અમીન માર્ગ પરના સોની વેપારીને વિશ્વાશમાં લઇ 6.89 લાખના ઘરેણાં ખરીદી માત્ર રૂ.2.15 લાખ જ આપ્યા : બંટી-બબલીના રિમાન્ડની માંગણી સાથે કોર્ટ હવાલે
પોલીસમાં નોકરી નામે 12 લોકો પાસેથી લાખો ખંખેરનાર બબલી ક્રિષ્નાએ અમીનમાર્ગ વિસ્તારના સોની વેપારી સાથે પણ રૂ.4.74 લાખની છેતરપિંડી કરી હતી. વેપારીએ 20 દિવસ પૂર્વે ક્રાઇમ બ્રાંચના પીઆઇને જાણ કરી હતી.ક્રિષ્નાએ વેપારીને વિશ્વાશમાં લઇ 6.89 લાખના ઘરેણાં ખરીદી માત્ર રૂ.2.15 લાખ જ આપ્યા હતા.જેથી વેપારીએ ક્રિષ્ના વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.
અમીનમાર્ગ પરના નાલંદાપાર્કમાં રહેતા અને અમીનમાર્ગ પર કોપર આર્ટ જ્વેલરી નામે સોનાના દાગીનાનો શો-રૂમ ધરાવતાં પલ્લવ નિલેશભાઇ બુશાણીએ ભરતી કૌભાંડની સૂત્રધાર બબલી ક્રિષ્ના ભરડવા સામે માલવિયાનગર પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. વેપારી પલ્લવે ફરિયાદમાં જણાવ્યું હતું કે, 10 મહિનાથી ક્રિષ્ના સંપર્કમાં હતી અને રોકડેથી સોનાના દાગીના ખરીદી જતી હતી,
10 મહિનામાં કટકે કટકે તેણે રૂ.6,89,285ના સોનાના દાગીના ખરીદ કર્યા હતા અને રોકડા રૂ.2.15 લાખ આપ્યા હતા, બાકીની રકમના ચેક આપ્યા હતા તે ચેક રિટર્ન થતાં ક્રિષ્નાનો ટેલિફોનિક સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ તેનો મોબાઇલ બંધ આવતો હતો.જેથી ક્રિષ્નાનો કોઈ સંપર્ક થતા વેપારીએ તેના વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.
પોલીસમાં સીધી નોકરીની લાલચ આપી પૈસા ખંખેરનાર ક્રિષ્ના અને તેના પ્રેમી જેનિશને પોલીસે પકડી લેતા ભોગ બનનાર તમામ 12 યુવક-યુવતી ગાંધીગ્રામ પોલીસ સ્ટેશને દોડી ગયા હતા, કેટલાક યુવકો પોલીસ સમક્ષ રડી પડ્યા હતા અને તેમણે કહ્યું હતું કે, ક્રિષ્નાની વાતમાં ફસાઇને તેને પૈસા આપ્યા હતા અને ત્યારબાદ પોતાના ઘરે કહ્યું હતું કે, પોલીસમાં સિલેક્ટ થઇ ગયા છે અને ઓર્ડર પણ મળી ગયો છે, હવે પરિવારજનોને શું કહેવું તેવી વિમાસણમાં યુવકો ફસાયા હતા.બંને આરોપીને રિમાન્ડની માંગણી માટે આજે કોર્ટમાં રજૂ કરવામાં આવશે.