20 ફેબ્રૂઆરીના દિવસે love your Pat day તરીકે સેલિબ્રેટ કરવામાં આવે છે. પૃથ્વી પર માણસ અને પ્રાણીઓ વચ્ચે સંબંધ હજારો વર્ષ જૂનો છે. ખાસ કરીને શ્વાનને મનુષ્યનો સાચો સાથી કહેવામાં આવે છે. આજના યુગમાં જ્યારે માણસને માણસ પર ભરોસો રહ્યો નથી એવા સમયે શ્વાન આજીવન વફાદાર રહી સાથે રહે છે. માણસ અને શ્વાન વચ્ચેના પ્રેમની અનેક કહાની તમે સાંભળી કે વાંચી હશે આવી જ એક ખાસ વાત તુર્કમેનિસ્તાનના પ્રમુખ અને તેના શ્વાન પ્રેમની છે. તુર્કમેનિસ્તાનના પ્રમુખ ગુરબાંગુલી બેર્દયમુખમેદોવે રાજધાનીમાં પોતાના પ્રીય ડોગની અંદાજે 50 ફૂટ ઊંચી મૂર્તિ બનાવડાવી છે.
તુર્કમેનિસ્તાનના પ્રમુખ ગુરબાંગુલીએ હાલમાં જ સેન્ટ્રલ એશિયન શેફર્ડ ડોગ અલબીના માનમાં નેશનલ હોલીડેની જાહેરાત કરી છે. આ હોલીડે એપ્રિલના છેલ્લા રવિવારે જાહેર કરવામાં આવ્યો છે. એટલું જ નહીં તેઓએ અલબી પ્રજાતિના શ્વાનની જે મૂર્તિનું અનાવરણ કર્યું છે તે ખાસ રીતે કાંસાની બનાવવામાં આવી છે જેથી તે ખરાબ ન થાય. નોંધનીય છે કે, અલબી પ્રજાતિના શ્વાનને દુનિયાભરમાં ખાસ પસંદ કરવામાં આવે છે. આ પ્રજાતિના કૂતરા માત્ર તુર્કમેનિસ્તાનમાં જ મળે છે. આજ કારણ છે કે ગુરબાંગુલી બેર્દયમુખમેદોવ આ કૂતરાને રાષ્ટ્રીય ઓળખ સાથે પણ જોડીને જોઈ રહ્યા છે. પ્રમુખ ગુરબાંગુલીએ 2019માં શ્વાન અલબી પર એક બૂક અને ગીત પણ લખ્યું છે. આ સિવાય તેઓએ અલબી પ્રજાતિના એક શ્વાનને રશિયાના વડાપ્રધાન ડીમિત્રી મેડવેદેવને ગિફ્ટ પણ કર્યું હતું.