લઠ્ઠાકાંડ સતત વરસાદ અને રોગચાળા સહિતના મુદ્દાઓ પણ ચર્ચા થઇ
મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલના અઘ્યક્ષ સ્થાને આજે સવારે ગાંધીનગર ખાતે રાજય સરકારના મંત્રી મંડળના સભ્યોની બેઠક મળી હતી. જેમાં વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના આગામી ર8 અને ર9મીના રોજ ગુજરાતના પ્રવાસ સહિતના મુદ્દાઓ પર ચર્ચાઓ કરવામાં આવી હતી. રાજયમાં પશુધનમાં ફાટી નીકળેલા લમ્પી વાયરસને ડામવા પણ કેબીનેટમાં ચર્ચા થઇ હતી. લઠ્ઠાકાંડ પર પણ ચર્ચા કરી દોષીતો સામે આકરી કાર્યવાહી કરવાની ચર્ચા થઇ હતી.
દર બુધવારે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલની અઘ્યક્ષતામાં રાજય સરકારના મંત્રી મંડળના સભ્યોની એક બેઠક મળશે. જેમાં રાજયની વર્તમાન સ્થિતિ અંગે ચર્ચાઓ કરવામાં આવે છે. આ ઉપરાંત કોઇ મોટી જાહેરાત કરવા અંગે પણ કેબિનેટમાં નિર્ણય લેવામાં આવે છે આજે સવારે મુખ્યમંત્રીની અઘ્યક્ષતામાં મળેલી કેબિનેટમાં વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના આગામી ર8 અને ર9મી જુલાઇના ગુજરાત પ્રવાસને લઇ તેની તૈયારીઓ સંદર્ભે કેબિનેટમાં ચર્ચા કેન્દ્ર સ્થાને રહી હતી. છેલ્લા ઘણા સમયથી રાજયમાં પશુધનમાં લમ્પી વાયરસે હાહાકાર મચાવ્યો છે. લમ્પી વધુ વકરતો અટકાવવા પગલા લેવા, કોરોનાના બુસ્ટર ડોઝની કામગીરીને વધુ વેગવાન બનાવવા, રાજયમાં જુલાઇમાં ધાર્યા કરતા વધુ વરસાદ અને સતત વરસાદી વાતાવરણના કારણે રાજયમાં ફાટી નીકળેલા રોગચાળા, લઠ્ઠાકાંડમાં 41 વ્યકિતના મોત નિપજયા હોય આ ઘટનામાં જવાબદારો સામે આકરા પગલા લેવા સહિતના મામલે ચર્ચાઓ કરવામાં આવી છે. ગુજરાત વિધાનસભાની ચુંટણીના આડે હવે આંગળીના વેઠે ગણી શકાય તેટલા મહિનાઓ જ બાકી રહ્યા છે ત્યારે રાજય સરકાર પણ હવે ચૂંટણી મોડમાં આવી ગઇ છે. કેબિનેટમાં ધડાધડ જન હિતકારી નિર્ણયો લેવામાં આવી રહ્યા છે. આજે કેબિનેટની બેઠકમાં વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી.