ફૂલછાબ માનવ સેવા ટ્રસ્ટ, નવરંગ નેચર ક્લબ અને ફનસ્ટ્રીટના સંયુક્ત ઉપક્રમે પી.ડી. માલવીયા કોલેજ ખાતે શેરી રમત સ્પર્ધા યોજાઈ: ૧૪થી વધુ શાળાના ૮૦૦ બાળકોએ શેરી રમતની મોજ માણી
મોબાઈલ ફોન, લેપટોપ, વિડિયો ગેમ્સના યુગમાં બાળકો શેરી રમતો અને કંઈક અંશે પ્રકૃતિથી વિમુખ થઈ ગયા છે. લંગડી, થાપો,કોથળા દોડ, લીંબુ ચમચી, ટાયર, લાકડા જુલમડી કે ખુચામણીની રમતો રમવી હોય તો પણ હવે મોકળાશવાળી શેરી-ગલ્લીઓ ક્યાં શોધવી? એવી એક રમત હતી આંબલી-પીપળીની. રાજકોટ જેવા શહેરમાં પણ એક સમયે ઘર આંગણે વૃક્ષો હતા અને બાળકો વૃક્ષો પર ચડી અને ધીંગામસ્તી કરતા.
શહેરી વિસ્તારમાં હવે રમત તો માત્ર ભૂતકાળની યાદોમાં રહી ગઈ છે. ત્યારે બાળકોને મોબાઇલેમાંથી થોડા બહાર કાઢી ફૂલછાબ માનવ સેવા ટ્રસ્ટ, નવરંગ નેચર ક્લબ અને ફનસ્ટ્રીટના સંયુક્ત ઉપક્રમે પી.ડી.માલવીયા કોલેજ ખાતે શેરી રમત સ્પર્ધા યોજવામાં આવી હતી. જેમાં રાજકોટની જુદી જુદી ૧૪ સ્કૂલના ૮૦૦થી વધુ બાળકોએ લંગડી, કોથળા દોડ, લીંબુ ચમચી, ટાયર દોડ સહિતની રમતની મન મૂકી મોજ માણી હતી.
આ કાર્યક્રમમાં ફૂલછાબના તંત્રી કોશિકભાઈ મહેતા, નવરંગ નેચર ક્લબના પ્રમુખ વી.ડી.બાલા, ઉપપ્રમુખ અર્જુનભાઇ ડાંગર, પંચશીલ સ્કૂલના સંચાલક ડી.કે. વડોદરિયા, પી.ડી.એમના ટ્રસ્ટી ઘનશ્યામભાઈ હેરમાં સહિતનાઓ ઉપસ્થિત રહ્યા હતા.
કબડ્ડી રમવાથી મારામાં ઉર્જા આવી: વિદ્યાર્થિની
પંચશીલ સ્કૂલની ધો.૮માં અભ્યાસ કરતી વિદ્યાર્થીની ચોટલીયા ગુંજને ’અબતક’ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, આજે હું કબડી રમત રમી અને ખૂબ જ મજા આવી અને એવી જ ઈરછા છે કે આવી
રમતોનું આયોજન વારંવાર થાય અને જેથી મારા જેવા બાળકોને વધુ પ્રેરણા મળે અને શેરી રમત તરફ પ્રોત્સાહન મળે. અગાઉ મેં આવી રમત નથી રમી અને હવે હું શેરી રમત નિયમિત રમીશ અને આજે કબડી રમવાથી મારામાં ઉર્જા આવી અને મારા ઘર પાસે હવે હું મિત્રોને પણ આવી રમતો રમવા પ્રેરણા આપીશ.
બાળપણનો નિજાનંદ મોબાઇલ ગેમ્સના કારણે માણી શકાતો નથી: કૌશિકભાઇ મહેતા
ફૂલછાબના તંત્રી કૌશિકભાઈ મહેતાએ ’અબતક’ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, નવરંગ નેચર ક્લબ અને ફનસ્ટ્રીટ લોક જાગૃતિના કાર્યોમાં હર હમેશ મોખરે રહેતા હોય છે. ત્યારે રવિવારે પીડીએમ કોલેજ ખાતે ૧૪ સ્કૂલના કુલ ૮૦૦થી વધુ બાળકોએ શેરી રમત રમ્યા હતા. શેરીઓમાં રમતી રમતોમાં કોથળા દોડ, ટાયર ફેર, લીંબુ ચમચી સહિતની રમતો રમાડવામાં આવી હતી. રમત રમતા બાળકોનો કંઈક અલગ જ મિજાજ જોવા મળ્યો હતો. શેરીઓમાં રમાતી જુની રમતોમાં બાળપણની જે મજા અને નિજાનંદ રહેલો છે તે આજે મોબાઇલ ગેમ્સના કારણે બાળકો માણી શકતા નથી. એટલે વાલીઓને પણ સજાગ થવાની જરૂર છે જો કે મોબાઈલ આ યુગમાં સારી ટેકનોલોજી છે પણ તેનો સદઉપયોગ થાય તે પણ જરૂરી બન્યું છે.
આંગણે રમાતી રમતો અલીપ્ત: વી.ડી.બાલા
નવરંગ નેચર ક્લબના પ્રમુખ વી.ડી.બાલાએ ’અબતક’ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, આંગણે રમાતી રમતો અલિપ્ત થઇ ગઈ છે ખોવાઈ ગઈ છે શેરી ઓ સુની થઇ ગઈ છે. રમતો વિસરાઈ ગઈ છે. ત્યારે બાળકો શેરી રમત તરફ વળે તે માટે ફૂલછાબ માનવ સેવા ટ્રસ્ટ, નવરંગ નેચર ક્લબ અને ફનસ્ટ્રીટના સંયુક્ત ઉપક્રમે પીડીએમ કોલેજ ખાતે શેરી રમતનું આયોજન કરવામાં આવ્યું હતું. અગાઉ પણ આવી શેરી રમતોને પ્રોત્સાહન મળે તે માટે આવા આયોજનો કર્યા છે અને ભવિષ્યમાં પણ આવા કાર્યક્રમો કરતા રહેશું.