- મૂળ હડાળાના દંપતીએ ટંકારાના છતર ગામ પાસે આવેલી પ્રાથમિક શાળા પાસે જઈ ઝેર પી લીધું
વ્યાજખોરો સામાન્ય માનવીની જિંદગીને વ્યાજના વિષચક્રમાં સબડાવી ગ્રહણરૂપ બનતા હોય તેવા તો અનેક દાખલા સામે આવી ચુક્યા છે પણ જયારે સામાન્ય માનવી વ્યાજખોરોના ત્રાસથી ત્રાહિમામ પોકારી ઉઠે તો તેની અંતિમ ઉમ્મીદ પોલીસ પાસે હોય છે પણ જો પોલીસ જ વ્યાજખોરના ત્રાસથી પીડાતી હોય તેવું જાણવા મળે તો આશા કોની પાસે રાખવી તે એક મોટો સવાલ છે. આવું જ એક પ્રકરણ ટંકારાના છતર ગામે સામે આવ્યું છે. જ્યાં એલઆરડી જવાનના માતા-પિતાએ વ્યાજખોરોના ત્રાસથી સજોડે મોત વ્હાલું કરી લેતા અરેરાટી મચી જવા પામી છે.
પ્રાપ્ત વિગત અનુસાર રાજકોટ શહેર પોલીસ હેડક્વાર્ટરમાં ફરજ બજાવતા અને હાલ ચૂંટણી સંબંધિત કામગીરી માટે સ્પેશ્યલ શાખામાં ફરજ પર રહેલા એલઆરડી જવાન મિલનભાઈ ખૂંટ મૂળ હડાળા ગામના વતની છે. સામાન્ય પરિવારમાંથી આવતા પોલીસમેન મિલનભાઈ ખૂંટના માતા-પિતા મૂળ વતન હડાળામાં વસવાટ કરતા હતા અને રાજકોટ ખાતે લીલા ડોડવાની રેંકડી રાખી પેટીયું રળતા હતા. આર્થિક સંકડામણમાં પોલીસમેનના પરિજનોએ વ્યાજખોરો પાસેથી વ્યાજે નાણાં લીધા હોવાનું જાણવા મળ્યું છે.
હડાળા ગામના વતની નિલેશભાઈ મનસુખભાઇ ખૂંટ(ઉ.વ. 45) અને તેમના પત્ની ભારતીબેન નિલેશભાઈ ખૂંટ(ઉ.વ.43) દંપતીએ ટંકારા તાલુકાના છતર ગામે આવેલી પ્રાથમિક શાળા નજીક ગઈકાલે બપોરે આશરે 2 વાગ્યાં આસપાસ ઝેરી દવા ગટગટાવી આપઘાત કરી લીધો હતો. દંપતીએ વખડા ઘોળી લેતા કોઈકે 108માં ફોન કરતા તાતકાલિક બંનેને રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. 108 હોસ્પિટલ ખાતે પહોંચતા તબીબે તપાસતા નિલેશભાઈ ખૂંટને બપોરે 3:16 વાગ્યે મૃત જાહેર કરી દેવામાં આવ્યા હતા. જયારે પત્ની ભારતીબેનની સારવાર શરૂ કરવામાં આવી હતી પરંતુ ટૂંકી સારવાર આપતાં બપોરે 4:30 વાગ્યે તેમણે પણ દમ તોડી દીધો હતો. ઘટનાની જાણ થતાં ટંકારા પોલીસ મથકની ટીમ તાતકાલિક સિવિલ હોસ્પિટલ દોડી આવી હતી.
મળતી માહિતી મુજબ મૃતક દંપતીના પુત્ર મિલનભાઈ ખૂંટ મૂળ રાજકોટ પોલીસ હેડક્વાર્ટરમાં એલઆરડી જવાન તરીકે ફરજ બજાવે છે અને હાલ ચૂંટણી સંબંધિત કામગીરી હેતુ સ્પેશ્યલ શાખામાં ફરજ પર છે. જયારે મૃતક નિલેશભાઈ દરરોજ રાજકોટ આવીને મકાઈના લીલા ડોડવાની રેંકડી ચલાવતા હતા. મૃતક દંપતી છેલ્લા ઘણા સમયથી આર્થિક સંકડામણ અનુભવતા હતા અને આધેડ છેલ્લા થોડા સમયથી વ્યાજના વિષચક્રમાં ફસાયા હતા.
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર મૃતક નિલેશભાઈએ 3થી વધુ વ્યાજખોરો પાસેથી આશરે રૂ. 5 લાખ જેવડી રકમ વ્યાજે લીધા બાદ સમયસર વ્યાજ ચૂકવતા હોવાથી છતાં વ્યાજખોરો સતત પૈસાની ઉઘરાણી કરી જિંદગી દોઝખ બનાવી રહ્યા હતા પરિણામે કંટાળીને દંપતીએ મોત વ્હાલું કરી લીધું છે. હાલ આ મામલે ટંકારા પોલીસ મથકના પીએસઆઈ મુળુભાઈ ધાંધલની ટીમે ગુનો નોંધવાની તજવીજ હાથ ધરી છે.
વ્યાજખોરોના ત્રાસથી જો પોલીસમેનનો પરીવાર જ પીડાતો હોય તો સામાન્ય પ્રજાની દુર્દશા કેવી હશે!!
જે રીતે આ મામલો સામે આવ્યો છે જેમાં પોલીસમેનના પરિજનોને જ વ્યાજખોરોએ અસહ્ય ત્રાસ આપતાં દંપતીએ મોત વ્હાલું કરી લીધું છે. ત્યારે સવાલ એવો ઉઠે છે કે, બેફામ બનેલા વ્યાજખોરોઓ જો પોલીસમેનના પરીવારજનોને આટલી હદે ત્રાસ આપ્યો કે આધેડ અને તેમની પત્નીએ કંટાળી મોત વ્હાલું કરી લીધું તો પછી રાક્ષસી વ્યાજ વસુલતા વ્યાજખોરો સામાન્ય પ્રજાની કેવી દુર્દશા કરતા હશે તેની કલ્પના માત્રથી રુવાડા ઉભા થઇ જાય તેવી સ્થિતિ ઉદભવી છે.
થોડો સમય પૂર્વે જ વ્યાજખોરોએ સતત ત્રાસ આપતાં આંનદ સ્નેક્સના સંચાલક માતા-પુત્રને શહેર છોડવાની ફરજ પડી’તી
હજુ એકાદ માસ પૂર્વે જ રાજકોટ શહેરના પ્રતિષ્ઠિત આનંદ સ્નેક્સ નામે રેસ્ટોરેન્ટ અને કેટરર્સનો વ્યવસાય કરતા રેખાબેન કોટક અને પુત્ર ભાર્ગવ કોટકે વ્યાજખોરોના ત્રાસથી પીડાઈ શહેર છોડવાની ફરજ પડી હતી. પોલીસ કમિશ્નર રાજુ ભાર્ગવને વ્યાજખોરોના નંબર સાથે ત્રાસની આપવીતી જણાવતો પત્ર લખ્યા બાદ માતા-પુત્રએ જીવના જોખમની ભીતિ વ્યક્ત કરી શહેર છોડી દીધું હતું. હજુ આ મામલે આરોપીઓની ધરપકડ પણ બાકી હોય દરમિયાન વ્યાજખોરોના રંઝાડની વધુ એક ઘટના સામે આવી છે.