આંતરરાષ્ટ્રીય સ્તરે ઓઈલ અને ગેસના ભાવ ઘટવાના કારણે સિલિન્ડરના ભાવમાં ઘટાડો કરાયો

આંતરરાષ્ટ્રીય સ્તરે ઓઈલ અને ગેસના ભાવ ઘટવાને કારણે દેશની ઓઈલ કંપનીઓએ ઘરેલું રાંધણગેસ (એલપીજી) સિલિન્ડરના ભાવમાં ઘટાડો કર્યો છે. સબસિડીવાળા સિલિન્ડરના ભાવમાં ૬.૫ રૂપીયાનો ઘટાડો કરવામાં આવ્યો છે. જયારે સબસિડી વગરના સિલિન્ડરના ભાવમાં રૂ.૧૩૩નો ઘટાડો કરવામાં આવ્યો છે.

ઉલ્લેખનીય છે કે દિલ્હીમાં ૧૪.૨ કિ.ગ્રા.ના સબસિડીવાળા સિલિન્ડરનો ભાવ ઘટીને ૫૦૦.૯૦ રૂપીયા જયારે સબસિડી વગરના સિલિન્ડરનો ભાવ ઘટીને ૮૦૯.૫૦ રૂપીયા થયો છે તેમ ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશને જણાવ્યું હતું. જુન મહિનાથી અત્યાર સુધીમાં સળંગ છ વખત એલપીજી સિલિન્ડરના ભાવમાં ઘટાડો કરવામાં આવ્યો હતો. આ સમયગાળામાં સબસિડી વગરના સિલિન્ડરના ભાવમાં ૧૪.૧૩ રૂપીયાનો વધારો નોંધાયો હતો.

મહત્વનું છે કે છેલ્લે ૩૧ ઓકટોબરે સબસિડીવાળા સિલિન્ડરના ભાવમાં ૨.૯૪ રૂપિયાનો વધારો કરવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે કેન્દ્ર સરકાર વર્ષમાં સબસિડી વગરના ૧૨ સિલિન્ડર આપે છે જો આંતર રાષ્ટ્રીય સ્તરે ભાવ વધારે હોય છે ત્યારે સરકારને વધારે સબસિડી ચુકવવી પડે છે.

જયારે આંતરરાષ્ટ્રીય સ્તરે ભાવ ઓછા હોય છે ત્યારે સરકારને ઓછી સબસિડી ચુકવવી પડે છે. નિયમ મુજબ એલપીજી પર જીએસટી તેના બજાર ભાવ પર ગણવામાં આવે છે. ડિસેમ્બરમાં સબસિડીવાળા ગ્રાહકોના બેંક ખાતામાં સબસિડી પેટે ૩૦૮.૬૦ રૂપીયા જમા કરવામાં આવશે.

મહત્વનું છે કે સબસિડીના દરમાં દર મહિને વધારો-ઘટાડો નોંધાતો રહે છે. આ દર એવરેજ ઈન્ટરનેશનલ બેંચ માર્ક એલપીજી રેટ અને ફોરેન એકસચેન્જ રેટ પર નિર્ભર છે. જયારે ઈન્ટરનેશનલ ભાવ વધે છે તો સરકાર વધારે સબસિડી આપે છે અને જયારે તે ભાવ નીચે આવે ત્યારે સબસિડીમાં ઘટાડો નોંધાય છે. રાંધણ ગેસમાં થયેલા આ ઘટાડાને પગલે હવે ગૃહિણીઓમાં પણ આનંદ છે. ગૃહિણીઓના બજેટમાં પણ રાંધણગેસના ભાવમાં ઘટાડો થવાથી બચત થશે તેવી આશા છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.