ભાજપ, કોંગ્રેસના કમિટેડ વિસ્તારમાં પક્ષ કરતા જ્ઞાતિ ફેક્ટર ચાલ્યુ હોવાથી પક્ષના ગણિત ઉંધા પડે તેવો રાજકીય તજજ્ઞોનો મત
જૂનાગઢ વિધાનસભાની ચૂંટણીમાં થયેલ ઓછું મતદાન ભાજપ, કોંગ્રેસ કે આપને કેટલું પડશે તે તો આગામી 8 તારીખે ઇવીએમ ખુલ્યા બાદ સ્પષ્ટ થશે. પરંતુ જો જુનાગઢ વિધાનસભા વિસ્તારની રાજકીય પંડિતોના દ્રષ્ટિએ પરિસ્થિતિ જોઈએ તો, અહીં જૂનાગઢમાં કોંગ્રેસના કમિટેડ એવા 3 બોર્ડમાં 55.22 % મતદાન થયું છે. આ સાથે ભાજપના કમિટેડ એવા 9 વોર્ડમાં 55.59 ટકા જેટલું મતદાન થયું છે. તો આ સીટમાં આવતા 17 ગામડાઓમાં 50 % ની આસપાસ મતદાન થતાં, જુનાગઢ વિધાનસભાની સીટનું પરિણામ રસાકસી ભર્યું બની ગયું છે. જો કે કોંગ્રેસ, ભાજપ અને આપના ઉમેદવારો દ્વારા જંગી લીડથી પોતાના ઉમેદવારની જીતાવાની આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.
જૂનાગઢની વિધાનસભા સીટ માટે કોંગ્રેસ દ્વારા જૂનાગઢના સીટિંગ ધારાસભ્ય અને વયો વૃદ્ધ કોંગ્રેસી અગ્રણી ભીખાભાઈ ગલાભાઈ જોશીને ફરી એક વખત રીપીટ કરી ઉમેદવારી નોંધાવાય હતી. જ્યારે સામે પક્ષે ભાજપે જૂનાગઢના યુવા ઉદ્યોગપતિ સંજયભાઈ કોરડીયાને જૂનાગઢની ચૂંટણી જંગમાં ઉતારી જૂનાગઢની સીટ કોંગ્રેસ પાસેથી આચકી લેવા માટે આ સીટ ઉપર પ્રતિષ્ઠાનો જંગ બનાવાયો હતો. તો આપે પણ આ સીટ ઉપર ચેતન ગજેરાને ટિકિટ આપતા જુનાગઢની સીટ ત્રિપાઠીઓ જંગ બની ગઈ હતી.
આ વખતની ચૂંટણીમાં મોટા ભાગે પ્રચાર જ્ઞાતિવાદ આધારિત નજરે પડતો હતો. કારણ કે, આ સીટ ઉપર બ્રાહ્મણ, લેઉવા પટેલ અને કડવા પટેલ મતદારોનું ભારે વર્ચસ્વ રહ્યું છે. ત્યારે ત્રણેય પાર્ટી એ એક એક જ્ઞાતિને ટિકિટ આપતા ત્રણેય ઉમેદવારના ટેકેદારો દ્વારા પોતાના જ્ઞાતિના ઉમેદવારને જીતાડવા માટે ભારે જહેમત ઉઠાવવામાં આવી હતી. તે સાથે કોંગ્રેસે દ્વારા પાંચ વર્ષ દરમિયાન ભીખાભાઈ જોશી એ કરેલા કામો અને તેમને નહીં લાગેલ એક પણ કલંકિત ડાઘ સાથે નિષ્ઠા અને પ્રમાણિક પણે કરેલ કામને ચૂંટણી મુદ્દો બનાવવામાં આવ્યો હતો. જ્યારે ભાજપના ઉમેદવાર દ્વારા જુનાગઢનું વિઝન એ મુદ્દાની સાથે ભાજપે કરેલા વિકાસકામો દર્શાવવાની સાથે મતદારોને રીઝવવા માટેના પ્રયત્નો કરવામાં આવ્યા હતા. તો આપ દ્વારા રેવડી અને ગેરંટી કાર્ડ સાથે મતદારોને રીઝવવા માટેના પ્રયત્નો કરવામાં આવ્યા હતા.
ગત 2017 ની ચૂંટણીમાં જૂનાગઢના કોંગ્રેસના ઉમેદવાર ભીખાભાઈ ગલાભાઈ જોશી એ ભાજપના ઘુવાધાર અને સમાજ સેવક મહેન્દ્રભાઈ મશરૂને ખૂબ ભારે મતોથી હાર આપી હતી. ત્યારે ભીખાભાઈ જોશીને મુસ્લિમ, દલિત અને બ્રહ્મ સમાજના મતદાતાઓનું ભારે સમર્થન મળ્યું હતું અને કોંગ્રેસના કમિટેડ વોર્ડમાંથી ભરે લીડ મળી હતી. જેના કારણે ભાજપના મહેન્દ્રભાઈ મશરૂને હારનો સામનો કરવો પડ્યો હતો. ત્યારે આ વખતે કોંગ્રેસના કમિટેડ ગણાય એવા 3 વોર્ડમાં 55.22 ટકા મતદાન થયું છે. આ સિવાય કોંગ્રેસના ગઢ ગણાતા અમુક ગામડાઓમાં પણ 50 ટકા જેટલું મતદાન થતાં કોંગ્રેસ વિજય થશે તેવું કોંગ્રેસ દ્વારા દાવો કરાઈ રહ્યો છે.
સામા પક્ષે ભાજપના યુવા ઉદ્યોગપતિ સંજયભાઈ કોરડીયાના શુભેચ્છકો અને પક્ષ દ્વારા પણ મતદારોને ભાજપ તરફી મતદાન કરવા ભારે પ્રયત્નો કરવામાં આવ્યા હતા. જેના ફલ સ્વરૂપે ભાજપના કમિટેડ એવા 9 વર્ડમાં 55.79 ટકા જેટલું મતદાન થયું હતું. ત્યારે ભાજપ દ્વારા સંજયભાઈ કોરડીયા આગામી વિધાનસભાના જુનાગઢના ધારાસભ્ય બની ચૂક્યા છે. તેઓ આશાવાદ વ્યક્ત કરવામાં આવ્યો છે.
તો લેઉવા પટ્ટીદાર સમાજના લોકો જે વિસ્તારમાં વધુ રહે છે ત્યાં તથા લેઉવા પટેલ વસતા હોય તેવા ગામડાઓમાં પણ 50 % ની આસપાસ મતદાન થતા આપના ઉમેદવાર ચેતન ગજેરા આ ચૂંટણીના વિનર હોવાનું આપ દ્વારા જણાવાય રહ્યું છે.
જો કે ખાટલે મોટી ખોટની જેમ આ વખતે પણ ભાજપ અને કોંગ્રેસના અમુક અસંતૃષ્ઠોએ છાના ખૂણે પોતાના પક્ષના ઉમેદવારના પ્રતિસ્પર્ધી ઉમેદવારને મદદ કરી હોવાનો પણ સંભળાઈ રહ્યું છે. ત્યારે આવા પક્ષના અસંતૃષ્ઠ નેતાઓ, અગ્રણીઓ તેમના પક્ષના ઉમેદવારને કેટલી નુકસાની પહોંચાડે છે. તે આગામી 8 તારીખે ઇવીએમ ખુલ્યા બાદ આ સ્પષ્ટ થશે. પરંતુ એક વાત ચોક્કસ છે કે, જુનાગઢ વિધાનસભાની આ વખતની ચૂંટણીનું પરિણામ જરા હટકે હશે અને રસાકસી ભરી ખેલાયેલી આ ચૂંટણીનું પરિણામ પણ કંઈક રસાકસી ભર્યું હશે. તેવું રાજકીય પંડિતો જણાવી રહ્યા છે.