વિદ્યાર્થીઓ માટે ‘જાયે તો જાયે કહા’ જેવી સ્થિતીનું નિર્માણ !!
કાલથી એમ.એ, એમ. કોમ સેમ-3 તેમજ 14 ડીસેમ્બરથી બીજા તબક્કાની પરીક્ષાનો પ્રારંભ
19મી ડીસેમ્બરે ગ્રામપંચાયતની ચૂંટણી હોવાથી મોટાભાગના પ્રોફેસરો ચુંટણી ફરજ પર રોકાયેલા હોવાથી પરીક્ષાના વહીવટમાં સમસ્યા સર્જાય શકે છે
હાલ પરીક્ષાની મોસમ ચાલી રહી છે ત્યારે રાજ્ય સરકાર દ્વારા એલઆરડી અને પીએસ.આઈની ભરતીઓ જાહેર કરવામાં આવી છે જેમાં હજારો ઉમેદવારો પરીક્ષા આપવાના છે. બીજીબાજુ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની પણ પરીક્ષા ચાલી રહી હોય, વિદ્યાર્થીઓ કોન્સ્ટેબલની પરીક્ષા આપે કે યુનિવર્સિટી? જાયે તો કહા જાયે જેવો ઘાટ સર્જાયો છે. મળતી માહિતી મુજબ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની એમ. એ, એમ.કોમ સહિતની પીજીની પરીક્ષાનો આવતીકાલથી પ્રારંભ થવાનો હોય તેમજ 14 મી ડીસેમ્બરથી યુનિવર્સિટીની બીજા તબક્કાની પરીક્ષા પણ ચાલુ થઈ રહી છે ત્યારે આગામી દોઢ માસ સુધી લોકરક્ષકદળની પરીક્ષાના ઉમેદવારો ગ્રાઉન્ડ પરીક્ષા આપવા અન્ય જિલ્લામાં જવાનું હોય તો યુનિવર્સિટીની પરિક્ષા કઇ રીતે આપી શકે જેને લઈ મોટાભાગના વિદ્યાર્થીઓ મૂંઝવણમાં મુકાયા છે.
આ ઉપરાંત રાજ્યભરમાં 19મીએ ગ્રામપંચાયતની ચુંટણી પણ યોજાવાની હોય ત્યારે મોટાભાગના પ્રોફેસરોને ચૂંટણી ફરજના ઑર્ડર હોય પરીક્ષાના વહીવટમાં સમસ્યાઓ સર્જાઈ શકે તેમ છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના અણધણ વહીવટના લીધે હજારો વિદ્યાર્થીઓની પરીક્ષા પર અસર થઈ શકે તેમ છે જો કે હવે જોવું રહેશે કે, યુનિવર્સિટીના પરીક્ષા નિયામક આ બાબતે કોઈ યોગ્ય નિર્ણય કરે છે કે કેમ??
બન્ને પરીક્ષા હોય તેવા વિદ્યાર્થીઓ ફેબ્રુઆરીમાં રેમેડીયલ પરીક્ષા આપી શકશે: નિલેશ સોની
હાલ વિદ્યાર્થીઓ માટે પરીક્ષા સમસ્યાનો વિષય બની છે ત્યારે આ બાબતે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના રજિસ્ટાર અને પરીક્ષા નિયામકે જણાવ્યુ હતું કે, લોકરક્ષકદળ અને યુનિવર્સિટીની પરીક્ષા જે વિદ્યાર્થીઓને સાથે આવતી હોય તેવા વિદ્યાર્થીઓ ફેબ્રુઆરી માસમાં યોજાનારી રેમડીયલ પરીક્ષા આપી શકશે . આ સિવાય અન્ય કોઈ જ વિકલ્પ આપવામાં નહીં આવે. કેમ કે પરીક્ષા જાહેર થઈ ગઈ છે અને તેમાં બદલાવ શક્ય નથી.