- સરહદી કચ્છમાં રણ નહીં પરંતુ હવે વન પણ જોવાલાયક નજરાણું બન્યું
- 2021થી 2023 સુધીમાં રૂ.10 લાખથી વધુ વૃક્ષોને વાવીને ઉછેરાયા: ગ્રીન બેલ્ટ બનેલા આ વનમાં ત્રણ ફેઝમાં 40 લાખ વૃક્ષોનું વાવેતર કરાશે
- મિયાવાકી વનમાં 117 પ્રકારના વિવિધ વૃક્ષો પર્યટકો માટે બન્ય આકર્ષણ
વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના વિકાસના વિઝન થકી ભુજના ભુજીયા ડુંગરમાં ભૂકંપના દિવગંતોની યાદમાં બનેલા સ્મૃતિવન સાથે વિશ્વનુ સૌથી મોટું મિયાવાકી વન ઉભું કરાયું છે. જે આજે ટુરીસ્ટો માટે આકષર્ણનું કેન્દ્ર બનવા સાથે ભુજ માટે ગ્રીન ફેફસાની ગરજ સારી રહ્યું છે.
સ્મૃતિવનના લોકાપર્ણ સમયે વડાપ્રધાનએ આ વનમાં વૃક્ષારોપણ કરીને આ સમગ્ર મિયાવાકી વન વિશેની રસપ્રદ માહિતી મેળવી હતી. વર્ષ 2021 થી વર્ષ 2023 સુધી આ વનમાં સરકાર અને ખાનગી સંસ્થા, કંપનીઓના સહિયારા પ્રયાસથી પ્રથમ ફેઝમાં 3.90 લાખથી વધુ વૃક્ષોનું વાવેતર કરાઇ ચુક્યું છે. હજુપણ આ વાવેતર જારી છે. જયારે બાકીના બે ફેઝ મળીને કુલ 40 લાખ વૃક્ષો ભુજીયાની ગોદમાં ઉછેરીને ઘટાદાર જંગલ ઉભું કરાશે.
આ વનની ખાસિયત એ છે કે, આ વનમાં ફળાઉ વૃક્ષોથી માંડીને ઔષધીય છોડ, ફૂલોના છોડ તથા અન્ય તમામ પ્રકારના વૃક્ષોનું વાવેતર કરાયું છે. કુલ મળીને 117 પ્રકારના વૃક્ષોની જાતનો ઉછેર કરવામાં આવી રહ્યો છે. જેમાં આમળા,નાગ ચંપા,સપ્તપર્ણી, ગુલમહોર,બ્લેક જામુંન, સેતુર, શરૂ, ગરમાળો, કંદમ, સિસમ, ખાટી આંમલી, બેહડા, નીમ, પેરૂ, મેંગો, બામ્બુ, સીતાફળ,દાડમ, કરંજ, બંગાળી બાવળ, સરગવો, કાજુ, બદામ, રાયણ, સિંદુર, પારીજાત, લીબુ, પલાશ, બિલ્વ પત્ર, અર્જૂન , મહોંગની, રામફળ, લક્ષ્મણ ફળ, લેમન ગ્રાસ, જેકફ્રૂટ, પીપળો, મલબાર નીમ, રૂદ્રાક્ષ વગેરે પ્રકારના વૃક્ષો હાલ મિયાવાકી વનની શૌભા વધારી રહ્યા છે. આગળના બે ફેઝમાં પણ આ પ્રકારના વૃક્ષોનું રોપણ કરીને જંગલ વિસ્તારને વધુ ગાઢ બનાવાશે. શું છે મિયાવાકી વન પધ્ધતિ ?
જાપાનના 91 વર્ષીય બોટેનિસ્ટ ડો.અકીરા મિયાવાકીએ 40 વર્ષ પહેલા આ ટેક્નીક વિકસાવી હતી. આ ટેક્નીકની મદદથી વિશ્વના અનેક દેશમાં વન ઉભા કરાયા છે. ત્યારે સરહદી કચ્છમાં પણ પર્યાવરણને અનુકૂળ સ્થિતિ ઉભી કરવા વડાપ્રધાનએ ભુજ સ્મૃતિવન ખાતે મિયાવાકી વન ઉભું કરવાની વિચારણા કરી હતી. જેના પરીણામે આજે અહીં 3.90 લાખ વૃક્ષો લહેરાઇ રહ્યા છે અને હજુપણ ડુંગરાળ વિસ્તારમાં ગાઢ વન બનાવવાની પ્રક્રિયા ચાલુમાં છે.
આ અંગે ભુજીયાની ગોદમાં મિયાવાંકી જંગલ તૈયાર કરનાર ડો.આર.કે.નૈયર જણાવે છે કે, આ પધ્ધતિની મદદથી ઉપજાઉ સહિત ઉજ્જડ જમીનમાં પણ આસાનીથી વૃક્ષો વાવી વિકસાવી શકાય છે. જેમાં મુખ્યત્વે ત્રણ પ્રકારના છોડ (ઝાડીઝાંખરાવાળા, મધ્યમ કદના ઝાડ અને છાંયો આપનાર વૃક્ષ) લગાવીને જંગલ ઊભું કરી શકાય છે. જયારે ભારતમાં પાંચ પ્રકારના છોડ લગાવીને જંગલ ઊગાડવામાં આવી રહ્યા છે. જેમાં કેનોપી, ટીમ્બર, છોડ, ફ્રૂટીંગ તથા ફલાવર એમ પાંચ પ્રકાર છોડ સાથે ઊગાડવામાં આવે છે. ભુજીયા ડુંગરમાં આ જ પધ્ધતિથી વાવેતર કરાયું છે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, છેલ્લા દોઢ વર્ષમાં આ વન તૈયાર થયા બાદ અહીંના વિસ્તારમાં 6 થી 7 ડીગ્રી તાપમાન ઓછું જોવા મળે છે. ડોકટર સામાન્ય રીતે આરોગ્ય સુધારા માટે માસમાં એકવખત ફોરેસ્ટ બાથ લેવાનું કહેતા હોય છે ત્યારે ભુજમાં ઘર આંગણે તૈયાર થયેલા વનમાં 8 કિ.મીનો વોક-વે બનાવાયો છે. જેમાં અનેક લોકો મોર્નિંગ અને ઇવનીંગ વોક કરીને સ્વાસ્થય સુધારી રહ્યા છે. કાર્બન મુકત વાતાવરણના કારણે અહીંનું વાતાવરણ પ્રફુલ્લિત કરનારું છે. અહીં વન વચ્ચે બનેલા 50 ચેકડેમમાં વરસાદના પાણીના સંગ્રહથી તેમાં કુદરતી રીતે માછલી તથા કાચબા પણ જોવા મળ્યા છે. વડાપ્રધાનના વિકાસના વિઝન થકી સરહદી કચ્છમાં માત્રમાં રણ નહીં પરતું પ્રવાસીઓ માટે વન પણ જોવાલાયક નજરાણું બન્યું છે.
આ રીતે તૈયાર કરી શકાય મિયાવાકી વન
આ પધ્ધતિમાં ખાસ ધ્યાનમાં રાખવા જેવી બાબત એ છે કે, જે પણ જમીનમાં છોડ ઊગાડવામાં આવી રહ્યો છે તે ત્યાંની આબોહવાને અનુકૂળ હોવો જોઇએ, જે જમીન પર વન ઉભું કરવાનું છે તેની માટી તપાસ કરીને તેને અનુકૂળ છોડના બીજ નર્સરીમાં વાવીને નાના છોડ તૈયાર કરી લો, અથવા નર્સરીમાંથી સીધા છોડ ખરીદો છો તો તે મૂળ પ્રજાપતિનો છોડ હોવો જોઇએ. ત્યારબાદ માટીની ફળદ્રુપતા સુધારવા માટે તેમાં છાણ, રાઇસ, ગૌ મુત્ર, વર્મી કમ્પોસ્ટ અથવા નાળિયેરની છાલ(કોકોપીટ) નાખીને ઉપર માટી નાખી દો અને છોડને એક થી દોઢ ફીટના અંતરે ત્રિકોણ આકારમાં ત્રણ ફુટ ખાડો ખોદીને માટીમાં વાવો. આમ પાંચ પ્રકારના છોડ વાવવાથી તેઓ એકબીજાને વધવામાં અને જમીનની ભીનાશ કાયમ રાખવામાં મદદ કરે છે. છોડને લગાવ્યા પછી તેની આસપાસ ઘાસ કે પાંદડા નાખી દો જેથી તડકાને કારણે માટીની ભીનાશ ખતમ ન થઇ જાય, આમ, મિયાવાકી જંગલનું પ્રાથમિક માળખું તૈયાર થઇ જાય છે. નિયમિત પાણી આપીને આ પધ્ધતિમાં માત્ર ત્રણ વર્ષ સુધી આ જંગલની સારસંભાળ કરવાની રહે છે. ચોથા વર્ષમાં તે ખુદ આત્મનિર્ભર જંગલની જેમ વિકસિત થઇ જાય છે.
મિયાવાકી વન તૈયાર કરવાના ફાયદા
ડો.આર.કે.નૈયર જણાવે છે કે, આ ટેકનીકની મદદથી એકદમ ઓછા ખર્ચમાં છોડને 10 ગણી ઝડપથી ઊગાડવાની સાથે 30 ગણું વધુ ગાઢ બનાવી શકાય છે, અલગ અલગ પ્રકારના છોડને પાસપાસે ઊગાડવાથી તેના પર મોસમની ખરાબ અસર પડતી નથી અને ગરમીમાં ભીનાશ ઓછી થતી નથી અને તે બારેમાસ તે લીલાછમ રહે છે. છોડનો ઉછેર બમણી ગતિએ થાય છે અને 3 વર્ષ પછી તેની દેખરેખ પણ રાખવી પડતી નથી.ઓછી જગ્યામાં લાગેલા લીલાછમ ઝાડ ઓકિસજન બેન્કની જેમ કામ કરે છે. લૂપ્ત થવાના આરે પહોંચેલા પક્ષીઓ,કીટકો તેમજ જીવજંતુઓનું સંરક્ષણ કરી શકાય છે.
ઉપરાંત આ કીટકો, પક્ષીઓ થકી પોલીનેશન વધવાથી આસપાસના ખેડૂતોને પાકના ઉત્પાદનમાં ફાયદો થાય છે. તેમજ જળસ્તર ઉંચા આવે છે. દરેક પ્રકારના ઝાડ એક સાથે હોવાથી બાયો ડાયવર્સીટીમાં વધારો થાય છે. આ ટેકનિકનો ઉપયોગ વન ક્ષેત્ર સાથે ઘરની આસપાસ પણ કરી શકાય છે.