- 91 હજારથી વધુ ગાયોમાં રસીકરણ કરાયું કચ્છ જિલ્લામાં 60થી વધુ ટીમ સ્ટેન્ડબાય
- કચ્છના 316, જામનગરના 133, મોરબીના 61 તેમજ રાજકોટના 26 સહિત કુલ 536થી વધુ ગામડાંઓમાં પશુઓમાં વધતા ઓછા પ્રમાણમાં લમ્પીના લક્ષણો જોવા મળ્યા
લમ્પી સ્કિન ડીસીઝથી અત્યાર સુધીમાં સૌરાષ્ટ્ર-કચ્છમાં કુલ 1 હજારથી વધુ પશુઓના સત્તાવાર મોત નીપજ્યા છે. હાલની સ્થિતિ મુજબ 536 ગામડાંઓ એવા છે કે, જ્યાં પશુઓમાં વધતા ઓછા પ્રમાણમાં લમ્પીના અંશો જોવા મળી રહ્યા હોય માલધારીઓમાં ગભરાટ ફેલાયો છે. કચ્છ જિલ્લામાં આ વાયરસનો સૌથી વધુ કહેર જોવા મળી રહ્યો છે. કચ્છમાં લગભગ 26 હજારથી વધુ પશુઓ હાલમાં સારવાર હેઠળ છે જયારે 91 હજારથી વધુ ગાયોમાં રસીકરણ કરવામાં આવ્યું છે. જિલ્લામાં 60થી વધુ ટિમ સ્ટેન્ડબાય રાખવામાં આવી છે જે સતત રાત દિવસ કામ કરી રહી છે તેમ કચ્છ જિલ્લાના પશુપાલક નિયામકએ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યુ હતું.બીજી તરફ તંત્ર દ્વારા દુધાળા પશુઓમાં લમ્પી અટકાવવા વેટરનિટી તબીબોની ટુકડીઓ દ્વારા ડોર ટુ ડોર પશુઓનો સર્વે તેમજ વેક્સિનેશનની કામગીરી શરૂ કરવામાં આવી છે.
સૌરાષ્ટ્ર-કચ્છના સંયુક્ત પશુપાલન નિયામક ડો.બી.એલ.ગોહિલે જણાવ્યું હતું કે, ગ્રામ્યસ્તરે દુધાળા પશુઓ ખાસ કરીને ગાયમાં લમ્પી સ્કિન ડીસીઝ નામનો વાઇરસ ફેલાયો છે ત્યારે અત્યાર સુધીમાં સત્તાવાર રિપોર્ટ અનુસાર સમગ્ર સૌરાષ્ટ્ર કચ્છમાં 1 હજારથી પશુઓના મૃત્યુ થયા છે, જેને લઇને તંત્ર દ્વારા વિશેષ પગલાં ભરવામાં આવી રહ્યા છે.
કચ્છના 316, જામનગરના 133, મોરબીના 61 તેમજ રાજકોટના 26 સહિત કુલ 536થી વધુ ગામડાંઓમાં પશુઓમાં વધતા ઓછા પ્રમાણમાં લમ્પીના લક્ષણો જોવા મળ્યા છે.ગુરૂવારે 126 ગાયોમાં લમ્પીના અંશો જોવા મળ્યા બાદ શુક્રવારે વધુ 46 પશુમાં લમ્પી ડિટેક્ટ થયાના પગલે માલધારીઓમાં ગભરાટ ફેલાયો છે. રાજકોટ જિલ્લામાં અત્યાર સુધીમાં 28,850 પશુઓમાં વેક્સિનેશન કરવામાં આવ્યું છે.
- ઘરેલું ઉપચાર
હળદર, કાળી જીરી, કાળી મરી, ગોળ, કડવો લીમડો અને ઘી, બે લીટર પાણીમાં નાંખીને ઉકાળો કરવો અને એ ઉકાળો ઠંડો થયા પછી પશુને દિવસમાં એક વખત આપવો. આ ઉકાળો પાંચ-છ દિવસ દરરોજ આપવો તથા એક ડોલ ગરમ પાણી કરીને તેમાં ફટકડીનો પાવડર ઓગાળીને પશુને દિવસમાં દરરોજ એકવાર નવડાવવું.
- કચ્છમાં કરૂણા ફાઉન્ડેશનની 5 ટીમ તૈનાત
કચ્છ જિલ્લામાં લમ્પી વાયરસનો સૌથી વધુ કહેર જોવા મળ્યો છે ત્યારે કરુણા ફાઉન્ડેશન રાજકોટની 5થી વધુ કચ્છ જિલ્લામાં કાર્યરત છે. અને લગભગ એક જ દિવસમાં 360થી વધુ ગાયોનું વેક્સિનેશન અને સારવાર કરી હતી.
- રાજકોટ જિલ્લા પંચાયતે હેલ્પલાઇન નંબર જાહેર કર્યો
દુધાળા પશુઓમાં લમ્પી વાઇરસ પ્રસરી રહ્યો છે ત્યારે જિલ્લામાં રસીકરણની વ્યવસ્થા કરવામાં આવી છે. આ કામગીરી માટે સહકારી ડેરીની પણ મદદ મળી રહી છે. જિલ્લાના 594 ગામોના કોઇપણ માલધારી, ખેડૂત લમ્પીને લઇને ટેલિફોનિક ફરિયાદ નોંધાવી શકે તે માટે ખાસ હેલ્પલાઇન નંબર 0281-2444426 જાહેર કરવામાં આવ્યા છે.
- રાજકોટ જિલ્લામાં 49 ટીમોએ વેક્સિન 28 હજારથી વધુ ડોઝ આપ્યા
રાજકોટ જિલ્લામાં પડધરી, લોધિકા, જસદણ, ગોંડલ તેમજ રાજકોટ તાલુકા વિસ્તારમાં કેસ વધુ જોવા મળતાં હોય, આ વિસ્તારોમાં 49 ટીમો દ્વારા 28 હજારથી વધુ વેક્સિનના ડોઝ છેલ્લા 11 દિવસમાં અપાઇ ચુક્યા હોવાનું ડો.ખાનપરાએ જણાવ્યું હતું. આ ઉપરાંત 1962 મોબાઇલ પશુ દવાખાનાને પણ લમ્પી વાયરસથી અસરગ્રસ્ત પશુઓની સારવારમાં જોડી દેવામાં આવ્યા છે. આ ઉપરાંત સહકારી સંસ્થાઓ, ડેરીઓ પણ પશુઓને વેક્સિનેશન કાર્યક્રમમાં જોડાયેલા હોવાનું પશુપાલન અધિકારીએ જણાવ્યું હતું.
- લમ્પી વાયરસ અટકાવવાના ઉપાયો
- સૌપ્રથમ રોગીષ્ઠ પશુઓને અલગ કરવું અને ચરવા માટે છૂટ્ટુ મૂકવું નહિં
- રોગગ્રસ્ત વિસ્તારમાંથી પશુનું સ્થળાંતર બંધ કરવું.
- માખી-મચ્છર, ઇતરડીનો ઉપદ્રવ અટકાવવા માટે જંતુનાશક દવાનો ઉપયોગ કરવો.
- રસીકરણ કરાવવું.
- આ રોગ વરસાદની ઋતુમાં વધુ જોવા મળતો હોય, વરસાદનું પાણી પશુના રહેણાંકમાં ભરાવો ન થાય તેવી વ્યવસ્થા કરવી.
- પશુને દરરોજ મિનરલ મિસર પાવડર ખવડાવવો જોઇએ જેથી તેની રોગપ્રતિકારક શક્તિ જળવાઇ રહે.
- દરરોજ પશુઓને નવડાવવા.