ખામધ્રોળ રોડના વેપારીઓ આવારા તત્વો સામે વિરોધ નોંધાવી પોલિસને કરી રજૂઆત
જૂનાગઢના ખામધ્રોળ રોડ ઉપર લુખ્ખા તત્વોની દાદાગીરી અને ગુંડાગર્દી સામે ગઈકાલે વેપારીઓએ બંધ પાળી, વિરોધ નોંધાવી, ગુંડાઓના ત્રાસમાંથી વેપારીઓ અને આ વિસ્તારના લોકોને છોડાવવા એલ.સી.બી.માં રજૂઆત કરી હતી.
જૂનાગઢના ખામધ્રોળ રોડ ઉપર આવેલ એક પાન બીડીના વેપારી ભાવેશ ગીરીશભાઈ રાઠોડ (ઉંમર ૩૫) મંગળવારે દુકાનમાં દીવાબત્તી કરી રહ્યા હતા ત્યારે એક અરમાન નામનો શખ્સ દુકાનમાં ઘૂસી ગયો હતો અને અગાઉ થયેલ કેસમાં સમાધાનના રૂપિયા ત્રણ લાખની માગણી કરી હતી, જે માગણીનો વેપારી ભાવેશ રાઠોડ એ ઇનકાર કરતા, ગુસ્સે ભરાયેલા અરમાને છરી વડે વેપારી ઉપર હુમલો કર્યો હતો અને વેપારીને લોહીલોહાણ કરી દેતા તેને તાત્કાલિક સારવાર માટે દવાખાને લઇ જવામાં આવ્યા હતા
આ બનાવના પગલે ગઈકાલે ખામધ્રોળ રોડ ઉપરના વેપારીઓએ પોતાના ધંધા-રોજગાર બંધ રાખ્યા હતા અને વેપારીઓ એલસીબી કચેરી ખાતે પહોંચી, ખામધ્રોળ રોડ ઉપર ઘણા સમયથી આવારા અને લુખ્ખા તત્વોની દાદાગીરી અને આંતક વધી ગયો હોવાની તથા વેપારીઓને વારંવાર આવા શખ્સો હેરાન પરેશાન કરી, ધાક-ધમકી આપી, મફતમાં માલ લઈ રૂપિયાની પણ માગણી કરતા હોવાની રજૂઆત કરી હતી અને ખામધ્રોમ રોડના વેપારીઓને ગુંડા તત્વોના ત્રાસમાંથી મુક્ત કરવા માંગ કરાઇ હતી.
શહેરના ખામઘ્રોલ રોડ ઉપર ગઈકાલે વેપારીઓએ પાડેલ સજ્જડ બંધ બાદ જુનાગઢ તાલુકા પોલીસે વેપારી ભાવેશ ગીરીશભાઈ રાઠોડ ઉપર હુમલો કરનાર અરમાન નામના શખ્સને દબોચી લીધો હતો, અને તેમની સામે ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હોવાનું પોલીસ સૂત્રોમાંથી જાણવા મળેલ છે.