અબતક, રાજકોટ

ગુજરાતમાં ગત સપ્તાહે નોંધપાત્ર વરસાદ છતાં પણ રાજ્યમાં સરેરાશ 41 ટકા વરસાદની ઘટ છે. જોકે 7 સપ્ટેમ્બરથી 14 સપ્ટેમ્બર દરમિયાન રાજ્યના વિવિધ વિસ્તારોમાં હળવાથી ભારે વરસાદની સંભાવના છે. જો કે હજુ રાજ્યમાં 41 ટકા વરસાદની ઘટ ભાદરવો મહિનો પુરી કરી દેશે કે કેમ? હજુ 15 ઈંચ જેટલો વરસાદ ઘટે છે તે શક્ય છે કે કેમ? જો 15 ઈંચ વરસાદ નહીં પડે તો ડેમો ખાલીખમ થઈ જશે અને જળસંકટ આવે તેવી પુરી શકયતા છે.

24 કલાકમાં બંગાળની ખાડીમાં લો-પ્રેશર સર્જાશે જે બુધવાર સુધીમાં મજબૂત બનશે તો ડીપડીપ્રેશનમાં ફેરવાશે: લો-પ્રેશરના કારણે રાજ્યભરમાં 8 થી14 સપ્ટેમ્બર દરમિયાન હળવાથી ભારે વરસાદની આગાહી

બીજીબાજુ આગામી 24 કલાકમાં બંગાળની ખાડીમાં લો-પ્રેશર રચાશે, જે 8 સપ્ટેમ્બર સુધી મજબૂત બની ડિપ્રેશન કે વેલમાર્ક લો-પ્રેશરમાં ફેરવાશે, જેને કારણે અમદાવાદ સહિત મોટા ભાગના વિસ્તારોમાં 8થી 14 સપ્ટેમ્બર મધ્યમથી ભારે તથા કેટલીક જગ્યાએ અતિભારે વરસાદ પડશે, જેને કારણે વરસાદની જે ઘટ પડી છે, તેમાં ઘટાડો થવાની વકી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. હાલમાં રાજ્યમાં વરસાદની ગેરહાજરીને કારણે ગુજરાતમાં કુલ વરસાદની ઘટ 41 ટકા છે, પરંતુ આગામી અઠવાડિયામાં સારા વરસાદને કારણે રાજ્યમાં વરસાદની ઘટમાં નોંધપાત્ર ઘટાડો થવાના સંકેતો હવામાન વિભાગ દ્વારા આપવામાં આવ્યા છે.

છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 46 તાલુકામા 2 ઈંચ સુધીનો વરસાદ: રાજુલા, જામજોધપુરમાં 1 ઈંચ અને જોડિયા, દ્વારકા અને રાજકોટ સહિતના વિસ્તારોમાં ઝાપટા પડ્યા

બંગાળની ખાડીમાં 24 કલાકમાં લો-પ્રેશર રચાશે, જે 7થી 8 સપ્ટેમ્બર સુધી બંગાળની ખાડીમાં રહેશે, જેને કારણે રાજ્યમાં થંડર સ્ટ્રોમની ગતિવિધિ વધશે. 8 સપ્ટેમ્બર બાદ લો-પ્રેશર બંગાળની ખાડીથી આગળ વધીને રાજસ્થાનની આજુબાજુ પહોંચશે, તેની સાથે મોન્સૂન ટ્રફ નીચે આવશે. આથી આ લો-પ્રેશર વેલમાર્ક લો-પ્રેશરથી લઇને ડિપ્રેશનમાં ફેરવાઈ શકે છે, જેની અસર 8થી 14 સપ્ટેમ્બર સુધી રહેશે. જેને કારણે રાજ્યભરમાં વરસાદ પડશે. વેલમાર્ક લો-પ્રેશર અને ડિપ્રેશનની અસરથી મધ્ય અને પશ્ચિમ ભારતનાં આંતર મોસમીય પરિવર્તનથી વરસાદ ખેંચી લાવતાં પરિબળો વધુ મજબૂત બનતા 20મી સુધી સારો વરસાદ પડી શકે છે. છેલ્લા 24 કલાકની વાત કરીએ તો રાજ્યના 46 તાલુકામા મેઘમહેર થઈ હતી. જેમાં સૌથી વધુ ખેડા જિલ્લામાં 2 ઈંચ, રાજુલા, જામજોધપુરમાં 1 ઈંચ જ્યારે ભાવનગર, જોડિયા અને દ્વારકામાં અડધો ઇંચ વરસાદ પડ્યો હતો.

 

નર્મદા ડેમની સપાટી 20 સેમી વધી 117.49 મીટરે પહોંચી

Screenshot 2 5

નર્મદા ડેમની સપાટીમાં 24 કલાકમાં 20 સેમીનો વધારો નોંધાયો છે. હાલ સપાટી 117.49 મીટર થઈ છે. ઉપરવાસમાંથી 4861 ક્યૂસેક પાણીની આવક થતાં સપાટીમાં વધારો નોંધાયો છે. બીજી બાજુ, 37 ડેમમાં 10 ટકા અને 39 ડેમમાં 20 ટકાથી ઓછું પાણી ઉપલબ્ધ છે. ઉત્તર ગુજરાતના ડેમોમાં અત્યારે માત્ર 23.63 ટકા જ પાણી નોંધાયું છે.

 

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.