓએ થોડા ખિન્ન હૃદય સાથે જણાવ્યું કે, ગુરૂનો લાભ ઘણા બધાએ લીધો પણ ગુરૂએ કોઇનો લાભ ક્યારેય ન લીધો. લાભુભાઇનો પુત્ર રાજકોટ મ્યુનિસીપાલ્ટીમાં સામાન્ય કલાર્કની નોકરીમાં જીવન વિતાવે છે. એમને પણ ક્યારેય ગુ‚ની આટલી બધી સેવાકીય, શૈક્ષણિક સંસ્થાઓનો લાભ ઉઠાવવાની તસ્દી શુઘ્ધાં નથી ઉઠાવી. ગુરૂને એ સમયે શૈત્રણિક સંસ્થાઓ શરૂ કરવાની એક ધૂન સવાર થયેલી. ટ્રસ્ટોની સ્થાપના કરતા સમયે તેમાંથી સ્વયં લાભ લેવાની ખેવના ક્યારેય કરી નહીં. માત્ર પગાર ઉપર જ પોતાનું જીવન નિર્વાહન કરતા. આમ છતાં ઘણીવખત રાજકીય ક્ધિનાખોરી રાખી ઘણાં લોકો તેમના ઉપર આક્ષેપો કરતા પણ હું જાણું છું કે, તેઓનું ઘર સાવ ખાલીખમ્મ હતું. એમના બેંક એકાઉન્ટમાં નામ માત્રની સિલક રહેતી. પોતાના ઉપર આક્ષેપો કરનાર પ્રત્યે તેમણે ક્યારેય દ્રેષભાવ નથી રાખ્યો. આમ કહેતા લલીતભાઇએ ઉમેર્યુ કે તેઓ ચુસ્ત કોંગ્રેસી હતા. આમ છતાં આર.એસ.એસ., કોંગ્રેસ કે બીજી કોઇપણ વિચારધારા સાથે સંકળાયેલી વ્યક્તિને મદદ કરવા તેઓ હંમેશા તત્પર રહેતા. કેમકે સેવાને સ્વાર્થ સાથે સંબંધ જ ન હોય એવુ એ બહુ જ દ્રઢતાપૂર્વક માનતા.યુવાનોમાં નેતૃત્વનો ગુણ વિકસે એ માટેના તેમના પ્રયત્નોને કારણે યુવાનેતાઓની એક આગવી હરોળ ઉભી થઇ. જેમાં શાંતાબેન ચાવડા, સુરેશ સેતા, સુધીર જોષી, દિલીપ પટેલ જેવા અસંખ્ય નામો તેમણે ઉભી કરેલી નેતાગીરીમાં ગણી શકાય.
તત્કાલીન ચિમનભાઇ પટેલની સરકારમાં મનસુખભાઇ જોષીને મંત્રી બનાવડાવવામાં પણ તેઓનું યોગદાન રહ્યું છે. નેતાઓની આગલી હરોળ ઉભી કરવામાં પોતે હંમેશા પડદા પાછળ રહીને નિર્લેપભાવે કાર્ય કરતા. એમનું જીવન અલગારી ઓલીયા જેવું રહ્યું છે. જીવનમાં હંમેશા બધાને આપ્યું જ છે. મેળવવાની ખેવના તેમણે નથી રાખી, કેમકે તેમનો નિયમ અને સિઘ્ધાંત એક રીતે જોઇએ તો ‘વનવે’ જેવો રહ્યો છે. લોકોને આપવું એ તેમની ‘પ્રકૃતિ’ રહી પણ લોકો પાસેથી કંઇક સ્વીકારવું તેવી ‘વિકૃતિ’ને એમના જીવનમાં સ્થાન ન હતું.
લલીતભાઇ સોરઠીયાએ મુલાકાત પૂર્ણ કરતા પહેલા જણાવ્યું હતું કે, લાભુભાઇ ગુ‚ વિશેની આવી વાતો મુખમાંથી ન નીકળે, લાભુભાઇ દિલમાં રહે છે એટલે દિલમાંથી જ નીકળે.