ગુજરાતની સ્થાનિક ચૂંટણી પહેલા ભાજપ-કોંગ્રેસ સાવધાન
દિલ્હીના તોફાનોમાં ધર્મ ઝનૂની કોમ દ્વારા આચરાયેલી હિંસા ગુજરાત સુધી ન પહોંચે તેવી તકેદારી રાખવી જરૂરી: સીએએના વિરોધના નામે બહુમતિઓ પરના હુમલાએ દેશને સંકટમાં મુક્યો
ભારતમાં દિલ્હીના તોફાનો બાદ લઘુમતીઓ અસલામત હોવાના આક્ષેપો થઈ રહ્યાં છે. પરંતુ વાસ્તવિકતા કંઈક અલગ જ હોવાનું સામે આવે છે. વર્તમાન સમયે થયેલા તોફાનો રાજકીય પક્ષ પ્રેરીત હોવાથી લઘુમતીઓ નહીં પરંતુ બહુમતીઓ જોખમમાં હોય તેવું જોવા મળે છે. પાકિસ્તાનમાં સ્થિતિ એકદમ અલગ છે. ત્યાં ઈસ્લામના અપમાનના નામે લઘુમતીઓ ઉપર અસહ્ય અત્યાચાર થઈ રહ્યાં છે. પાકિસ્તાનમાં લઘુમતી સમાજની મહિલાઓ ઉપર થતાં અપહરણ અને બળાત્કાર સહિતના કિસ્સા જગજાહેર છે ત્યારે ધર્મ ઝનૂની પ્રજા દ્વારા લઘુમતીઓને વધુ દબાવવામાં આવતા હોવાનું ખુદ યુએન દ્વારા નોંધાયું છે. આવા સંજોગોમાં કહી શકાય કે પાકિસ્તાનમાં લઘુમતીઓ જ્યારે ભારતમાં બહુમતીઓ જોખમમાં મુકાયા છે. આ સ્થિતિ પાછળ ‘આપ’ના નેતાઓ જવાબદાર હોવાનું પણ ચર્ચાઈ રહ્યું છે.
દિલ્હીમાં તોફાનોના પગલે અત્યાર સુધીમાં ૩૫ જેટલા લોકોના મોત થઈ ચૂકયા છે. આ તોફાનો સુયોજીત હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે. તોફાનો પહેલા જ પેટ્રોલ બોંબ, એસીડ સહિતના ઘાતક પદાર્થો તૈયાર રાખવામાં આવ્યા હતા અને ચોક્કસ કોમના લોકો પર આ પદાર્થોનો ઉપયોગ કરવાની તૈયારી હતી. કેટલાક સ્થળોએ ઉપયોગ થયો હોવાનું પણ ચર્ચાય છે. દિલ્હીમાં લાગેલી આગ ગુજરાત સુધી પહોંચતા વધુ સમય નહીં લાગે તેવી દહેશત વ્યકત થઈ છે. ગુજરાતમાં સ્થાનિક ચૂંટણીઓ હવે નજીકમાં છે. આવા સમયે ભાજપ અને કોંગ્રેસે સાવધાન રહેવાની જરૂર છે. દિલ્હીમાં ‘આપ’ના નેતા દ્વારા થયેલા કારસ્તાન ગુજરાતમાં પણ ન પ્રવેશે તેની ચોક્કસાઈ હવે ભાજપની સાથો સાથ કોંગ્રેસને પણ રાખવાની છે.
નજીકના સમયમાં ગુજરાતમાં સ્થાનિક ચૂંટણી યોજાવા જઈ રહી છે ત્યારે મતોના ધૃવિકરણનું રાજકારણ હવે ‘આપ’ ખેલશે તેવું ચર્ચાઈ રહ્યું છે. કોઈ એક કોમને રાજી રાખવા માટે ભૂતકાળમાં કોંગ્રેસ દ્વારા નીતિઓ ઘડાઈ હોવાના આક્ષેપો થયા હતા. હવે કોંગ્રેસ હિન્દુ-મુસ્લિમ વચ્ચે સમતોલન જાળવવાનો પ્રયાસ કરે છે. આવા સંજોગોમાં જે કોમ કોંગ્રેસથી વિમુખ થઈ છે તેના મત ખેંચવાનો પેંતરો આમ આદમી પાર્ટીનો હોવાનું સામે આવે છે. ત્યારે ગુજરાતમાં સ્થાનિક ચૂંટણીઓ પહેલા ક્યાંય જાનહાની ન થાય તેની તકેદારી સુરક્ષા વિભાગે રાખવી જોઈએ તેવું લોકોમાં ચર્ચાઈ રહ્યું છે.
નોંધનીય છે કે, યુનાઈટેડ નેશનના ચિફ મિસેલ બેચલેટ દ્વારા પાકિસ્તાનમાં લઘુમતીઓ પર થઈ રહેલા અત્યાચારનો મુદ્દો ઉઠાવવામાં આવ્યો હતો. તેમણે કહ્યું હતું કે, લઘુમતીઓના ધર્મ સ્થળો પર સતત હુમલાઓ થઈ રહ્યાં છે. પાકિસ્તાનની સરકાર દ્વારા કોઈ પગલા લેવાતા નથી. ઈસ્લામના અપમાનના નામે લઘુમતીઓ ઉપર ટોળાઓના હુમલા થાય છે. અનેક લોકોના મોત થયા છે. પાકિસ્તાન દ્વારા ઈશનિંદાનો કાયદો લાદવામાં આવ્યા બાદ અનેક સ્થળોએથી વિરોધ થયો હતો. આ કાયદા હેઠળ ગમે તેની ગમે ત્યારે ધરપકડ કરી તેના પર કાર્યવાહી થાય છે. આ કાયદો લઘુમતીઓ માટે ખુબજ હાનિકારક નિવડયો છે. વર્તમાન સમયે પાકિસ્તાનમાં હિન્દુ સહિતની લઘુમતી કોમ ઉપર ખતરો તોળાઈ રહ્યો છે. આવા સંજોગોમાં સીએએ હેઠળ હિન્દુઓ સહિતનાને ભારતનું નાગરિકત્વ મળે અને તેમનું રક્ષણ થાય તે જરૂરી છે. આ માટે સરકારે કાયદો બનાવ્યો છે પરંતુ કેટલાક ચોક્કસ સમૂહો તેનો વિરોધ કરી રહ્યાં છે. આ વિરોધ પાછળ કોમવાદની માનસીકતા છતી થતી હોવાનું જણાય છે.
નાગરિકતા કાયદાના વિરોધના નામે દિલ્હીના મુખ્ય વિસ્તારોને લાંબા સમય સુધી રીતસર બાનમાં લીધા બાદ હવે આ મુદ્દો હિંસક થઈ ચૂકયો છે. બહુમતીઓના વિસ્તારોને ટાર્ગેટ બનાવવાની સાથો સાથ જ્યાં બહુમતિઓની સંખ્યા ઓછી છે તેવા વિસ્તારોમાં ચોક્કસ કોમ બહુમતીઓના મકાનને ટાર્ગેટ બનાવી રહી હોવાનું જાણવા મળે છે. આ વાતને ટેકો આપતા કેટલાક વિડીયો પણ સોશ્યલ મીડિયામાં વાયરલ થયા છે. આવા સંજોગોમાં દિલ્હીમાં જે આગ લાગી છે તે ગુજરાત સુધી પહોંચે નહીં તે જોવાની જવાબદારી રાજકારણીઓની છે. આપના આગેવાન દ્વારા ષડયંત્ર રચી લઘુમતીઓ ઉપર હુમલા થયાના આક્ષેપો વચ્ચે હવે ગુજરાતમાં પણ આવી સ્થિતિ ઉભી ન થાય તેની તકેદારી રાખવી જોઈએ.
‘આપ’ આપણો નથી રહ્યો
દિલ્હીમાં નાગરિકતા કાયદા મુદ્દે થયેલા પ્રદર્શનો શાંતિપૂર્ણ હોવાનું બહાનું આગળ ધરી કોઈ પગલા લેવાયા ન હતા. ત્યારબાદ આ પ્રદર્શનોથી ધીમે ધીમે હિંસા થવા લાગી. આ હિંસાએ હવે રોદ્ર સ્વરૂપ ધારણ કરી લીધું છે ત્યારે હિંસા પાછળ આમ આદમી પાર્ટીના આગેવાનો જવાબદાર હોવાના આક્ષેપો થયા હોય હવે લોકોની સામાન્ય તકલીફોનો ઉકેલ આપવાનો દાવો કરનાર આમ આદમી પાર્ટી લોકોની નથી રહી તેવું ફલીત થયું છે. આમ આદમી પાર્ટી કોમવાદી રાજકારણમાં માનતી ન હોવાનો દાવો થયો હતો પરંતુ સ્થિતિ તદન ઉલ્ટી જોવા મળે છે. આપના કોર્પોરેટર જ હિંસામાં સંડોવાયેલા હોવાનું સામે આવ્યું છે. ગુજરાતમાં આમ આદમી પાર્ટી ભાખોડીયા ભરી રહી છે ત્યારે દિલ્હીમાં આપના નેતાએ કરેલી કરતુત ગુજરાતમાં પણ દોહરાવાય નહીં તેવું ઈચ્છનીય છે.
દિલ્હીના તોફાનો મુદ્દે અમેરિકામાં ટ્રમ્પને ભીંસમાં લેવા પેંતરો?
અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ભારતમાં હતા ત્યારથી દિલ્હીમાં હિંસાનો સીલસીલો શરૂ થયો હતો. અગાઉ સીએએના વિરોધના નામે થયેલા પ્રદર્શનો હિંસામાં પરિણમ્યા હતા. હવે આ હિંસા છેક અમેરિકા સુધી દઝાડી રહી છે. અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ભારતમાં થયેલી હિંસાત્મક ઘટનાની નિંદા ન કરવામાં આવવાનો મુદ્દો ચગાવવામાં આવ્યો છે. ટ્રમ્પના પ્રતિસ્પર્ધી ગણાતા બેર્ની સેન્ડર્સે ટ્રમ્પની નિતીનો વિરોધ કર્યો છે. સીએએની બાબત ભારતનો મામલો હોવાનું નિવેદન ટ્રમ્પે આપ્યું હતું. જો કે, ટ્રમ્પે હિંસા બાબતે કોઈ નિવેદન ન આપતા મામલો ગુંચવાયો છે. બેર્ની સેન્ડર્સનું કહેવું છે કે, રાષ્ટ્રપતિ ટ્રમ્પે ભારત ઉપર હિંસા મુદ્દે દબાણ લાવવું જોઈએ.
જો કે, બેર્ની વર્તમાન સમયે ટ્રમ્પના પ્રતિસ્પર્ધી માનવામાં આવે છે અને અમેરિકામાં ચોક્કસ કોમના મતની તેમને પણ જરૂર છે. માટે તેઓ ભારતની હિંસા મુદ્દે ટ્રમ્પને ભીંસમાં લેવાનો પ્રયત્ન કરતા હોય તેવી સ્થિતિ ઉભી થઈ છે.
દિલ્હીથી લઇ અમેરિકા સુધી લાગેલી આગથી શેરબજાર ‘દાઝ્યું’
શેરબજારમાં ખુલતાની સાથે જ ૧૨૦૦ પોઈન્ટનો તોતીંગ કડાકો બોલી જતાં રોકાણકારોમાં અફરા-તફરીનો માહોલ સર્જાયો છે. એક તરફ કોરોના વાયરસના કારણે વૈશ્ર્વિક બજારોમાં મંદીનો માહોલ છે. ત્યારે બીજી તરફ દિલ્હીમાં થયેલા તોફાનો અને અમેરિકામાં ટ્રમ્પ સામેના આક્ષેપોના પગલે ભારતીય બજારમાં ગાબડુ જોવા મળ્યું છે. આ લખાય છે ત્યારે સેન્સેકસ ૩૮૫૫૦ની સપાટીને ટચ કરીને આવ્યો છે. હાલ ૩૮૬૬૧ પોઈન્ટ સાથે સેન્સેકસ ટ્રેડ થઈ રહ્યો છે. વર્તમાન સમયે સેન્સેકસમાં ૧૧૦૦ પોઈન્ટનું ગાબડુ છે. નિફટી ૫૦ પણ ૩ ટકાના ઘટાડા અને ૩૩૮ પોઈન્ટના કડાકા સાથે ૧૧૨૯૫એ ટ્રેડ થઈ છે. બેંક નિફટીમાં ૮૦૦ પોઈન્ટનું ગાબડુ છે. આ લખાય છે ત્યારે નિફટી ફીફટીના તમામ શેર રેડ ઝોનમાં ટ્રેડ થઈ રહ્યાં છે. જેએસડબલ્યુ સ્ટીલ, હિંન્દાલકો, બજાજ ફાયનાન્સ અને યશ બેંક તથા વેંદાતા જેવા શેર ૪ થી ૬ ટકા સુધી તૂટી ચૂકયા છે. આ ઉપરાંત ઓઈલ અને ગેસ સેકટરની હાલત પણ ખરાબ હોવાનું જાણવા મળે છે. શેરબજારમાં છેલ્લા ત્રણ દિવસથી જોવા મળેલા ગાબડા પાછળ વૈશ્ર્વિક મંદી જવાબદાર હોવાનું નિષ્ણાંતોનું માનવું છે. કોરોના વાયરસની ઈફેકટ વૈશ્ર્વિક બજાર પર થઈ છે. થોડા સમય પહેલા સોનામાં ત્તેજી હતી. છેલ્લા ત્રણ દિવસથી ક્રુડમાં મંદી છે. આવા સંજોગોમાં હવે ભારતીય બજાર પર પણ મંદીની ગંભીર અસર જોવા મળી રહી છે.
દિલ્હીના તોફાનો દેશ માટે લાલબત્તી સમાન
દિલ્હીમાં ભડકેલી હિંસા ધીમે ધીમે સમગ્ર દેશમાં પ્રસરે તેવી દહેશત વ્યકત થઈ રહી છે. સીએએના વિરોધમાં રહેલા ચોક્કસ જૂથ દ્વારા થયેલી હિંસાત્મક ઘટનાઓના પડઘા સમગ્ર દેશમાં પડશે તેવી ભીતિના પગલે સુરક્ષા વિભાગ સતર્ક બન્યો હોવાનું સુત્રોમાંથી જાણવા મળી રહ્યું છે. ચૂંટણી સમયે કોઈપક્ષનું કામ કરનાર કાર્યકર્તાઓ પણ તોફાનમાં સામેલ હોવાનું સુત્રો પાસેથી જાણવા મળે છે. આવા સંજોગોમાં નેશનલ સિક્યુરીટી એડવાઈઝર અજીત દોઅલ દિલ્હીમાં પરિસ્થિતિની તપાસ કરી રહ્યાં છે. દિલ્હીમાં થયેલા કોમી હુલ્લડ પાછળ જવાબદારોને પકડવા સુરક્ષા વિભાગ તૈયાર છે પરંતુ દેશના પાટનગર ગણાતા દિલ્હીમાં યેલા આ તોફાનો પાછળ શાહીનબાગમાં પ્રદર્શનની સ્થિતિ જવાબદાર હોય સમગ્ર દેશમાં આગ ન લાગે તેવી તકેદારી રાખવી જરૂરી છે.
તોફાનોના મુખ્યકારક કોર્પોરેટર તાહિર હુસૈનને બરતરફ કરતો ‘આપ’
દિલ્હીમાં તોફાનોના માસ્ટર માઈન્ડ તાહિર હુસેનને બરતરફ કરવા આમ આદમી પાર્ટી મજબૂર થઈ છે. આઈબી ઓફિસર અંકિત શર્માની કરપીણ હત્યા બાદ તાહિર હુસેનને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. અંકિત શર્માનો મૃતદેહ તાહિર હુસેનના ઘર પાસે ગટરમાંથી મળી આવ્યો હતો. ઘર તરફ જતાં હતા ત્યારે ચોક્કસ કોમના ટોળાએ તેમના પર હુમલો કર્યો હતો અને તિક્ષણ હથિયારના અસંખ્ય ઘા માર્યા હતા. આ હત્યા પાછળ તાહિર હુસેન જવાબદાર હોવાનું માનવામાં આવે છે. તાજેતરમાં કેટલાક વિડીયો વાયરલ થયા છે. જેમાં ટોળાઓ પથ્થર, પેટ્રોલ બોંબ અને લાકડીઓ લઈને જોવા મળે છે. અંકિત શર્માના પિતા રવિન્દ્ર શર્માએ પણ અંકિતના મોત પાછળ હુસેન જવાબદાર હોવાનો આક્ષેપ કર્યો છે. નોંધનીય છે કે, અંકિત શર્માના પિતા રવિન્દ્ર શર્મા પણ ઈન્ટેલીજન્સ બ્યુરોમાં અધિકારી હતા. તાહિર હુસેનના ઘરની છત પરથી પેટ્રોલ બોંબથી હુમલા થતાં હતા તેવું વિડીયોમાં દર્શાવાયું છે. આવા સંજોગોમાં ભાજપના આગેવાન કપિલ મિશ્રાએ આક્ષેપ કર્યો છે કે, અંકિત શર્માના મોત પાછળ કેજરીવાલ પણ જવાબદાર છે. જો કેજરીવાલ અને તાહિર હુસેનના કોલ રેકોર્ડની તપાસ થાય તો સમગ્ર મામલો પ્રકાશમાં આવી શકે તેમ છે.