ગુજરાતના છેવાડે આવેલ ઓખા ગામમાં ૧૯૨૬માં ગાયકવાડી સરકારે પોર્ટ બંદરની સ્થાપના કરી હતી. ત્યારબાદ ૫૦ વર્ષ સુધી આ બંદર દેશનું બીજા નંબરનું પોર્ટ બંદર રહેલું જે બારમાસી બંદર ૨૪ કલાક ધમધમતું રહેતુ પરંતુ છેલ્લા ૪૦ વર્ષમાં આ બંદરની દશા બેઠી હતી અને ઉતરોતર આ બંદર પડી ભાગવા લાગ્યું હતું. છેલ્લે પ્રદુષણના કારણે આ બંદર બંધ કરી આયત નિકાસની તમામ કામગીરી બંધ કરવામાં આવી હતી. આજે ૪૦ વર્ષ બાદ એલ.પી.જી.ટર્મીનલ બનતા અહીનો સુવર્ણ યુગ પાછો સ્થપાશે.
ગુજરાત મેરીટાઈમ બોર્ડ દ્વારા ઓખા એલ.પી.જી. ટર્મિનલ પ્રોજેકટ બીડ મંગાવવામાં આવી હતી. જેમાં નેધરલેન્ડની કંપનીની પેટા કંપની ઈન્ડિયા ઈ.આઈ.એલ ને આ પ્રોજેકટ ફાળવાયોના સમાચાર અંગત વર્તુળોમાંથી જાણવા મળેલ છે. કંપની ત્રણ વર્ષમાં રૂ.૭૦૦ કરોડના એલ.પી.જી ટર્મિનલ પ્રોજેકટને સ્થાપશે. ઈ.આઈ.એલ. ઓખામાં સ્થાપનારા આ પ્લાન્ટ દ્વારા આઠ લાખ ટન એલ.પી.જી.નો જથ્થો પુરો પાડશે. જેનાથી ઉર્જા જરીયાત સંતોષાશે. કંપનીને ૧૫ વર્ષ સુધી પ્રોજેકટ દ્વારા દેશની એલપીજી જરીયાત પુરી પાડવાનું લાયસન્સ આપશે.